નબળાં રિઝલ્ટના કારણે રાઇટ્સમાં શૅરદીઠ એકનું બોનસ બેકાર ગયું
પ્રતીકાત્મક તસવીર
ક્લોઝિંગની રીતે સેન્સેક્સ-નિફ્ટી સતત ત્રીજા દિવસે નવી વિક્રમી સપાટીએ : રોકડું અને બ્રૉડર માર્કેટ ઑલટાઇમ હાઈ, બૅન્કિંગમાં પીછેહઠ : નબળાં રિઝલ્ટના કારણે રાઇટ્સમાં શૅરદીઠ એકનું બોનસ બેકાર ગયું : નફામાં ઘટાડો થવા છતાં અંબુજા સિમેન્ટ્સ અને અદાણી પાવર સુધારામાં : એક્સ-બોનસમાં ગોએલ ફૂડ ૨૦ ટકા ઊછળ્યો, એક્સ-સ્પ્લિટમાં પૅનોરૅમા સ્ટુડિયો પોણાદસ ટકાની તેજીમાં : સારાં પરિણામના પગલે ગેઇન અને અજન્ટા ફાર્મા ઑલટાઇમ હાઈ : સિગાલ ઇન્ડિયાનો ૧૨૫૩ કરોડનો ઇશ્યુ આજે, પ્રીમિયમ ડાઉન
નિર્મલા મૅડમના બજેટ વખતે અમે લખ્યું હતું કે આ દેશ અર્થાત આપણે, આપણા લોકો અને આપણું શૅરબજાર આવા જ બજેટને લાયક છીએ. નાણાસચિવ મલ્હોત્રાને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સમાં સીધો પચીસ ટકાનો વધારો સાવ મામૂલી કે માર્જિનલ લાગે છે. તો નાણાં ખાતાના અન્ય અધિકારી તરફથી શૉર્ટ ટર્મ કૅપિટલ ટૅક્સ વધારી ૨૦ ટકા કરાયો છે એ અપૂરતો જણાય છે. મતલબ કે આગામી બજેટમાં લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ ૧૫ ટકા અને શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ ૨૫ ટકા થાય તો નવાઈ નહીં. વિશ્વના કોઈ પણ દેશમાં કૅપિટલ ગેઇન ટૅક્સ અને સિક્યૉરિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ બન્ને એકસાથે નથી. માત્ર આપણે ત્યાં જ આવી સરકારી લૂંટ બેધડક ચાલે છે અને એમાં વધારો કરવાના બ્યુરોક્રસીના નફ્ફટ નિવેદન પછી પણ બજારને કોઈ અસર થતી નથી. સેન્સેક્સ બુધવારે ઉપરમાં ૮૧,૮૨૮ થઈ ૨૮૬ પૉઇન્ટ વધી ૮૧,૭૪૧ તથા નિફ્ટી ૯૪ પૉઇન્ટ વધી ૨૪,૯૫૧ બંધ થયો છે જે ક્લોઝિંગની રીતે નવી સર્વોચ્ચ સપાટી છે. બજારનું માર્કેટકૅપ પણ ૧.૪૭ લાખ કરોડના ઉમેરામાં ૪૬૨.૩૮ લાખ કરોડના બેસ્ટ લેવલે આવી ગયું છે. સ્મોલકૅપ, મિડકૅપ, બ્રૉડર માર્કેટના ઇન્ડેક્સ નવી વિક્રમી સપાટી બનાવી એકંદર પ્લસમાં જોવાયા છે. હેલ્થકૅર, ઑટો, યુટિલિટી, પાવર, નિફ્ટી ફાર્મામાં નવી ઑલટાઇમ હાઈ બની છે. નિફ્ટી મીડિયા, નિફ્ટી ફાર્મા, પાવર, યુટિલિટી જેવા બેન્ચમાર્ક એકથી દોઢ ટકા મજબૂત હતા. બૅન્ક નિફ્ટી ૫૪ પૉઇન્ટ જેવો મામૂલી પ્લસ હતો, પણ બૅન્કિંગની ૪૧માંથી ૩૧ જાતો માઇનસ હતી. બૅન્ક ઑફ બરોડા, પીએનબી, આઇઓબી, જેકે બૅન્ક, કૅપિટલ સ્મૉલ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાથી અઢી ટકો ઘટી છે. ઇસફ બૅન્ક અઢી ટકા તો યસ બૅન્ક ત્રણ ટકા વધી છે. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી. વધેલા ૧૨૧૫ શૅર સામે ૧૧૫૦ શૅર ઘટ્યા હતા.
ADVERTISEMENT
ફેડની મીટિંગના આઉટ-કમ પૂર્વે વિશ્વબજારો મૂડમાં દેખાયાં છે. ચાઇના તથા હૉન્ગકૉન્ગ બે ટકા, જપાન દોઢ ટકો, સાઉથ કોરિયા સવા ટકો, થાઇલૅન્ડ એક ટકો મજબૂત હતાં. રનિંગમાં લંડન ફુત્સી દોઢેક ટકો અને ફ્રેન્ચ માર્કેટ સવા ટકો અપ હતું.
જીએસટી રદ કરવા ગડકરીની માગણીથી વીમાના શૅર વધ્યા
ટોરન્ટ પાવરે ૮૭ ટકાના વધારામાં ૯૯૬ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર ૧૫ ગણા વૉલ્યુમે ૧૯૦૬ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૬.૭ ટકા કે ૨૬૭ રૂપિયાની તેજીમાં ૧૮૬૭ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે હતો. ૧૧ માસ પૂર્વે ભાવ ૬૨૦ના તળિયે હતો. ગોએલ ફૂડ શૅરદીઠ ચાર બોનસમાં બોનસ બાદ થતાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૧ વટાવી ત્યાં જ બંધ હતો. અજય દેવગનના રોકાણવાળી પૅનોરૅમા સ્ટુડિયો ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ૨૪૮ની સર્વોચ્ચ સપાટી બનાવી ૯.૭ ટકાની આગેકૂચમાં ૨૪૭ રહ્યો છે. સરકારની ૫૨ ટકા માલિકીની ગેઇલ દ્વારા ૭૭ ટકાના વૃદ્ધિદરથી ૩૧૮૩ કરોડનો ત્રિમાસિક નફો હાંસલ થતાં ભાવ ૨૪૬ના બેસ્ટ લેવલે જઈ ૩.૨ ટકા વધી ૨૪૧ થયો છે. અજન્ટા ફાર્મા ૧૮ ટકાના વધારામાં ૨૪૬ કરોડના ચોખ્ખા નફાની અસરમાં ૨૭૧૭ના શિખરે જઈ ૬.૬ ટકા વધી ૨૬૯૦ થયો છે.
ટિટાગઢ રેલ દ્વારા આવકમાં નહીંવત ઘટાડા સાથે સાડાઆઠ ટકાના વધારામાં ૬૭ કરોડના ચોખ્ખા નફામાં સાધારણ કામગીરી દર્શાવાતાં ભાવ નીચામાં ૧૫૪૯ થઈ ત્રણ ટકા વધી ૧૬૩૦ રહ્યો છે. ગોદરેજ પ્રૉપર્ટીઝે આવકમાં ૨૫ ટકાના વધારા સામે ૩૧૬ ટકાના વધારામાં ૫૨૦ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ૩૧૨૩ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૩૩૦૦ થઈ સવા ટકો વધી ૩૨૨૦ બંધ હતો. અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટ્સ દ્વારા આવકમાં સાડાચાર ટકાના ઘટાડા સામે ૧૧ ટકાની પીછેહટમાં ૫૭૧ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર પોણો ટકો સુધરી ૬૮૦ હતો.
કૅબિનેટ પ્રધાન ગડકરીએ લાઇફ તેમ જ મેડિકલ ઇન્શ્યૉરન્સના પ્રીમિયમ પર ૧૮ ટકાનો જીએસટી રદ કરવા સરકારને પત્ર લખ્યો છે. ગઈ કાલે HDFC લાઇફ ૨.૮ ટકા, SBI લાઇફ ૧.૪ ટકા, મેક્સ હાઇ. સાર્વિસિસ ૨.૩ ટકા, ICICI પ્રુડેન્શિયલ ૧.૯ ટકા પ્લસ હતા. એલઆઇસી એક ટકો ઘટી છે, જ્યારે ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ અઢી ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ચાર ટકા તથા ICICI લોમ્બાર્ડ ૨.૨ ટકા અપ હતા.
મુંબઈની ચેતના એજ્યુકેશનનું લિસ્ટિંગ ધારણાથી નબળું
SME સેગમેન્ટમાં મુંબઈના ડિલાઇલ રોડ ખાતેની ચેતના એજ્યુકેશન ૮૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૨૫ના પ્રીમિયમ સામે ૯૯ ખૂલી ઉપલી સર્કિટે ૧૦૪ નજીક જઈ ત્યાં જ બંધ થતાં ૨૨ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, તો ભોપાલની મંગલમ ઇન્ફ્રાએ ૫૬ની ઇશ્યુ પ્રાઇસ અને બાવનના પ્રીમિયમ સામે ૧૦૬ના ઓપનિંગ બાદ ઉપલી સર્કિટે ૧૧૨ નજીક સરકી ત્યાં જ બંધ આપીને ૯૯.૫ ટકાનું માતબર રિટર્ન આપ્યું છે. ગુરુવારે ગાંધીનગરની ટ્રોમ ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદી અપ્રમેય એન્જિનિયરિંગ તથા મુંબઈના થાણેની ક્લીનટેક લૅબ લિસ્ટેડ થવાની છે. હાલ ક્લીનટેકમાં ૪૦, અપ્રમેયમાં ૨૩ તથા ટ્રોમ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૫૦ના પ્રીમિયમ બોલાય છે.
મુંબઈના અંધેરી-ઈસ્ટની ઉત્સવ સીઝેડ ગોલ્ડનો શૅરદીઠ ૧૧૦ની અપર બૅન્ડ સાથે ૬૯૫૦ લાખનો SME IPO બુધવારે પ્રથમ દિવસે કુલ ૧.૮ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૫૫ જેવું છે. મેઇન બોર્ડમાં લુધિયાણાની સિગાલ ઇન્ડિયા ૫ના શૅરદીઠ ૪૦૧ની અપર બૅન્ડમાં ૫૬૮ કરોડની OFS સહિત કુલ આશરે ૧૨૫૩ કરોડનો ઇશ્યુ ગુરુવારે કરશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૪૦થી શરૂ થયા બાદ ગગડતું રહી હાલમાં ૮૫ થઈ ગયું છે. આજે, ગુરુવારે જોધપુરની ધારીવાલ કૉર્પ લિમિટેડ પણ ૧૦ના શૅરદીઠ ૧૦૬ની અપર બૅન્ડમાં ૨૫૧૬ લાખનો SME ઇશ્યુ કરવાની છે. પ્રીમિયમ ૨૦થી શરૂ થયા બાદ અત્યારે ૪૦ જેવું સંભળાય છે. ૩૦મીએ ખૂલેલાં તમામ છ ભરણાં ગુરુવારે બંધ થશે. મેઇન બોર્ડની એકુમ્સ ડ્રગ્સનો ઇશ્યુ અત્યાર સુધીમાં ૪.૪ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૨૧૧થી ઘટી ૧૬૨ થયું છે, જ્યારે આશાપુરા લૉજિસ્ટિક્સમાં ૧૪૦, બલ્કકૉર્પ ઇન્ટર.માં ૯૭, રાજપૂતાના ઇન્ડ.માં ૪૯, સતલોકર સિનર્જિસમાં ૧૬૦ અને કેઝી અપૅરલ્સમાં શૂન્ય પ્રીમિયમ છે. ઓલા ઇલેક્ટ્રિકમાં પ્રીમિયમ સુધરી ૧૬ થયું છે. ભરણું બીજી ઑગસ્ટે ખૂલશે.
બહેતર પરિણામથી મારુતિનો શૅર ફુલ સ્પીડમાં નવી ટોચે
મારુતિ સુઝુકી બજાર બંધ થવાના ટાંકણે પરિણામના જોરમાં ૧૩,૯૯૦ની ઑલટાઇમ હાઈ બનાવી સવાબે ટકા વધી ૧૩,૧૬૮ બંધ થયો છે. કંપનીએ ૪૭ ટકાના વધારામાં ૩૬૫૦ કરોડ રૂપિયાનો નેટ નફો કર્યો છે. ધારણા એકંદર ૩૨૩૫ કરોડની હતી. JSW સ્ટીલ અઢી ટકા પ્લસની મજબૂતીમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. NTPCમાં જેફરીઝ દ્વારા ૪૮૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આવતાં ભાવ ૪૧૭ના શિખરે જઈ સવા ટકો વધી ૪૧૬ થયો છે. એશિયન પેઇન્ટ્સ અને HDFC લાઇફ નિફ્ટી ખાતે અઢી ટકા જેવા પ્લસ હતા. SBI લાઇફ બે ટકા નજીક વધ્યો હતો. આનો જસ નીતિન ગડકરીને જાય છે. ભારતી ઍરટેલ દોઢ ટકો વધી બજારને સર્વાધિક ૫૧ પૉઇન્ટ ફળ્યો હતો. પરિણામની પૂર્વસંધ્યાએ તાતા મોટર્સ અડધા ટકાની કમજોરીમાં ૧૧૫૬ થયો છે. રિલાયન્સ વધુ અડધો ટકો ઘટી ૩૦૧૦ હતો. એની સબસિડિયરી લોટસ ચૉકલેટ સતત ૧૦મી ઉપલી સર્કિટે ૫ ટકા વધી ૧૧૪૧ના શિખરે બંધ રહ્યો છે. નેટવર્ક-૧૮માં સાડાસાત ટકાની તેજી થઈ હતી. તાતા સ્ટીલ પરિણામપૂર્વે પોણો ટકો સુધરી ૧૬૫ વટાવી ગયો હતો. સરકારી કંપની રાઇટ્સ લિમિટેડ દ્વારા શૅરદીઠ એક બોનસ જાહેર થયું છે, પણ આવક પોણાઅગિયાર ટકા અને નફો ૨૪ ટકા ઘટવાની અસરમાં શૅર ૭૬૭થી ગગડી ૭૧૦ થઈ ૫.૪ ટકા તૂટી ૭૧૫ બંધ હતો. અદાણી પાવરનો ચોખ્ખો ત્રિમાસિક નફો ૫૫ ટકા ગગડી ૩૯૧૩ કરોડ આવતાં શૅર નીચામાં ૭૧૩ થઈ અંતે પોણો ટકો સુધરી ૭૩૪ બંધ થયો છે. સનફાર્મા પરિણામની પૂર્વસંધ્યાએ ૧૭૩૦ની વિક્રમી સપાટી બતાવી એકાદ ટકો સુધરી ૧૭૧૮ નજીક ગયો છે.
ડેરિવેટિવ્ઝ સામે સેબીની સખતાઈથી બીએસઈનો શૅર જોરમાં
સેબી ડેરિવેટિવ્ઝ કે એફઍન્ડઓની ઘેલછાને કાબૂમાં લેવા સક્રિય બની છે. આ માટે અનેકવિધ પગલાં વિચારાઈ રહ્યાં છે. જેફરીઝના મતે આના કારણે ડેરિવેટિવ્ઝના વૉલ્યુમમાં લગભગ ૩૫ ટકા જેટલી નેગેટિવ અસર થઈ શકે છે. ડેરિવેટિવ્ઝના રૂલ્સ કડક બનતાં શૅરબજારો તેમ જ રીટેલ બિઝનેસ પર જેમનું વધુ ફોકસ છે એવાં બ્રોકરેજ હાઉસિસને માઠી અસર થવાની છે. બૅન્કેક્સનો વીકલી કૉન્ટ્રૅક્ટ બંધ થાય તો આગામી બે વર્ષમાં બીએસઈની શૅરદીઠ કમાણી ૭થી ૯ ટકા ઘટશે. જોકે એફઍન્ડઓમાં એનએસઈનું વર્ચસ છે. એ બીએસઈ કરતાં ક્યાંય આગળ છે. આથી ડેરિવેટિવ્ઝના નવા નિયમની સૌથી વધુ માઠી અસર એનએસઈને થવાની છે. સાદી ભાષામાં કહીએ તો પરોક્ષ રીતે બીએસઈ વધુ લાભ ખાટવાની છે. આના લીધે બીએસઈનો શૅર ગઈ કાલે ભારે વૉલ્યુમ સાથે ઉપરમાં ૨૭૦૮ થઈ છ ટકા કે ૧૪૪ રૂપિયાની તેજીમાં ૨૫૫૬ બંધ થયો છે. રિઝલ્ટ ૭ ઑગસ્ટે છે. સામે અનલિસ્ટેડ માર્કેટમાં એનએસઈનો ભાવ ૬૫૦૦ના બેસ્ટ લેવલથી ઘટી હાલમાં ૬૧૦૦ આસપાસ છે. કંપનીએ શૅરદીઠ ૪નું બોનસ જાહેર કરેલું છે, પણ રેકૉર્ડ ડેટ નક્કી કરી નથી. બીએસઈ જેમાં પ્રમોટર્સ તરીકે ૧૫ ટકા હોલ્ડિંગ ધરાવે છે એ સીડીએમએલનો શૅર ગઈ કાલે ૨૫૯૪ની ઑલટાઇમ હાઈ બનાવી બે ટકા વધી ૨૫૦૧ હતો. પરિણામ શનિવારે જાહેર થવાના છે. ૭૫ ટકા વિદેશી માલિકીની હનીવેલ ઑટોમેશનનાં રિઝલ્ટ પાંચમી ઑગસ્ટે છે. શૅર ઉપરમાં ૫૬,૭૩૭ થઈ એક ટકો વધી ૫૪,૫૦૬ હતો. ફેસવૅલ્યુ ૧૦ છે, બુકવૅલ્યુ ૪૦૮૦ નજીકની છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. ૭૫ ટકા વિદેશી માલિકીની લિન્ડે ઇન્ડિયાનાં પરિણામ ૬ ઑગસ્ટે છે. શૅર ૮૫૪૯ વટાવી બે ટકા વધી ૮૧૬૧ બંધ થયો છે. મહિન્દ્રએ આવકમાં ૧૨ ટકા વૃદ્ધિ સામે પાંચ ટકાના ઘટાડામાં ૨૬૧૨ કરોડ નફો કર્યો છે. શૅર સાધારણ ઘટાડે ૨૯૧૧ હતો. ઝી એન્ટર ૫૩ કરોડની ખોટમાંથી ૧૧૮ કરોડના નફામાં આવતાં ઉપરમાં ૧૫૩ થઈ અઢી ટકા વધી ૧૪૯ રહ્યો છે.

