સેન્સેક્સે ૮૮૦ પૉઇન્ટના ઘટાડે ૮૦નું લેવલ ગુમાવ્યું : પ્રાઇવેટ બૅન્કોના ભારમાં બૅન્ક નિફ્ટી દોઢ ટકા જેવો ડાઉન : ડ્રોન કંપની આઇડિયા ફોર્જ ૨૦ ટકાની ઉપલી સર્કિટ સાથે બેસ્ટ ગેઇનર : નફો ૧૩ ટકાના વધારામાં ટાઇટન વૉલ્યુમ સાથે સાડાચાર ટકા ઊંચકાયો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કી હાઇલાઇટ્સ
- માથે પરિણામ વચ્ચે તાતા મોટર્સ મજબૂત, રિલાયન્સ માર્કેટને ૧૫૮ પૉઇન્ટ નડી
- નફો ઘટવા છતાં કેપીઆર મિલ નવા શિખર સાથે સવાઅગિયાર ટકા ઊછળી
- નબળા રિઝલ્ટમાં ગ્રાઇન્ડવેલ ગગડી
ભારત-પાકિસ્તાન વચ્ચે જંગની શરૂઆત થઈ ગઈ છે. પ્રચાર માધ્યમોમાં દેશદાઝ દર્શાવવાની હોડ જામી છે. ઝી ન્યુઝવાળાએ ઇસ્લામાબાદ કબજે કરી લીધું તો આજતકવાળાએ કરાચીનો ખાતમો બોલાવી દીધો. મીડિયા અને એના જન્મજાત ચાપલૂસ ન્યુઝ-ઍન્કર્સ ગજબની લવારીએ ચડ્યા છે. ઍન્કરો હોય એટલું જોર કાઢીને સમાચાર વાંચે છે. બૅકગ્રાઉન્ડમાં સાઇરન ચીસાચીસ કરી રહી છે. ચૅનલોના સ્ટુડિયોમાંથી મિસાઇલ્સ છોડાતી હોય એ રીતે બ્રેકિંગ ન્યુઝ અપાય છે. જબરો તમાશો કે તાયફો ચાલી રહ્યો છે. જો આ જ દેશભક્તિ હોય તો મને માફ કરજો યારો... ખરેખર તો સરકારે જાગવાની જરૂર છે. જો ૮૦૦૦ ટ્વિટર અકાઉન્ટ સરકાર બંધ કરાવી શકતી હોય તો પછી આ ભાંડોની ભવાઈ કેમ ચાલવા દે છે? ઍનીવે, આ યુદ્ધ છે. યુદ્ધના નીતિનિયમ હોતા નથી. અગર તો પછી એ આગવા હોય છે. ક્યારે શું થયું, કેટલી કોની ખુવારી થઈ, ક્યા ખોયા ક્યા પાયા એના હિસાબકિતાબની ખબર જંગ પૂરો થયા પછી પડશે.
ઘરઆંગણે સેન્સેક્સ યુદ્ધના પગલે આગલા બંધથી ૧૩૬૭ પૉઇન્ટ નીડે ૭૮૯૬૮ ખૂલી એને જ ઇન્ટ્રા-ડે બ્રૉટમ બનાવી ઉપરમાં ૮૦૦૩૩ થયા બાદ છેવટે ૮૮૦ પૉઇન્ટ બગડીને ૭૯૪૫૪ બંધ થયો છે. નિફ્ટી નીચામાં ૨૩૯૩૬ બતાવી ૨૬૬ પૉઇન્ટની નબળાઈમાં ૨૪૦૦૮ રહ્યો છે. આરંભથી અંત સુધી નેગેટિવ ઝોનમાં રહેલા બજારમાં માર્કેટ બ્રેડ્થ નબળી હતી. NSEમાં વધેલા ૧૦૬૫ શૅર સામે ૧૭૩૮ જાતો માઇનસ હતી. સેન્સેક્સ નિફ્ટીના ૧.૧ ટકાના ઘટાડા સામે બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા કે ૭૭૦ પૉઇન્ટ, રિયલ્ટી બે ટકા, યુટિલિટીઝ દોઢ ટકો, ફાઇ ઇન્ડેક્સ ૧.૪ ટકા ડાઉન હતા. સામે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પોણાબે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સવા ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકો વધ્યા છે. સ્મૉલકૅપ બેન્ચમાર્ક ૦.૩ ટકા જ ઘટ્યો છે, પરંતુ એના ૯૭૯માંથી ૪૦૭ શૅર જ વધ્યા છે. બજારનું માર્કેટકૅપ ૨.૧૦ લાખ કરોડ ઘટી ૪૧૬.૫૦ લાખ કરોડ રહ્યું છે. ચાઇના-થાઇલૅન્ડ નહીંવત્ નરમ હતા. અન્ય એશિયન બજાર વધ્યાં છે. તાઇવાન પોણાબે ટકા, જપાન દોઢ ટકો, સિંગાપોર પોણો ટકો પ્લસ હતું. યુરોપ રનિંગમાં અડધો ટકો ઉપર દેખાતું હતું. બિટકૉઇન ફરીથી લાખના ઑર્બિટમાં આવી ગયો છે. ઉપરમાં ૧૦૪૦૩૩ ડૉલર થઈ રનિંગમાં ૧૦૨૯૪૬ ડૉલર હતો. કેનરિક ઇન્ડસ્ટ્રીઝ ૨૫ની ઇશ્યુ પ્રાઇસ સામે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૬.૨૬ રૂપિયા બંધ રહેતાં પાંચ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.
ADVERTISEMENT
સારા પરિણામ છતાં MCX વૉલ્યુમ સાથે ૩૨૭ રૂપિયા તૂટ્યો
MCXનો ત્રિમાકિસ નફો ૫૪ ટકા વધી ૧૩૫ કરોડ થવા છતાં શૅર સવાબે ગણા વૉલ્યુમે નીચામાં ૫૬૦૧ બતાવી સાડાપાંચ ટકા લથડી ૫૬૭૨ બંધ થયો છે. તો BSE લિમિટેડ પણ નીચામાં ૬૪૮૨ થઈ પોણાબે ટકા બગડી ૬૫૭૨ હતો. CDSL લિમિટેડમાંય પોણાબે ટકાની નરમાઈ હતી. આ ત્રણેય શૅરના ઘટાડા માટે યુદ્ધના પગલે રોકાણકારોના માનસને થનારી સંભવિત માઠી અસરની આશંકા કામ કરી ગઈ છે. કેપીઆર મિલનો નફો ૪ ટકા ઘટી ૨૦૪ કરોડ થયો છે, પરંતુ શૅર ૧૩૯૫ની વિક્રમી સપાટી બનાવી સવાઅગિયાર ટકા કે ૧૩૪ના જમ્પમાં ૧૩૨૧ નજીક બંધ થયો છે. બોરોસીલ રિન્યુએબલ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૩૨ વટાવી ગયો છે. પરિણામ આજે આવશે. જૅપનીઝ સુમિટોમો મિત્સુઇને યસ બૅન્કનો હિસ્સો વેચવા માટે સ્ટેટ બૅન્કની બોર્ડ મીટિંગના પગલે યસ બૅન્ક ૪ ગણા કામકાજે પોણાદસ ટકા ઊછળીને ૨૦ થઈ છે. ઑટો કમ્પોનન્ટ કંપની SJS એન્ટરપ્રાઇઝિસનો ભાવ ૧૪ ગણા વૉલ્યુમે પોણાઅગિયાર ટકાની તેજીમાં ૧૦૩૩ દેખાયો છે.
ગ્રાઇન્ડવેલ નોર્ટનનો ત્રિમાસિક નફો પોણાછ ટકા ઘટી ૮૭ કરોડ નજીક આવતાં શૅર નીચામાં ૧૫૯૦ બનાવી સાડાઆઠ ટકા લથડી ૧૬૧૪ના બંધમાં એ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર હતો. સોનાટા સૉફ્ટવેર પોણાછ ટકા, ચોલા મંડલમ ફાઇનૅન્સ સાડાપાંચ ટકા, પૉલિ મેડિક્યૉર સવાપાંચ ટકા ખરડાયા છે. ઓલા ઇલેક્ટ્રિક દોઢ ટકાથી વધુના ઘટાડે ૪૬.૭૫ રહી છે. સ્વિગીની ચોખ્ખી ખોટ ૫૫૪ કરોડથી વધીને ૧૦૮૧ કરોડને વટાવી ગઈ છે. શૅર પરિણામ પૂર્વે નજીવા ઘટાડે ૩૧૪ બંધ થયો હતો, સોમવારે રિઝલ્ટની અશર જોવા મળશે.
ભારે ઊથલપાથલ પછી પાકિસ્તાની શૅરબજાર ૪૦૧૫ પૉઇન્ટ પ્લસ
પાકિસ્તાની શૅરબજાર આગલા દિવસે ઉપલા મથાળેથી ૧૦૨૮૨ પૉઇન્ટની ખુવારીમાં નીચામાં ૧૦૧૫૯૯ની અંદર ગયા બાદ અંતે ૬૪૮૨ પૉઇન્ટ લથડી ૧૦૩૫૨૭ બંધ થયું હતું. યુદ્ધ શરૂ થયા પછી ગઈ કાલે ત્યાં જબરી વધ-ઘટ પછી તગડો સુધારો જોવા મળ્યો છે. કરાચી શૅરબજારનો આંક આગલા બંધથી ૧૬૦૬ પૉઇન્ટ વધીને ૧૦૫૧૧૩ ખૂલ્યા પછી ૧૦૫૯૪૬ સુધી ગયો હતો. ૨૪૧૯ પૉઇન્ટના આ બાઉન્સબૅક પછી બજાર ૩૫૨૫ પૉઇન્ટના ધબડકામાં નીચામાં ૧૦૨૪૨૧ થયો હતો. શરૂઆતની આ કુલ ૪૦૨૫ પૉઇન્ટની ઊથલપાથલ અને ૩૫૨૫ પૉઇન્ટની ખરાબી પછી માર્કેટ ક્રમશઃ વધવા માંડ્યું હતું, જેમાં ૧૦૭૫૪૧ પૉઇન્ટની ઇન્ટ્રા-ડે ટૉપ બની હતી. આમ નીચલા મથાળેથી ૫૧૨૦ પૉઇન્ટના શાર્પ બાઉન્સ એક પછી કરાચી શૅરબજાર છેવટે પોણાચાર ટકા કે ૪૦૧૫ પૉઇન્ટ વધીને ૧૦૭૫૪૧ બંધ થયું છે. ભારતીય બજારની નબળાઈ સામે કરાચી શૅરબજારની આવી મજબૂતી બેશક નવાઈ કહી શકાય.
ડિફેન્સ શૅર જોરમાં, હોટેલ અને રિયલ્ટીમાં નરમાઈ
ભારત-પાક યુદ્ધની અસરમાં ગઈ કાલે ડિફેન્સ શૅરમાં સારી ઝમક હતી. ડ્રોન બનાવતી આઇડિયા ફોર્જ ૧૦ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૬૩ થઈ છે. NIBE લિમિટેડ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૩૩૬ નજીક રહી છે. ઝેન ટેક્નૉલૉજીઝ પણ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૦૬ વટાવી ગઈ છે. અપોલો માઇક્રોસિસ્ટમ્સ ૧૩૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાબાર ટકા ઊછળી ૧૩૦ હતી. અન્ય ડિફેન્સ શૅરમાં DCX સિસ્ટમ્સ ૭.૮ ટકા, ભારત ડાયનૅમિક્સ પોણાછ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૧.૯ ટકા, મિશ્ર ધાતુ નિગમ ૪.૨ ટકા, પારસ ડિફેન્સ આઠ ટકા, ડેટા પૅટર્ન્સ પોણાચાર ટકા, માઝગાવ ડૉક ૩.૭ ટકા, કોચીન શિપયાર્ડ ત્રણેક ટકા, ગાર્ડન રિચ દોઢ ટકો, ભારત અર્થ મૂવર્સ દોઢ ટકો, એસ્ટ્રામાઇક્રોવેવ સવાછ ટકા, સિકા ઇન્ટરપ્લાન્ટ પાંચ ટકા મજબૂત હતા.
હોટેલ-રિસૉર્ટ્સ સેક્ટરના શૅર યુદ્ધના પગલે બગડ્યા છે. બનારસ હોટેલ્સ, તાજ જીવીકે, આઇટીડીસી, લેમન ટ્રી, ઈઆઇએચ હોટેલ્સ, સિન્કલર હોટેલ્સ, જિન્દલ હોટેલ, ગુજરાત હોટેલ, ઇન્ડિયન હોટેલ, ઓરિયેન્ટ હોટેલ, એસ્પાયર હૉસ્પિટલિટી, હાર્વર્ડ હોટેલ, એપીજે સુરેન્દ્રપાર્ક હોટેલ્સ જેવી જાતો અઢી ટકાથી લઈ પાંચ ટકાની મંદીની સર્કિટ સુધી ડાઉન હતી. રૉયલ મનોર હોટેલ સામા પ્રવાહે ૭.૬ ટકા વધીને ૫૪ તો સયાજી હોટેલ ૪.૪ ટકા વધી ૧૩૩ બંધ રહી છે. ઉદ્યોગના ૫૭માંથી માત્ર પાંચ શૅર પ્લસ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરના ઘટાડે બે ટકા નરમ હતો. લોઢાની મેક્રોટેક ડેવલપર્સ પોણાચાર ટકા ડૂલ થઈ છે. રિયલ્ટી સેક્ટરના ૧૧૮ શૅરમાંથી ૨૨ શૅર સુધર્યા હતા. સ્કાયલાઇન મિલર્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૦ નજીક રહી છે. આશિયાના હાઉસિંગ ૫.૬ ટકા વધી છે. સામે મેગા નિર્માણ ૧૪.૩ ટકા, AGI ઇન્ફ્રા ૧૦.૫ ટકા, રેમન્ડ ૫.૪ ટકા, નૅશનલ સ્ટાન્ડર્ડ ૫.૩ ટકા તૂટી છે.
ICICI બૅન્ક તથા HDFC બૅન્કની બૂરાઈ બજારને ૫૨૦ પૉઇન્ટ નડી
ટાઇટન લિમિટેડે ૧૩ ટકાના વધારામાં ધારણાથી સારો ૮૭૧ કરોડનો ત્રિમાસિક નેટ નફો કરતાં નુવામાએ ટાર્ગેટ પ્રાઇસ અપવર્ડ કરીને ૪૫૪૧ તથા મોતીલાલ ઓસવાલે ૪૦૦૦ની કરી છે. શૅર છ ગણા વૉલ્યુમે ૪.૪ ટકા કે ૧૪૭ની તેજીમાં ૩૫૧૧ બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ પર્ફોર્મર બન્યો છે. લાર્સનને ૨૫ ટકાના વધારામાં ૫૪૯૭ કરોડ ચોખ્ખો નફો કરી ધારણા કરતાં બહેતર પરિણામ સાથે શૅરદીઠ ૩૪નું ડિવિડન્ડ જાહેર કર્યું છે જેમાં ભાવ ત્રણેક ગણા વૉલ્યુમે પોણાચાર ટકા વધી ૩૪૪૬ બંધ થતાં બજારને સર્વાધિક ૧૨૬ પૉઇન્ટનો ફાયદો થયો છે. તાતા મોટર્સનાં પરિણામ ૧૩મીએ આવશે. શૅર બમણા કામકાજે ચાર ટકા નજીકની મજબૂતીમાં ૭૦૮ વટાવી ગયો છે. ભારત ઇલેક્ટ્રિક પોણાત્રણ ટકા, હીરો મોટોકૉર્પ તથા સ્ટેટ બૅન્ક ૧.૪ ટકા, હિન્દાલ્કો એક ટકો, ONGC તથા ડૉ. રેડ્ડીઝ લૅબ પોણા ટકા આસપાસ પ્લસ હતા.
ICICI બૅન્ક સવાત્રણેક ટકા બગડી ૧૩૮૯ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની સેન્સેક્સને ૨૭૮ પૉઇન્ટ નડી છે. HDFC બૅન્ક બે ટકા જેવી ખરડાઈ ૧૮૮૯ના બંધ સાથે બજારને ૨૪૨ પૉઇન્ટ ભારે પડી છે. રિલાયન્સે બે ટકા નજીકના ઘટાડામાં ૧૩૭૮ બંધ આપી બજારને ૧૫૮ પૉઇન્ટનો માર માર્યો છે. અન્યમાં પાવરગ્રિડ પોણાત્રણ ટકા, અલ્ટ્રાટેક સવાબે ટકા, બજાજ ફાઇનૅન્સ બે ટકા, ગ્રાસિમ ૨.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સવાબે ટકા, ટ્રેન્ટ ૨.૨ ટકા, અદાણી પોર્ટ્સ બે ટકા, અપોલો હૉસ્પિટલ ૧.૯ ટકા, SBI લાઇફ ઍક્સિસ બૅન્ક તેમ જ બજાજ ફિનસર્વ પોણાબે ટકા, મહિન્દ્ર અને આઇટીસી દોઢ ટકાથી વધુ, ભારતી ઍરટેલ અને સનફાર્મા સવા ટકો, HDFC લાઇફ ૧.૩ ટકા,જિયા ફાઇનૅન્સ અને મારુતિ સુઝુકી ૧.૨ ટકા ડાઉન હતા. ટીસીએસ, ઇન્ફી તથા કોટક બૅન્ક નહીંવત્ ઘટ્યા છે.

