Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > છેવટે નિફ્ટી ૨૦,૦૦૦ ઉપર બેસ્ટ લેવલે બંધ, સેન્સેક્સ સતત ૯મા દિવસે વધ્યો, સરકારી બૅન્કો જોરમાં

છેવટે નિફ્ટી ૨૦,૦૦૦ ઉપર બેસ્ટ લેવલે બંધ, સેન્સેક્સ સતત ૯મા દિવસે વધ્યો, સરકારી બૅન્કો જોરમાં

14 September, 2023 10:45 AM IST | Mumbai
Anil Patel

પીએસયુ બૅન્ક નિફ્ટી નવા શિખર સાથે સવાચાર ટકાની તેજીમાં, માર્કેટ બ્રેડ્થ મજબૂત

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


આઇટી, ઑટો અને કૅપિટલ ગુડ્સની સામાન્ય નરમાઈ બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસમાં : પીએસયુ બૅન્ક નિફ્ટી નવા શિખર સાથે સવાચાર ટકાની તેજીમાં, માર્કેટ બ્રેડ્થ મજબૂત : મુંબઈના મુલુંડની સરોજા ફાર્માનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ, અંધેરીની પ્રમારા પ્રમોશન્સે ૮૫ ટકાનું રિટર્ન આપ્યું : આર.આર. કેબલ્સનો ઇશ્યુ પ્રથમ દિવસે ૨૫ ટકા ભરાયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગગડીને ૧૧૦ રૂપિયા : રિલાયન્સમાં સુધારો, જિયો ફાઇ.માં નબળાઈ, અદાણીના ૧૦માંથી ૮ શૅર ડાઉન : નીટ તેજીની ચાલમાં મહિનામાં ૭૭થી વધી ૧૪૦ 


આગલા રોકડા અને બ્રૉડર માર્કેટમાં ભારે ખુવારી વચ્ચે પણ ૯૪ પૉઇન્ટ વધેલો સેન્સેક્સ બુધવારે સાધારણ નરમ, ૬૭,૧૮૯ નજીક ખૂલી છેવટે ૨૪૬ પૉઇન્ટની આગેકૂચમાં ૬૭,૪૬૭ બંધ થયો છે. આ સતત નવમા દિવસની આગેકૂચ છે. નિફ્ટી ૭૭ પૉઇન્ટના સુધારા સાથે ૨૦,૦૭૦ના શિખરે બંધ આવ્યો છે. સેન્સેક્સ નહીંવત્ નરમ ખૂલ્યા બાદ નીચામાં ૬૭,૦૫૩ થયો હતો. ૧૧ વાગ્યા પછી ચક્ર બદલાયું હતું. માર્કેટ ઉત્તરોત્તર વધતું રહી ઉપરમાં ૬૭,૫૬૫ વટાવી ગયું હતું. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ મંગળવારના ૧૫૫૧ પૉઇન્ટના ધબડકા બાદ ગઈ કાલે ઉપરમાં ૩૭,૪૨૬ થઈ ૩૧૪ પૉઇન્ટ વધી ૩૭,૨૯૭ રહ્યો છે. એના ૯૫૯માંથી ૬૯૩ શૅર પ્લસ હતા. મિડ કૅપ બેન્ચમાર્ક મામૂલી અને બ્રૉડર માર્કેટ સાધારણ સુધર્યું હતું. આઇટી, ઑટો અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સામાન્યથી લઈ અડધો ટકો માઇનસ થયા છે. બાકીના તમામ સેક્ટોરલ વધ્યા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની તેજીમાં ૪૯૪૮ની સર્વોચ્ચ સપાટી બતાવી સવાચાર ટકાના બાઉન્સબૅકમાં ૪૯૩૮ થયો છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ એક ટકાથી વધુ, ટેલિકૉમ ઇન્ડેક્સ અઢી ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સવા ટકો, નિફ્ટી મીડિયા દોઢ ટકો, એનર્જી બેન્ચમાર્ક ૧.૧ ટકા, મેટલ ઇન્ડેક્સ એક ટકો, બૅન્ક નિફ્ટી ૦.૯ ટકા મજબૂત હતા ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૧૩૪૬ શૅરની સામે ઘટેલા શૅરની સંખ્યા અડધી, ૬૯૨ની રહી છે.



એશિયન બજારો સાંકડી વધ-ઘટે બહુધા નરમ બંધ થયા છે. થાઇલૅન્ડ ૦.૭ ટકા અને ચાઇના અડધો ટકો ઘટી મોખરે હતાં. યુરોપ રનિંગમાં અડધા ટકા આસપાસ ડાઉન હતું. સપ્લાય ટાઇટ થવાના વરતારામાં બ્રેન્ટ ક્રૂડ વધીને ૯૩ ડૉલર નજીક, ૧૦ માસની ટોચે પહોંચી ગયું છે. ઇન્ડસ્ટ્રિયલ મેટલમાં ઝિન્ક અને ટીન વાયદા એકથી સવા ટકો તો ઍલ્યુમિનિયમ અડધો ટકો નીચે ઊતર્યું છે.


બુધવારે મુંબઈના મુલુંડની સરોજા ફાર્મા શૅરદીઠ ૮૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ૬૫ ખૂલી ૬૮ ઉપર બંધ થતાં રોકાણકારોને ૧૮.૮ ટકા કે પોણાસોળ રૂપિયાની લિસ્ટિંગ લોસ થઈ છે, જ્યારે અંધેરીની પ્રમારા પ્રમોશન્સ ૬૩ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૧૧ ખૂલી ઉપલી સર્કિટે ૧૧૬ ઉપર બંધ થતાં અહીં ૮૫ ટકાનો કે ૫૩ રૂપિયાથી વધુનો સારો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે.

ભારતી, ટાઇટન, ઍક્સિસ બૅન્ક, ગ્રાસિમ જેવા શૅર નવા શિખરે


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર વધ્યા હતા. ભારતી ઍરટેલ સરેરશ કરતાં ૧૫ ટકાના વૉલ્યુમે ૯૧૮ની વિક્રમી સપાટી બનાવી પોણાત્રણ ટકાની તેજીમાં ૯૧૫ તથા એનો પાર્ટપેઇડ સવાચાર ટકા ઊછળી ૫૧૯ બંધ હતો. ટાઇટન ૩૨૬૯ની નવી ટૉપ બાદ ૨.૪ ટકા વધી ૩૨૬૩, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૮ ટકા વધી ૧૪૫૫, ઍક્સિસ બૅન્ક ૧૦૧૭ની લાઇફટાઇમ હાઈ બતાવી દોઢ ટકો વધી ૧૦૧૫ બંધ હતા. સ્ટેટ બૅન્ક ૧.૪ ટકા, એનટીપીસી એક ટકો, પાવરગ્રીડ એક ટકા નજીક, તાતા મોટર્સ પોણા ટકાથી વધુ પ્લસ હતો. રિલાયન્સ અડધા ટકા પ્લસના સુધારે ૨૪૫૩ નજીક ગયો છે. જિયો ફાઇ. ૧.૭ ટકાની નબળાઈમાં ૨૪૦ હતો.

નિફ્ટી ખાતે ગ્રાસિમ ૧૯૪૬નું શિખર મેળવીને સવાત્રણ ટકા ઊછળી ૧૯૩૩, કોલ ઇન્ડિયા સવાત્રણ ટકા ઊંચકાઈ ૨૮૦ નજીક તો તાતા કન્ઝ્યુ. પ્રોડક્ટ્સ ૮૯૧ના બેસ્ટ લેવલ બાદ ૨.૮ ટકાની મજબૂતીમાં ૮૮૯ થયો છે. અન્યમાં ભારત પેટ્રો ૨.૧ ટકા, ઓએનજીસી ૧.૭ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૨ ટકા, હિન્દાલ્કો ૧.૧ ટકા, બ્રિટાનિયા એક ટકા નજીક પ્લસ હતા.

સેન્સેક્સમાં મહિન્દ્ર ૧.૩ ટકા, લાર્સન ૧.૨ ટકા, નેસ્લે પોણો ટકો નરમ હતા. નિફ્ટી ખાતે એચડીએફસી લાઇફ ૧.૬ ટકા, અદાણી પોર્ટ્સ એક ટકા, ડિવીઝ લૅબ એક ટકો, સિપ્લા અને હીરો મોટોકૉર્પ ૦.૯ ટકા ઘટ્યા હતા. બજારનું માર્કેટ કૅપ ૧.૫૮ લાખ કરોડ રૂપિયા વધીને ગઈ કાલે ૩૦૨.૨૫ લાખ કરોડ નોંધાયું છે.

ઇન્ફિનિયમ ફાર્માકેમ એક્સ-બોનસ થતાં ઉપલી સર્કિટે બંધ

અદાણી ગ્રુપના ૧૦માંથી ૮ શૅર ઘટ્યા છે. ફ્લેગશિપ અદાણી એન્ટર ૦.૬ ટકા, અદાણી પોર્ટ્સ એક ટકાથી વધુ, અદાણી પાવર અઢી ટકા, અદાણી ટ્રાન્સ પોણાબે ટકા, અદાણી ગ્રીન ૨.૧ ટકા, અદાણી ટોટલ એક ટકો, અદાણી વિલ્મર અને અંબુજા સિમેન્ટ સામાન્ય ઘટાડે બંધ રહ્યા છે. એસીસી ૨.૭ ટકા તો એનડીટીવી અડધા ટકાથી વધુ પ્લસ હતો. દરમ્યાન મુંબઈના વરલી ખાતેની આર.આર. કેબલનો પાંચના શૅરદીઠ ૧૦૩૫ની અપર બેન્ડ સાથે ૧૯૬૪ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે ક્યૂઆઇબીમાં શૂન્ય, એચએનઆઇમાં ૨૯ ટકા અને રીટેલમાં ૩૬ ટકા પ્રતિસાદમાં કુલ ૨૫ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં ૨૧૮વાલું પ્રીમિયમ ગગડી હાલ ૧૧૦ થઈ ગયું છે.

આણંદના સોજીત્રા ખાતેની ઇન્ફિનિયમ ફાર્માકેમ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૬૦ નજીક બંધ રહી છે. આ કંપની આ વર્ષે મિડ એપ્રિલમાં ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવથી ૨૫૨૬ લાખનો એસએમઈ ઇશ્યુ લાવી હતી. ઇશ્યુ કુલ ૧.૮ ગણો જ ભરાયો હતો. સર્વેશ્વર ફૂડ્સ શૅરદીઠ બે બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થશે. ભાવ ગઈ કાલે ૧૫૯ના શિખરે જઈ અઢી ટકા ગગડી ૧૪૯ હતો, એનો એસએમઈ ઇશ્યુ માર્ચ ૧૮માં શૅરદીઠ ૮૫ના ભાવે આવ્યો હતો. ટીન્ના રબર ઍન્ડ ઇન્ડ. પણ શુક્રવારે શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે પોણા ટકા નજીકની પીછેહઠમાં ૮૦૮ બંધ થયો છે. સર્વેશ્વર ફૂડમાં શુક્રવારે ૧૦ના શૅરનું એકમાં વિભાજન પણ અમલી બનવાનું છે. ભંડારી હોઝિયરી ૨૬ શૅરદીઠ ત્રણના રાઇટમાં એક્સ-રાઇટ થતાં બુધવારે અઢી ટકા ઘટી પોણાસાત રૂપિયા બંધ થયો છે. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે.

ઓરોબિંદો, અજંટા, જેબી કેમિ., ગ્લૅનમાર્ક, પ્રૉક્ટર ગૅમ્બલ જેવા ફાર્મા શૅર નવી ટોચે

આઇટી એજ્યુ. કંપની નીટ લિમિટેડ તેજીની હૅટ-ટ્રિકમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૪૦ ઉપર બંધ આપી ગઈ કાલે ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર રહી છે. ૧૪ ઑગસ્ટે અહીં ૭૭ રૂપિયાનું સાડાત્રણ વર્ષનું બૉટમ બન્યું હતું. આ ઉપરાંત રોકડામાં ક્રીએટીવ કાસ્ટિંગ્સ, સિલ્વર ટચ ટેક્નૉ, નીટ લર્નિંગ સિસ્ટમ્સ, સિક્યૉર ક્રેડેન્શિયલ્સ ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ થયા છે. સરકારી કંપની આઇટીઆઇ લિમિટેડ તેજીની ચાલમાં ૨૦૦ નજીક નવી ટૉપ બનાવી ૧૯.૭ ટકા ઊછળી ૧૯૯ વટાવી ગઈ છે. આઇઓએલ કેમિકલ્સ ૫૨૫ની ટૉપ દેખાડી ૧૯ ટકા જેવા જમ્પમાં ૫૨૦ હતી. ૨૯ માર્ચે ભાવ ૨૭૨ના તળિયે હતો. જીએમડીસી સવાઅગિયાર ટકાની મજબૂતીમાં ૨૯૧ થઈ છે. વિક્ટોરિયા મિલ્સ ઉપલી સર્કિટે ૪૧૮૪ના શિખર બાદ પોણાદસ ટકા કે ૩૭૦ની

તેજીમાં ૪૧૭૨ હતી. અજંટા ફાર્મા ૧૯૦૪ના બેસ્ટ લેવલે જઈ સાત ગણા કામકાજે સવાછ ટકા કે ૧૦૬ રૂપિયા ઊંચકાઈને ૧૮૨૩ દેખાઈ છે.

ગ્રે યૅક્સ કૉર્પોરેટ ૨૦ ટકાના કડાકામાં ૨૪૫ બંધ હતી. પીએનજીએસ ગાર્ગી ફૅશન ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૨૭૬ થઈ છે. કીનેસ ટેક્નૉલૉજીઝ સાડાપાંચ ટકા કે ૧૧૮ની ખુવારીમાં ૨૦૦૬ બંધ આવી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ઍરોફલેક્સ ઇન્ડ. ૧૪૫ની ઑલટાઇમ બૉટમ બતાવી પોણાપાંચ ટકાના બાઉન્સબૅકમાં ૧૫૬ નજીક ગઈ છે. વડોદરાની રત્નવીર પ્રિસિઝન સતત બીજી નીચલી સર્કિટમાં ૫ ટકા ગગડી ૧૨૧ના તળિયે બંધ હતી. ઑરોબિંદો ફાર્મા ૯૦૭ના શિખર બાદ સાડાત્રણ ટકા વધી ૯૦૨ રહી છે. જીએસકે ફાર્મા સાડાપાંચ ટકા, ગ્લૅનમાર્ક ફાર્મા ૫.૯ ટકા, જેબી કેમિકલ્સ અડધો ટકો, પ્રૉક્ટર ગૅમ્બલ ૧.૭ ટકા વધીને નવા શિખરે બંધ હતી.

અડધો ડઝન બૅન્ક શૅરો નવી ઊંચી સપાટીએ, આઇટીમાં ફ્રન્ટલાઇન શૅરો ધીમા ઘટાડામાં

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સથવારે ૦.૯ ટકા કે ૩૯૮ પૉઇન્ટ વધી ૪૫,૯૦૯ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની મજબૂતીમાં સવાચાર ટકા ઊછળી ઑલટાઇમ હાઈ થયો છે. જેકે બૅન્ક, કૅનેરા બૅન્ક, ઍક્સિસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, પીએનબી નવી ટોચે બંધ થયા છે. બૅન્કિંગના ૩૮માંથી ૩૨ શૅર વધ્યા છે. ઉત્કર્ષ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, આરબીએલ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ ઇન્ડિયા, યુકો બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, આઇઓબી સાડાચારથી આઠ ટકા, પીએનબી સાડાઆઠ ટકા અને જેકે બૅન્ક સવાનવ ટકા ઊછળી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૯૯ શૅરના સુધારામાં અડધો ટકો અપ હતો. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૧૨ ટકાના જમ્પમાં ૧૮૮ વટાવી ગયો છે. આઇઆરએફસી ૪.૮ ટકા ગગડી ૭૯ તો પૉલિસી બાઝાર ૩.૪ ટકા બગડી ૭૫૮ હતા. પેટીએમ ત્રણ ટકા તૂટ્યો છે.

આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૩ શૅર વધવા છતાં સાધારણ ઘટ્યો છે. ટીસીએસ, ઇન્ફી, એચસીએલ ટેક્નૉ, ટેક મહિન્દ્ર સાધારણથી માંડી અડધો ટકો ઘટવાનું આ પરિણામ હતું. લાટિમ ૫૫૪૯ની ટોચે જઈ અડધો ટકો વધી ૫૫૩૬ હતો. સાઇડ કાઉન્ટર્સમાં કેલ્ટોન ટેક્નૉ દસ ટકા, મેપમાય ઇન્ડિયા સવાપાંચ ટકા, ડેટામૅટિક્સ પોણાચાર ટકા, સાસ્કેન પોણાત્રણ ટકા ઝળક્યા હતા.

બીએસઈ લિમિટેડ બાયબૅક માટે રેકૉર્ડડેટ ૧૪ સપ્ટે. હોવાથી એક્સ. બાયબૅક થતાં નહીંવત્ સુધારામાં ૧૩૦૦ બંધ આવ્યો છે. એમસીએક્સ લિમિટેડ પોણાબે ટકા વધીને ૧૭૫૬ નજીક રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2023 10:45 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK