માયલેનની એક્ઝિટ પાછળ બાયોકૉન તેજી સાથે સાડાપાંચ વર્ષના બેસ્ટ લેવલે: બ્રોકરેજ ફર્મનો બુલિશ વ્યુ ડિવીઝ લૅબને ફળ્યો, શૅર સર્વોચ્ચ સપાટીએ
પ્રતીકાત્મક તસવીર
માયલેનની એક્ઝિટ પાછળ બાયોકૉન તેજી સાથે સાડાપાંચ વર્ષના બેસ્ટ લેવલે ઃ બ્રોકરેજ ફર્મનો બુલિશ વ્યુ ડિવીઝ લૅબને ફળ્યો, શૅર સર્વોચ્ચ સપાટીએ ઃ ક્રૂડના વધારાએ એશિયન પેઇન્ટ્સના ભાવવધારાની પૉઝિટિવ અસર ધોઈ નાખી ઃ બ્રેન્ટ ક્રૂડ ૮૭ ડૉલર આસપાસ, ડૉલર સામે રૂપિયો ગગડીને ૯૬.૨૫ થયો ઃ TBZ ૧૯ માસની ટોચે જઈ પોણાસોળ ટકા ઝળકી, કલ્યાણ જ્વેલર્સની આગેકૂચ ઃ જસ્ટ ડાયલ બૅક-ટુ-બૅક ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બની ઃ અદાણી ગ્રીન તથા અદાણી એનર્જીમાં નવાં શિખર
મધ્ય-પૂર્વ ખાતે પરિસ્થિતિ ક્રમશઃ વધુ બગડવા માંડી છે. પરસ્પર હવાઈ હુમલા ઉગ્ર બનવા લાગ્યા છે. હોર્મુઝ ખાડી ચાલુ છે કે બંધ અે અટકળનો વિષય બની ગયો છે. ઈરાન સામે યુદ્ધ આદરી સમગ્ર શાંતિને ડહોળી નાખનાર અમેરિકા હવે ગલ્ફના દેશોને રક્ષણ આપવાનો દાવો કરતાં લાગો વસૂલ કરવા માગે છે. હોર્મુઝ ખાડીની આસપાસ દેશના હુમલા સામે કહેવાતું કવચ પૂરું પાડવા જહાજો પાસેથી પણ ૨૦ ટકા લેવાની અેની યોજના છે. ક્રૂડ ઝડપથી વધીને ૮૭ ડૉલરે પહોંચી ગયું છે. અેમાં ડૉલર સામે રૂપિયો ૯૫.૬૩ના આગલા બંધથી તૂટી ૯૬.૨૫ બતાવી ૯૬.૨૦ આસપાસ પહોંચી ગયો છે. ક્રૂડ ફરી ૧૦૦ ડૉલર ઉપર ગયું તો રૂપિયામાં નવા વર્સ્ટ બૉટમની રફતાર શરૂ થઈ જશે. ગઈ કાલે એશિયા ખાતે તાઇવાન દોઢ ટકો તો થાઇલૅન્ડ નહીંવત નરમ હતું. ચાઇના સવા ટકો, સાઉથ કોરિયા પોણો ટકો તથા અન્ય બજાર અડધા ટકા જેવા પ્લસ હતાં. યુરોપ રનિંગમાં બહુધા સાધારણથી લઈ અડધો ટકો ઢીલું હતું.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૩૪૪ પૉઇન્ટ નરમ ૭૭,૨૭૨ ખૂલી છેવટે ૫૬૧ પૉઇન્ટ ઘટી ૭૭,૦૫૫ તથા નિફ્ટી ૧૫૯ પૉઇન્ટના ઘટાડે ૨૪,૦૫૨ બંધ થયો છે. બજાર મંગળવારે આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં હતું. શૅરઆંક ઉપરમાં ૭૭,૪૦૩ તથા નીચામાં ૭૭,૦૦૧ થયો હતો. ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૨૨ શૅર સામે ૨૨૭૮ શૅર ડાઉન હતા. માર્કેટકૅપ ૨.૬૦ લાખ કરોડ ઘટી ૪૭૯.૪૮ લાખ કરોડ થયું છે. ટેલિકૉમ, પાવર, યુટિલિટીઝ, મેટલના સાધારણથી અડધા ટકાના સુધારાને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. હેલ્થકૅર બેન્ચમાર્ક પણ અડધો ટકો પ્લસ હતો. સામે IT એક ટકો, ફાઇનૅન્સ સવા ટકો, ઑટો દોઢ ટકો, રિયલ્ટી બે ટકા નજીક, બૅન્ક નિફ્ટી ૧.૨ ટકા અને પીએસયુ બૅન્ક નિફ્ટી પોણાબે ટકા બગડ્યો છે.
આગલા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટ બાદ જસ્ટ ડાયલ ગઈ કાલે પણ ૮૦૯ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૧૬.૭ ટકાની તેજીમાં ૭૯૦ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. અદાણી ગ્રુપ ખાતે અદાણી પાવર પાંચ ટકા, અદાણી એનર્જી પોણાત્રણ ટકા, અદાણી ગ્રીન પોણાચાર ટકા, અદાણી પોર્ટ્સ અડધો ટકો પ્લસ હતી. અદાણી ગ્રીન અને અદાણી એનર્જીમાં નવી ઐતિહાસિક ટોચ બની છે. ન્યુજેન અને થર્મેક્સ છ-છ ટકા, એજીસ લૉજિસ્ટિક્સ પોણાછ ટકા, વેલસ્પન લીવિંગ સાડાપાંચ ટકા ઘટી ‘એ’ ગ્રુપમાં મોખરે હતી. જ્વેલરી કંપની TBZ પોણાસોળ ટકા ઊછળી ૨૬૦ની નવી ટોચે બંધ થઈ છે. કલ્યાણ જ્વેલર્સ પોણાચાર ટકાની આગેકૂચમાં ૫૩૦ નજીક ગઈ છે.
ADVERTISEMENT
સારાં પરિણામ છતાં HCL ટેક્નૉલૉજીઝમાં ખરાબી
HCL ટેક્નૉલૉજીઝ દ્વારા ધારણા કરતાં સારાં પરિણામ જાહેર કરતાં ગાઇડન્સિસને જાળવી રખાયું છે. કંપનીની ત્રિમાસિક આવક ૧૪ ટકા વધી ૩૪,૫૭૯ કરોડ તથા નેટ નફો ૨૦ ટકા વધી ૪૬૨૪ કરોડ થયો છે. શૅરદીઠ ૧૨નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. નોમુરા તરફથી પરિણામ બાદ ૧૨૯૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ તો સિટી ગ્રુપે ૧૦૪૦ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ-વ્યુ જારી કર્યો છે. ભાવ ગઈ કાલે દોઢા કામકાજે નીચામાં ૧૧૬૪ બનાવી ૪.૪ ટકા ગગડી ૧૧૬૭ બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. વિપ્રો તથા ટેક મહિન્દ્રાનાં પરિણામ ગુરુવારે છે. વિપ્રો પોણો ટકા ઘટી ૧૭૭ તથા ટેક મહિન્દ્રા ૧.૪ ટકા ઘટી ૧૪૮૪ બંધ હતો. TCS ૦.૯ ટકાની આગેકૂચમાં ૨૨૦૧ થઈ છે, પણ ઇન્ફોસિસ એકાદ ટકો ઘટી ૧૦૯૨ હતી. લાટિમ દોઢ ટકા ઘટી છે.
HDFC ૧.૨ ટકા ઘટી ૮૦૯ બંધમાં બજારને ૧૨૨ પૉઇન્ટ તો સ્ટેટ બૅન્ક ૨.૧ ટકા ઘટી ૭૭ પૉઇન્ટ નડી છે. ઇન્ડિગો સવાબે ટકા, બજાજ ફીનસર્વ ૨.૨ ટકા, મહિન્દ્રા ૨.૧ ટકા, લાર્સન બે ટકા, ITC દોઢ ટકા, કોટક બૅન્ક દોઢ ટકા, બજાજ ફાઇનૅન્સ દોઢ ટકા, મારુતિ સુઝુકી ૧.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સવાત્રણ ટકા, HDFC લાઇફ ૩.૨ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર અઢી
ટકા, જિયો ફાઇનૅન્શિયલ સવાબે ટકા, બજાજ ઑટો ૨.૧ ટકા ડાઉન હતી.
સામે ભારતી અૅરટેલ ૧.૭ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૧.૩ ટકા, સનફાર્મા એક ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકા, JSW સ્ટીલ પોણો ટકો, તાતા સ્ટીલ અડધો ટકો, હિન્દાલ્કો પોણો ટકો વધી છે. નજીકમાં પરિણામ વચ્ચે હેવીવેઇટ રિલાયન્સ ઉપરમાં ૧૩૦૮ થઈ અડધો ટકો ઘટી ૧૨૯૧ બંધ થઈ છે.
બજાજ કન્ઝ્યુમર વૉલ્યુમ સાથે સવાદસ ટકા ડૂલ
ICICI પ્રુડેન્શિયલ એસેટ મૅનેજમેન્ટ કંપનીએ જૂન ક્વૉર્ટરમાં ૧૮ ટકા વધારામાં ૧૭૪૫ કરોડની કુલ આવક પર ૨૩ ટકા વધારામાં ૯૬૫ કરોડ નજીકનો નેટ નફો મેળવ્યો છે. શૅર ગઈ કાલે કામકાજમાં ઉપરમાં ૩૨૮૫ થઈ સવા ટકો ઘટી ૩૧૬૬ બંધ થયો છે. બજાજ કન્ઝ્યુમરકૅરની ત્રિમાસિક આવક ૨૭૩ કરોડથી વધી ૩૪૧ કરોડ વટાવી ગઈ છે. નેટ પ્રૉફિટ ૮૪ ટકા વધીને ૭૦૭૫ લાખ થયો છે. શૅર નીચામાં ૫૮૦ થઈ ૧૦.૪ ટકા તૂટીને ૫૯૨ હતો. ખૈતાન કેમિકલ્સે છ ટકા ઘટાડામાં ૨૨૦ કરોડની ત્રિમાસિક આવક પર ૪૯ ટકા ગાબડામાં ૧૦૯૧ લાખ નેટ નફો કર્યો છે. શૅર અઢી ગણા કામકાજે ૫૦ની અંદર જઈ ૩.૩ ટકા ઘટીને ૫૦ હતો.
કરસન પટેલની નુવોકો વિસ્ટા કૉર્પોરેશનને ૯ ટકા જેવા વધારામાં ૩૧૨૯ કરોડની આવક પર ૨૦ ટકા વૃદ્ધિદરથી ૧૬૦ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. ભાવ ઉપરમાં ૩૫૯ નજીક જઈ ૮.૬ ટકા ઊંચકાઈ ૩૪૩ થયો છે. આ કંપની ઑગસ્ટ ૨૦૨૧માં ૧૦ના શૅરદીઠ ૫૭૦ના ભાવથી ૧૫૦૦ કરોડની OFS સહિત કુલ ૫૦૦૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયા પછી ૨૦૨૧ની ૧ સપ્ટેમ્બરે ભાવ ૫૭૭ના બેસ્ટ લેવલે ગયો હતો. અે બાદ કરતાં શૅર હંમેશાં બિલોપાર જ રહ્યો છે. ૨૦૨૨ની ૧ જૂને શૅર ૨૬૦ના ઑલટાઇમ તળિયે ગયો હતો. પ્લાસ્ટી બ્લેન્ડ્સ ઇન્ડિયાએ અગાઉના ૧૯૯ કરોડ સામે આ વેળા ૨૨૧ કરોડની આવક ઉપર ૮૯૨ લાખની સામે ૧૪૯૫ લાખ ત્રિમાસિક નેટ નફો કર્યો છે. શૅર ૨૧૬ની વર્ષની ટૉપ બનાવી સવા ટકો વધી ૧૯૮ બંધ આવ્યો છે. વિવો બાયોટેકની આવક ૧૪ ટકા વધી ૧૪૨૮ લાખ થઈ છે પણ નેટ નફો ૮૬ ટકા ગગડી ૧૯ લાખ નોંધાયો છે. શૅર ૭ ટકા ખરડાઈ ૨૩ બંધ રહ્યો છે.
મુંબઈની કુસુમગર લિમિટેડનું આજે લિસ્ટિંગ
ગઈ કાલે મેઇન બોર્ડમાં બે સહિત કુલ ત્રણ નવાં ભરણાં ખુલ્યાં છે. SBI ફન્ડ્સ મૅનેજમેન્ટનો એક રૂપિયાના શૅરદીઠ ૫૭૪ની અપરબૅન્ડ સાથે ૯૮૧૩ કરોડ રૂપિયાનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ રીટેલમાં એક ગણા સહિત કુલ ૭૦ ટકા પ્રતિસાદ મેળવવામાં પ્રથમ દિવસે સફળ થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટીને હાલ ૯૦ બોલાય છે. અમદાવાદની અલ્પાઇન ટેક્સવર્લ્ડનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ની અપરબૅન્ડ સાથે કુલ ૧૨૬ કરોડનો અન્ય ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૨૫ ટકા સહિત કુલ ૨૭ ટકા ભરાયો છે. પ્રીમિયમ વધીને પાંચનું છે, જ્યારે SME સેગમેન્ટમાં બૅન્ગલોર અર્બનની મિલવર્ક ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૩૩૧ રૂપિયાની મારફાડ અપરબૅન્ડ સાથે કુલ ૧૬૦ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં સાડાપંદર ગણા સહિત કુલ સાડાદસ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૩૯૫થી ઘટી ૨૭૫ થયું છે.
મુંબઈના વિલે પાર્લે-વેસ્ટ ખાતેની કુસુમગર લિમિટેડનું લિસ્ટિંગ આજે, બુધવારે થવાનું છે. એક રૂપિયાના શૅરદીઠ ૪૧૯ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૬૫૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ૨૮ ગણા સહિત કુલ ૧૩૬ ગણા જેવો છલકાયો હતો. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ ૧૫૧ જેવું છે. દરમ્યાન તાજેતરમાં પૂરાં થયેલાં મૂડીભરણાંમાં હાલ લેસર પાવરમાં ગ્રેમાર્કેટ ખાતે ૪૩ રૂપિયા, દેવસન કેટાલિસ્ટમાં ૪૯ રૂપિયા તથા હૅપ્પી સ્ટીલ્સમાં ૮ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.
માથે બોનસ વચ્ચે ફ્રેદુન ફાર્મા નવી વિક્રમી સપાટીએ
ફ્રેદુન ફાર્માસ્યુટિકલ્સ શૅરદીઠ બે બોનસમાં ૧૬મીએ બોનસ બાદ થવાની છે. શૅર ૨૯૫૦ની વિક્રમી સપાટી બતાવી પાંચ ટકા કે ૧૩૭ રૂપિયા વધીને ૨૮૯૧ બંધ આવ્યો છે. પીસી જ્વેલર્સની બોર્ડ મીટિંગ ૧૬મીએ ભંડોળ ઊભું કરવાની યોજના માટે મળશે. શૅર ઉપરમાં ૧૦ વટાવી અડધો ટકો ઘટી ૯.૮૭ રહ્યો છે. બાયોકૉનમાં વિદેશી રોકાણકાર માયલેન તરફથી આશરે ૯૨૦ લાખ શૅર વેચી લગભગ ૩૪૮૧ કરોડની રોકડી કરવાનો નિર્ણય લેવાયો છે. શૅર ગઈ કાલે જંગી વૉલ્યુમે ૪૪૪ની સાડાપાંચ વર્ષની ટોચે જઈ સાડાછ ટકા ઊછળી ૪૩૭ બંધ થયો છે. સિગ્મા અૅડ્વાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા બ્રિટિશ કંપની બોમફોર્ડ પ્રિસીઝનને ૧૫૩ કરોડમાં હસ્તગત કરવામાં આવતાં ભાવ ઉપરમાં ૬૦૫ વટાવી અંતે બે ટકા ઘટીને ૫૭૧ બંધ થયો છે.
એશિયન પેઇન્ટ્સ દ્વારા કાચા માલના ભાવવધારાને સરભર કરવા વેચાણભાવ ૧૨ ટકા વધારવાની જાહેરાત કરાઈ છે. શૅર ઉપરમાં ૨૬૫૫ થઈ અડધો ટકો ઘટીને ૨૬૪૦ થયો છે. આદિત્ય બિરલા ગ્રુપની ગ્રાસીમ દ્વારા અેની સબસિડિયરી મારફત વિદેશી શેલની ભારત ખાતેની ગ્રીન પાવર પ્લાન્ટ કંપનીનો સમગ્ર બિઝનેસ ૧૮૦ કરોડ ડૉલર કે આશરે ૧૭,૨૦૦ કરોડ રૂપિયાની એન્ટરપ્રાઇઝિસ વૅલ્યુથી ખરીદી લેવાના કરાર કરાયા છે. ગ્રાસીમનો શૅર ઉપરમાં ૩૧૫૦ થઈ ૧.૧ ટકા ઘટીને ૩૧૦૮ બંધ રહ્યો છે. ડિવીઝ લૅબમાં વધતી ક્ષમતા વપરાશને અનુલક્ષી બ્રોકિંગ ફર્મ માયરા એસેટ તરફથી ૭૪૮૨ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થયો છે. શૅર ગઈ કાલે ૭૨૦૬ની ઑલટાઇમ હાઈ બનાવી ૩.૬ ટકા કે ૨૫૨ રૂપિયા વધી ૭૧૮૫ બંધ થયો છે. બેના શૅરની બુકવૅલ્યુ ૬૩૧ રૂપિયા છે. છેલ્લે ઑગસ્ટ ૨૦૧૫માં બોનસ આપ્યું હતું.
