Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > કપાસ, કઠોળ અને તેલીબિયાં : વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ મળશે ખરો?

કપાસ, કઠોળ અને તેલીબિયાં : વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ મળશે ખરો?

Published : 03 February, 2025 07:38 AM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

દાળ-કઠોળ અને તેલીબિયાંની આયાત ઘટાડવા સરકારી પગલાં છતાં આયાત ઘટવાનું નામ નથી લેતી: સૌથી વધુ જમીનમાં કપાસ ઉગાડતા ભારતમાં પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે

કઠોળ અને તેલીબિયાં

કૉમોડિટી વૉચ

કઠોળ અને તેલીબિયાં


ભારતમાં ૯૦ના દાયકાથી લગભગ દર વર્ષે રજૂ થનારા બજેટમાં તેલીબિયાં અને કઠોળના ઉત્પાદનક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા મિશનના રૂડારૂપાળા નામ સાથે નાણાંફાળવણી કરવામાં આવી રહી છે, પણ ખાદ્ય તેલો અને કઠોળની આયાત કૂદકે ને ભૂસકે સતત વધી રહી છે. ગવર્નમેન્ટના ડેટા અનુસાર ૨૦૧૪માં ભારતે ૩૧.૭ લાખ ટન કઠોળની આયાત કરી હતી જે વધીને ૨૦૨૪માં ૬૬.૩૩ લાખ ટન થઈ છે, જ્યારે તેલીબિયાંની આયાત ૨૦૧૪ની સીઝનમાં ૧૦૯.૮૦ લાખ ટન થઈ હતી જે ૨૦૨૩-’૨૪ની સીઝનમાં વધીને ૧૬૨.૩૦ લાખ ટનની થઈ હતી. ખાદ્ય તેલો અને કઠોળની આયાત વધી રહી છે ત્યારે સરકારે બજેટમાં કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારીને આત્મનિર્ભરતા વધારવા અનેક પગલાં લીધાં છે. વાસ્તવમાં ૧૯૯૦ના દાયકા અગાઉ ભારત કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનક્ષેત્રે આત્મનિર્ભર હતું, પણ ઉત્પાદકતા વધારવાનાં કોઈ ઠોસ પગલાં લેવાયાં ન હોવાથી ધીમે-ધીમે ભારતની આયાત પરની નિર્ભરતા સતત વધતી ગઈ છે. બજેટમાં સૌથી મહત્ત્વનો મુદ્દો કપાસના ઉત્પાદકતા વધારવા માટેનાં પગલાંનો હતો. વિશ્વમાં સૌથી વધુ જમીનમાં કપાસ ભારત ઉગાડે છે, પણ ઉત્પાદકતા બાબતે વિશ્વમાં સૌથી પછાત દેશ ભારત છે. ચીન, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા હાલ પ્રતિ હેક્ટર ૧૧થી ૧૩ ગાંસડી (૧૭૦ કિલોની ગાંસડી) રૂનું ઉત્પાદન મેળવી રહ્યું છે ત્યારે ભારતમાં પ્રતિ હેક્ટર માત્ર સાડાત્રણથી ચાર ગાંસડી જ રૂનું ઉત્પાદન મળી રહ્યું હોવાથી ભારતીય રૂની નિકાસ ઝડપથી ઘટી રહી છે અને આયાત કૂદકે ને ભૂસકે વધી રહી છે, કારણ કે ઓછી ઉત્પાદકતાને કારણે ભારતીય રૂ વિશ્વની બજારમાં સૌથી મોંઘું હોવાથી રૂ અને એમાંથી બનતાં યાર્ન, કાપડ, ટેક્સટાઇલ, વસ્ત્રો વગેરેની નિકાસ ઝડપથી ઘટી રહી હોવાથી ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું કૉટન સેક્ટર મૃતપાય બની રહ્યું છે.


બજેટમાં કપાસ-રૂની ઉત્પાદકતા વધારવા પાંચ વર્ષનો પ્લાન રજૂ કરાયો છે, જેમાં એકસ્ટ્રા લૉન્ગ સ્ટેપલ રૂનું ઉત્પાદન વધારવા પણ પગલાં લેવાશે. કપાસ-રૂની ઉત્પાદકતા વધારવા બજેટમાં રજૂ થયેલા મિશન અંતર્ગત કપાસ ઉગાડતા ખેડૂતોને સારામાં સારી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ટેક્નૉલૉજી આપવામાં આવશે. કઠોળમાં ભારતને આત્મનિર્ભર બનાવવા બજેટમાં છ વર્ષનું મિશન રજૂ કરાયું હતું જેમાં તુવેર, અડદ અને મસૂરના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકારના પ્રયત્નોથી દસ વર્ષ અગાઉ કઠોળના ઉત્પાદનક્ષેત્રે આત્મનિર્ભરતાની નજીક પહોંચી ગયા બાદ દર વર્ષે કઠોળની આયાત સતત વધી રહી છે. કઠોળની જેમ જ તેલીબિયાંમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે પણ છ વર્ષનું મિશન રજૂ થયું હતું.



કઠોળ અને તેલીબિયાં ક્ષેત્રે આત્મનિર્ભરતા : ઠોસ પગલાં વગર કંઈ થવાનું નથી


કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાની વાત હવે બજેટમાં એકદમ સામાન્ય બની રહી છે. કૉન્ગ્રેસની સરકાર વખતે પણ દરેક બજેટમાં પોકળ જાહેરાતો થતી હતી અને BJPની સરકાર આવી ત્યારથી દરેક બજેટમાં આ પ્રકારની જાહેરાતો થતી રહી છે, પણ નવાઈની વાત એ છે કે દરેક બજેટમાં જાહેરાતો છતાં ભારતની આયાતનિર્ભરતા એક પણ વર્ષ ઘટી નથી, ઊલટું દર વર્ષે આયાત વધતી જાય છે. કપાસની જેમ જ કઠોળ અને તેલીબિયાંની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વિશ્વના અનેક દેશો કરતાં ભારતની ઓછી છે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે મોંઘવારીને કાબૂમાં લેવી અને આત્મનિર્ભરતા હાંસલ કરવી આ બન્ને બાબતો મુશ્કેલ છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા હાલ પ્રતિ હેક્ટર ૪૦૦૦થી ૫૦૦૦ ટન પામતેલનું ઉત્પાદન કરે છે એની પાછળની ટેક્નિક, ખર્ચ એકદમ ઓછો છે. એની સામે ભારતમાં સિંગતેલ, રાયડા તેલની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ૪૦૦થી ૫૦૦ કિલોગ્રામ છે. આ સંજોગોમાં જો સરકાર પામતેલની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે તો જ ભારત તેલીબિયાંના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરી શકે, પણ જો આવું કરે તો ખાદ્ય તેલોના ભાવ આસમાને પહોંચી જાય. આથી સસ્તાં ખાદ્ય તેલોની આયાત બંધ કરવી મુશ્કેલ છે. આ સંજોગોમાં સરકારે માત્ર ને માત્ર પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વધારવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. આવી જ સ્થિતિ કઠોળની છે. આફ્રિકન દેશો સુદાન, ટાન્ઝાનિયા, મોઝૅમ્બિક, કેન્યા, માલાવીથી આયાત થતી તુવેર હાલ માર્કેટમાં સરકારે નક્કી કરેલી મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP)થી નીચે મળી રહી છે, પણ એનાથી દાળ-કઠોળના ભાવ કાબૂમાં છે. સસ્તી તુવેરની આયાતથી ખેડૂતોને તુવેરના સારા ભાવ મળતા નથી. આથી આગામી સીઝનમાં તુવેરનું ઉત્પાદન ફરી ઘટશે એટલે આયાત પરની નિર્ભરતા વધશે. આર્થિક સમૃ​દ્ધિને કારણે ખાદ્ય તેલો અને દાળ-કઠોળનો વપરાશ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે એની સામે ઉત્પાદનનો વધારો તાલ મેળવી શકતો ન હોવાથી સમસ્યા વધી રહી છે. દેશની ૪૨.૩ ટકા વસ્તી હાલ કૃષિ અને એનાં સંલગ્ન ક્ષેત્રો સાથે સંકળાયેલી છે, પણ કૃષિ સેક્ટરનો દેશની ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં માત્ર ૧૬ ટકા ફાળો છે. વોટબૅન્કની રાજનીતિ છોડીને કૃષિ વ્યવસાયને દરજ્જો આપીને ખેડૂતોને અપાતી મફતની લહાણીઓ બંધ કરવામાં આવે તો જ તમામ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

કપાસની ઉત્પાદકતા વધારવી : ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં


ભારતનું કૉટન સેક્ટર દેશની છ કરોડ પ્રજાને રોજગારી આપે છે અને આ સેક્ટર દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. આ સેક્ટર હવે ઝડપથી મૃતપાય સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે ત્યારે સરકાર સફાળી જાગી છે, પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હોવાથી આ સેક્ટર માટેની જાહેરાતો માત્ર ને માત્ર દેખાવની બની રહેવાની છે. આ જાહેરાતોનું કોઈ પરિણામ હાંસલ થવાની શક્યતા નથી. ૨૦૨૧માં ભારતનું રૂનું ઉત્પાદન ૩૫૦ લાખ ગાંસડી હતું જે ઘટીને ૨૦૨૪માં ૨૯૯ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. ભારતમાં રૂની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા યુનાઇટેડ સ્ટેટ ઑફ ઍગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટ (USDA)ના જાન્યુઆરી મહિનાના રિપોર્ટ અનુસાર ૪૬૧ કિલોગ્રામની છે એની સરખામણીમાં ચીનની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ૨૨૫૨, બ્રાઝિલની ૧૮૬૮, ઑસ્ટ્રેલિયાની ૧૯૬૦, ટર્કીની ૧૮૭૩ અને મેક્સિકોની ૧૪૯૭ કિલોગ્રામ છે. ભારતીય રૂની ઉત્પાદકતા ઓછી હોવાથી વિશ્વમાં હાલ ભારતીય રૂના ભાવ અમેરિકા અને બ્રાઝિલના રૂ કરતાં પ્રતિ ખાંડી (૩૫૬ કિલોગ્રામની ખાંડી)એ ૯થી ૧૦ હજાર રૂપિયા વધુ છે. ભારતીય રૂના ભાવ અન્ય દેશો કરતાં ઊંચા હોવાથી રૂમાંથી બનતાં યાર્ન, કાપડ, ટેક્સટાઇલ, તૈયાર વસ્ત્રો વગેરે પણ મોંઘાં બની રહ્યાં છે જેને કારણે ભારતીય ટેક્સટાઇલ અને વસ્ત્રોની નિકાસ ૨૦૨૨માં ૪૧.૧૨ અબજ ડૉલરની હતી એ ઘટીને ૨૦૨૩માં ૩૫.૫૫ અબજ ડૉલર અને ૨૦૨૪માં ૩૪.૪ અબજ ડૉલરની થઈ હતી. રૂના ભાવ પણ ઊંચા હોવાથી ભારતીય રૂની નિકાસ ચાલુ સીઝનમાં ૩૭ ટકા ઘટી છે અને એની સામે આયાત ૪૨ ટકા વધી છે. ટૂંકમાં કહી શકાય કે કઠોળ અને ખાદ્ય તેલોની જેમ ભારત હવે કપાસ-રૂ અને એમાંથી બનતી પ્રોડક્ટ, દરેક સેક્ટરમાં આત્મનિર્ભરમાંથી આયાત પર નિર્ભર થવા જઈ રહ્યું છે ત્યારે સરકારે હવે પગલાં લેવાનાં ચાલુ કર્યાં છે જે ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળાં લગાવવાં જેવાં સાબિત થશે.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2025 07:38 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK