Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ૧૨ લાખની વેરામુક્તિએ બગડેલા બજારને બાઉન્સબૅક કર્યું

૧૨ લાખની વેરામુક્તિએ બગડેલા બજારને બાઉન્સબૅક કર્યું

Published : 02 February, 2025 03:07 PM | IST | Mumbai
Anil Patel

ચાર વર્ષના તળિયે ગયેલા આર્થિક વિકાસદરને સતેજ કરવાની મથામણ આ વખતના બજેટમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. સરકારની અત્યાર સુધીની અવળી કે અવિચારી નીતિઓના પરિણામે અર્થતંત્ર ડગુમગુ થવા માંડ્યું છે

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ચાર વર્ષના તળિયે ગયેલા આર્થિક વિકાસદરને સતેજ કરવાની મથામણ આ વખતના બજેટમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. સરકારની અત્યાર સુધીની અવળી કે અવિચારી નીતિઓના પરિણામે અર્થતંત્ર ડગુમગુ થવા માંડ્યું છે. નોટબંધી, જીએસટી અને પછી કોવિડની હોનારત વચ્ચે જીએસટીના નામે વેરાની આડેધડ લૂંટને લઈ લોકોનાં ખિસ્સાં ખાલી થઈ ગયાં છે, બચત સાફ થઈ ચૂકી છે. ખરીદશક્તિ હણાઈ છે. મંદ માગના પગલે ઉદ્યોગોની ક્ષમતાવપરાશ તેમ જ નફાશક્તિને માર પડ્યો છે. ખાનગી ક્ષેત્રે નવાં મૂડીરોકાણની સરવાણી સૂકાઈ ગઇ છે. ફુગાવો, ખાસ કરીને સાડાઆઠ ટકાના ફૂડ ઇન્ફ્લેશનથી આમ આદમીના રસોડે રમખાણની સ્થિતિ છે. બેરોજગારોની સંખ્યા વધી રહી છે. મંદિર-મસ્જિદની હુલ્લડબાજી માટેનો કાચો માલ આ રીતે બહુ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ રહ્યો છે. હાલત એટલી હદે બગડી છે કે એને થાળે પાડવા એક બજેટ પૂરતું નથી.


ઍની વે, બગડતા કે ગગડતા અર્થતંત્રને ટેકો આપવા આ બજેટમાં સ્પેન્ડિંગ પાવર અર્થાત લોકોની ખર્ચ કરવાની શક્તિ વધારવાનાં પગલાં પર મુખ્ય ભાર મુકાયો છે. વાર્ષિક ૧૨ લાખ રૂપિયા સુધીની આવક ટૅક્સ ફ્રી કરવાનું પગલું એનું ઉદાહરણ છે. જોકે આ સુવિધા ન્યુ ટૅક્સ રીજીમને જ લાગુ પડે છે. મતલબ કે રિબેટ, રીફન્ડ, કૅપિટલ ગેઇન ટૅક્સમાં રાહત ઇત્યાદી જેવા ટૅક્સ એક્ઝમ્પ્શન્સનો લાભ નહીં લેનારા માટે જ નાણાપ્રધાને આ ઉદારતા દાખવી છે. સરકાર માને છે કે આવકવેરાની મુક્તિમર્યાદા ૭ લાખથી વધારી ૧૨ લાખ કરવાનું પગલું અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર પુરવાર થશે. અમને એવું લાગતું નથી, કેમ કે લોકો એટલી હદે ખાલી થઈ ગયા છે, એ હદે દેવાદાર થઈ ગયા છે કે વેરામુક્તિથી થનારા લાભને જોઈ ખરીદી વધારવા પડાપડી કરવાના નથી. ૧૨ લાખ સુધીની આવકને કરમાફીની જાહેરાતથી મીડિયા અને પ્રચાર તંત્રમાં સરકારની જબરી વાહવાહી થઈ જશે એવી આશા રાખશો નહીં. આવકવેરાની મુક્તિમર્યાદા વધારવાની સાથે-સાથે સરકારે હાલમાં જે ૭૮૬૭ પ્રકારના વિવિધ સરચાર્જ અને ૬૦,૮૭૪ પ્રકારના સેસ દેશમાં લેવાય છે એમાં કાપ મૂકવાની જરૂર હતી. બીજું, વેરાની આવક વધારવાની લાલચમાં જીએસટીના રૂપાળા નામે હરકોઈ ચીજવસ્તુ અને સેવા પર આડેધડ વેરો નાખી દેવાયો છે એમાં ફેરફાર કરવાની જરૂર છે. સબકા સાથ, સબકા વિકાસની વાતો માંડનારાઓએ ગરીબ માટે જરૂરી એવી છાશની કોથળીને પણ વેરામાંથી છોડી નથી. આવું ન ચાલે, મોદી મહારાજ.



બજેટમાં બીજી ઘણી બધી વાતો છે, ઘણી જાહેરાતો છે, પણ ફાઇન પ્રિન્ટ જોયા પછી વાસ્તવિકતાની ખબર પડશે. બાય ધ વે, બાઇક પરની કસ્ટમ્સ જકાત ઘટાડવામાં આવી છે. ટ્રમ્પને નજરાણું પેશ થઈ ગયું છે, પણ તેની ભૂખ માત્ર આનાથી નહીં ભાગે. બજેટમાં કૅપિટલ એકસ્પેન્ડિયર ૨૦૨૪-’૨૫ માટે ૧૦.૧૮ લાખ કરોડ હતો. આગામી વર્ષ માટે એ નહીંવત વધારી ૧૧.૨૧ લાખ કરોડ કરાયો છે. મતલબ કે વિકાસદરને સતેજ કરવા નવા મૂડીરોકાણની જરૂરિયાત બહુધા ખાનગી ક્ષેત્ર પર છોડી દેવાઈ છે અને વર્તમાન સંજોગો જોતાં ખાનગી ક્ષેત્ર મોટા પાયે નવું રોકાણ કરવા તૈયાર થાય એવી શક્યતા દેખાતી નથી.


ટ્રેન્ટ અને ઝોમાટો તગડા ઉછાળે ટૉપ ગેઇનર બન્યા

નિફ્ટી ખાતે ટ્રેન્ટ ૭.૬ ટકા કે ૪૩૬ રૂપિયા અને સેન્સેક્સમાં ઝોમાટો સવાસાત ટકાની તેજી સાથે મોખરે હતા. મારુતિ સુઝુકી પાંચ ટકા કે ૬૧૩ રૂપિયા ઊછળી ૧૨,૯૧૧ થયો છે. આ ઉપરાંત તાતા કન્ઝ્યુમર સાડાચાર ટકા, આઇશર પોણાચાર ટકા, બજાજ ઑટો સાડાત્રણ ટકા, આઇટીસી હોટેલ્સ પોણાપાંચ ટકા, આઇટીસી સવાત્રણ ટકા, મહિન્દ્ર ત્રણ ટકા, એશિયન પેઇન્ટ્સ બે ટકાથી વધુ, ટાઇટન ૧.૯ ટકા, બજાજ ફાઇનૅન્સ દોઢ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર દોઢેક ટકો મજબૂત હતા. આઇટીસી બજારને ૧૧૮ પૉઇન્ટ, ઝોમાટો ૯૨ પૉઇન્ટ અને મારુતિ ૬૯ પૉઇન્ટ ફળ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નેગેટિવ બાયસમાં ૧૨૬૪ના લેવલે ફ્લૅટ હતો.


અદાણી ગ્રુપમાં અદાણી એન્ટરપ્રાઇઝ એક ટકો, અદાણી પોર્ટ્સ દોઢ ટકો, અદાણી એનર્જી એકાદ ટકો, અદાણી ટોટલ દોઢ ટકો, અંબુજા સિમેન્ટ સવાબે ટકા, એનડીટીવી એક ટકો, સાંધી ઇન્ડસ્ટ્રીઝ બે ટકા માઇનસ હતા. પાવર ગ્રીડ કૉર્પોરેશન પોણાચાર ટકા જેવા ઘટાડે બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. લાર્સન સવાત્રણ ટકા, NTPC અને અલ્ટ્રાટેક બે ટકા, HCL ટેક્નૉ તથા ટેક મહિન્દ્ર પોણાબે ટકા, ઇન્ફોસિસ દોઢ ટકો, તાતા મોટર્સ તથા તાતા સ્ટીલ સવા ટકો, ગ્રાસિમ અને સિપ્લા પોણાત્રણ ટકા બગડ્યા છે. SBI લાઇફ, HDFC લાઇફ, ભારત પેટ્રો, શ્રીરામ ફાઇનૅન્સ, વિપ્રો, કોલ ઇન્ડિયા બેથી પોણાત્રણ ટકા નજીક કપાયા હતા.

બ્લુસ્ટાર સવાતેર ટકા કે ૨૪૦ના ઉછાળે ‘એ’ ગ્રુપમાં મોખરે હતો. થીરુમલાઈ કેમિકલ્સ સાડાબાર ટકા, ઝેનસાર ટેક્નૉ ૧૧.૩ ટકા, વૉકહાર્ટ ૧૦ ટકા, ગોડફ્રે ફિલિપ્સ પોણાદસ ટકા ઊંચકાયા છે. ટેક્સમાકો રેલ, ઇરકોન, મિશ્ર ધાતુ નિગમ, રેલ વિકાસ નિગમ, એનસીસી આઠથી સાડાનવ ટકા તૂટ્યા છે.

વપરાશવૃદ્ધિને પ્રોત્સાહન આપીને બગડતા અર્થતંત્રને સતેજ કરવાનો બજેટનો વ્યૂહ

 
વાર્ષિક ૧૨ લાખ સુધીની આવકને ટૅક્સ-ફ્રી કરવાનું પગલું ઇકૉનૉમ‌ી માટે ગેમ-ચેન્જર બનવાની શક્યતા ઓછી

 
બજેટ દરમ્યાન સેન્સેક્સ ઉપલા મથાળેથી ૮૯૩ પૉઇન્ટ ગગડી વેરામાફીમાં બાઉન્સબૅક થયો

 
સેન્સેક્સમાં પાંચ પૉઇન્ટના વધારા અને નિફ્ટીમાં ૨૬ પૉઇન્ટના ઘટાડા સાથે બજેટ બજાર માટે નૉન-ઇવેન્ટ બની રહ્યું

 
પીએસયુ, બૅન્કિંગ, કૅપિટલ ગુડ્સ, પાવર, ઑઇલ-ગૅસ, એનર્જી, આઇટી સહિત અનેક સેક્ટર નેગેટિવ ઝોનમાં

બજેટ પછી બજાર ગગડીને ફ્લૅટ બંધ રહ્યું

સેન્સેક્સ શનિવારે ખાસ બજેટ સત્ર દરમ્યાન આગલા બંધથી ૧૩૭ પૉઇન્ટના સુધારામાં ૭૭,૬૩૭ ખૂલ્યા પછી ઉપરમાં ૭૭,૮૩૨ અને નીચામાં ૭૭,૪૩૨ બતાવી બજેટ-સ્પીચ શરૂ થઈ ત્યારે ૧૧ વાગ્યે ૨૫૦ પૉઇન્ટના સુધારા સાથે ૭૭,૭૫૦ આસપાસ હતું. બજેટ-પ્રવચન શરૂ થયા પછી શૅરઆંક ઉપરમાં ૭૭,૮૯૯ થયો હતો જે એની ઇન્ટ્રા-ડે ટૉપ હતી અને જેવો પાર્ટ ‘બી’ શરૂ થયો કે માર્કેટ બગડવા માંડ્યું. સેન્સેક્સ ઉપલા મથાળેથી ૮૯૩ પૉઇન્ટ લથડી ૭૭,૦૦૬ના તળિયે ગયો હતો. નિર્મલાતાઈએ ૧૨ લાખ સુધીની આવકને વેરામાફીની જાહેરાત સૌથી છેલ્લે કરી હતી, એણે રાહતનું કામ કર્યું છે. બજાર નીચલા મથાળેથી બાઉન્સબૅકમાં ૭૭,૭૦૭ થઈ છેવટે પાંચ પૉઇન્ટના નામપૂરતા સુધારામાં ૭૭,૫૦૬ બંધ આવ્યો છે. સામે નિફ્ટી ૨૬ પૉઇન્ટ ઘટીને ૨૩,૪૮૨ બંધ હતો. મતલબ કે બજેટ બજાર માટે સરવાળે નૉન-ઇવેન્ટ પૂરવાર થયું છે. માર્કેટકૅપ નહીંવત પૉઝિટિવ હતી. NSEમાં વધેલા ૧૪૧૯ શૅર સામે ૧૩૨૮ જાતો ઘટી હતી. માર્કેટકૅપ ૧૫,૦૦૦ કરોડ ઘટીને ૪૨૩.૮૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. બ્રૉડર માર્કેટ ફ્લૅટ હતું. મિડકૅપ બેન્ચમાર્ક અડધો ટકો નરમ હતો. સ્મૉલકૅપ સાધારણ સુધર્યું છે.

બજેટની કન્ઝમ્પ્શન કે વપરાશ વૃદ્ધિ સતેજ કરવાની થીમને લઈ FMCG ઇન્ડેક્સ ત્રણ ટકા નજીક, ઑટો બેન્ચમાર્ક પોણાબે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ અઢી ટકા, રિયલ્ટી પોણાચાર ટકા નજીક, નિફ્ટી મીડિયા સવાબે ટકા મજબૂત હતા. સામે પાવર ઇન્ડેક્સ અઢી ટકા, મેટલ દોઢ ટકો, ઑઇલ-ગૅસ પોણાબે ટકા, યુટિલિટીઝ ઇન્ડેક્સ ૨.૨ ટકા, પીએસયુ બ.શ્ર્ક નિફ્ટી દોઢ ટકા, આઇટી બેન્ચમાર્ક સવા ટકો, એનર્જી ઇન્ડેક્સ દોઢ ટકો, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ત્રણ ટકા કે ૧૯૪૮ પૉઇન્ટ ગગડ્યા છે. પીએસયુ ઇન્ડેક્સ ૬૩માંથી ૫૯ શૅરની ખરાબીમાં પોણાત્રણ ટકા ડૂલ થયો છે. બૅન્કિંગના ૪૧માંથી ૧૧ શૅર પ્લસ હતા. બારેબાર સરકારી બૅન્કો ઘટી છે. ઉજ્જીવન બૅન્ક બે ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૧.૯ ટકા અને ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક પોણાબે ટકા અપ હતી. સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન બૅન્ક, ઈસફ બૅન્ક, જનાસ્મૉલ બૅન્ક, કર્ણાટકા બૅન્ક ત્રણથી સાડાચાર ટકા ખરડાઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2025 03:07 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK