વિયેટનામના પાંચ ટકા બ્રોકન ચોખાનો ભાવ ૪૯૫થી ૫૦૦ ડૉલર ક્વોટ થાય છે જે એપ્રિલ ૨૦૨૧ બાદની સૌથી ઊંચી સપાટી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક ચોખાની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં ભાવ વધીને બે વર્ષની ટોચે પહોંચ્યા છે. ખાસ કરીને વિયેટનામના ચોખાના ભાવ ઊંચકાયા હોવાથી ભારતીય ચોખાની નિકાસ બજારને પણ ટેકો મળી રહ્યો છે. ભારતીય બજારમાં પણ ચોખાના ભાવ ફેબ્રુઆરી ૨૦૨૧ બાદની ટોચે પહોંચ્યા છે અને હજી આગામી દિવસોમાં અલ નીનોની સંભવિત આગાહીને જોતાં જો ઉત્પાદન ઘટશે તો ભાવ વધુ વધે એવી ધારણા છે. જોકે સરકાર જુલાઈથી વેચાણ શરૂ કરશે, એની અસર પર બજારનો આધાર રહેલો છે.
વિયેટનામના પાંચ ટકા બ્રોકન ચોખાનો ભાવ ૪૯૫થી ૫૦૦ ડૉલર ક્વોટ થાય છે જે એપ્રિલ ૨૦૨૧ બાદની સૌથી ઊંચી સપાટી છે. એક સપ્તાહમાં પાંચેક ડૉલરનો વધારો આવ્યો છે. વિયેટનામમાં પ્રતિકૂળ હવામાનને કારણે ચોખાનો પાક ઓછો થાય એવી ધારણા છે. બીજી તરફ નિકાસ-ડિમાન્ડ સારી છે અને નિકાસકારો નિકાસ-ઑર્ડર પૂરા કરી શકે એવી સ્થિતિમાં નથી, જેને પગલે પણ બજારનો ટોન હાલપૂરતો મજબૂત દેખાય રહ્યો છે.
વિયેટનામે જૂન મહિનાના પહેલા પખવાડિયામાં જ ચોખાની કુલ ૨.૮૪ લાખ ટનની નિકાસ કરી છે. ચાલુ વર્ષમાં ૧૫મી જૂન સુધીની કુલ નિકાસ ૩૦ લાખ ટનની થઈ છે.
થાઇલૅન્ડ ચોખાના ભાવ પણ ૫૦૫ ડૉલર ક્વોટ થાય છે, જે પણ બે વર્ષના સૌથી ઊંચા ભાવ છે. થાઇલૅન્ડની ચોખાની નિકાસ ૮૦ લાખ ટનની થઈ ગઈ છે, જે સરકારે ૭૫ લાખ ટનની ધારણા રાખી હતી. વિશ્વના ટોચના નિકાસકાર દેશ એવા ભારતની નિકાસ પણ સારી છે અને પાંચ ટકા બ્રોકન ચોખાનો ભાવ ૩૯૭થી ૪૦૫ ડૉલર પ્રતિ ટન છે, જે પણ ફેબ્રુઆરી ૨૦૨૧ બાદના સૌથી ઊંચા ભાવ છે.


