વોડાફોન ૧૩ મહિનાની ટોચે જઈને પાંચેક ટકા પ્લસ, ટ્રેન્ટમાં ૨૦ મહિનાની બૉટમ બની : અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર : ડિક્સન ટેક્નો ૨૦ મહિનાની નીચી સપાટી નોંધાવી ૬૫૦ રૂપિયા વધીને બંધ : વર્સ્ટ લેવલની હારમાળા વચ્ચે ઓલા ઇલેક્ટ્રિક ૭ ટકા બાઉન્સ બૅક
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રા પોણાત્રણ વર્ષના તળિયે, હબ ટાઉન પોણાનવ ટકા તૂટી
- દ્રોણાચાર્યમાં ઉપલી સર્કિટની હૅટ-ટ્રિક
- લક્ઝરી ટાઇમમાં લગભગ ૧૦૦ ટકાનો માતબર લિસ્ટિંગ ગેઇન મળ્યો
અમેરિકન મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વ દ્વારા ધારણા મુજબ વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જાહેર થયો છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં આ ત્રીજો રેટ-કટ છે. જોકે ૨૦૨૬માં રેટ-કટની આ શૃંખલા જોવાશે નહીં, કેમ કે ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ૨૦૨૬ના વર્ષમાં એકાદ વખત જ ફેડ-રેટ ઘટવાની શક્યતા છે. જોકે પૉવેલની વિદાય જાન્યુઆરીમાં નક્કી મનાય છે. ફેડ ચૅરમૅન તરીકે ટ્રમ્પ તેનો કોઈક ખાસાકિંત માણસ ગોઠવવાની પૈરવીમાં છે. જો આમ થયું તો આગામી વર્ષે પણ ફેડ-રેટમાં તબક્કાવાર મોટો ઘટાડો આવશે એ નક્કી છે. ફેટ-રેટમાં ઘટાડાના પગલે અમેરિકન ડાઉ ૪૯૮ પૉઇન્ટ કે એક ટકાથી વધુ પ્લસ થઈ બુધવારની મોડી રાત્રે બંધ થયો છે, પરંતુ એશિયા ખાતે સિંગાપોરના નજીવા સુધારાને બાદ કરતાં બધું ડાઉન હતું. ઇન્ડોનેશિયા ગઈ કાલે દોઢ ટકા નજીક, તાઇવાન અને થાઇલૅન્ડ સવા ટકાથી વધુ, ચાઇના તેમ જ જપાન પોણો ટકો માઇનસ થયાં છે. યુરોપ ખાતે રનિંગમાં જર્મન ડેક્સ નહીંવત્ નરમ તથા અન્ય બજાર સાધારણથી અડધા ટકા જેવાં પ્લસ હતાં. બ્રૅન્ટ ક્રૂડ એક ટકો ઘટીને ૬૧.૫૦ ડૉલરે આવી ગયું છે. કૉમેક્સ ગોલ્ડ અડધો ટકો તથા ચાંદી બે ટકા ઉપર ચાલતી હતી. બિટકૉઇન ૯૦ની અંદર જઈને રનિંગમાં બે ટકાના ઘટાડે ૯૦,૧૯૦ ડૉલર દેખાયો છે. પાકિસ્તાનનું શૅરબજાર બુધવારે ૧,૭૦,૬૯૮ નજીક ઑલટાઇમ હાઈ બનાવી ૧,૬૯,૪૫૨ બંધ થયા પછી ગઈ કાલે ઉપરમાં ૧,૭૦,૩૦૧ થઈ રનિંગમાં ૫૩૦ પૉઇન્ટના ઘટાડે ૧,૬૮,૯૨૧ ચાલતું હતું.
ઘરઆંગણે બજાર નરમાઈની હૅટ-ટ્રિક બાદ ગઈ કાલે સુધર્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૬૬ પૉઇન્ટ પ્લસમાં ૮૪,૪૫૭ ખૂલી ૪૨૭ પૉઇન્ટ વધી ૮૪,૮૧૮ તથા નિફ્ટી ૧૪૦ પૉઇન્ટ સુધી ૨૫,૮૯૮ બંધ થયો છે. શૅરઆંક પૉઝિટિવ ઓપનિંગ બાદ નીચામાં ૯૪,૧૫૯ થઈ ક્રમશઃ મજબૂતી દાખવી ઉપરમાં ૯૪,૯૦૭ થયો હતો. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૯૨૧ શૅરની સામે ૧૧૮૭ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૫૮ લાખ કરોડ વધી ૪૬૬.૬૬ લાખ કરોડ થયું છે. લગભગ તમામ સેક્ટોરલ સુધારામાં હતાં. મેટલ અને ઑટો ઇન્ડેક્સ ૧.૧ ટકો મજબૂત હતા. IT, હેલ્થકૅર, બૅન્ક નિફ્ટી, પીએસયુ બૅન્ક નિફ્ટી, નિફ્ટી ડિફેન્સ, રિયલ્ટી અડધા પોણા ટકા વચ્ચે અપ હતો.
ADVERTISEMENT
સેન્સેક્સ નિફ્ટી ખાતે કોટક મહિન્દ્ર બૅન્ક અઢી ટકા, એટર્નલ ૨.૭ ટકા, તાતા સ્ટીલ ૨.૬ ટકા, અદાણી એન્ટર. ત્રણ ટકા, જિયો ફાઇ. અઢી ટકા, ગ્રાસિમ ૧.૯ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૮ ટકા ઝળકી હતી. HDFC બૅન્ક એક ટકો વધી ૧૦૦૦ બંધમાં બજારને ૧૨૭ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ અડધો ટકો વધીને ૧૫૪૫ હતી. મારુતિ સુઝુકી સવા ટકા કે ૧૯૬ રૂપિયા વધી ૧૬,૨૦૦ રહી છે. સનફાર્મા સવા ટકો પ્લસ હતી. ભારતી ઍરટેલ પોણો ટકો ઘટીને ૨૦૫૨ થઈ છે. એશિયન પેઇન્ટ્સ એકાદ ટકા નરમ હતી. આઇશર મોટર્સ ૭૩૨૪ની ઑલટાઇમ હાઈ બનાવી ૦.૩ ટકા સુધરી ૭૨૫૫ રહી છે. એનું માર્કેટકૅપ ૧,૯૯,૦૧૧ કરોડ થઈ ગયું છે. વોડાફોન ૧૧.૩૦ની નવી ઐતિહાસિક ટોચે જઈને ૪.૯ ટકા વધીને ૧૧.૨૫ થઈ છે. તાતાની ટ્રેન્ટ ૩૯૩૧ની ૨૦ મહિનાની બૉટમ બનાવી અડધો ટકો વધીને ૪૦૪૫ થઈ છે. ૩ જાન્યુઆરીના રોજ ભાવ ૭૪૯૦ના શિખરે હતો.
બુધવારે ૫૩ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૭૦ બંધ થયેલી મીશો લિમિટેડ ગઈ કાલે ૧.૭ ટકા ઘટી ૧૬૭ રહી છે. એકવસ લિમિટેડ નજીવા સુધારામાં ૧૫૧ તથા વિદ્યા વાયર્સ અડધો ટકો ઘટી ૫૩ હતી.
મુમ્બૈયા સ્કેલ સૉસમાં એકાએક ૩૩નું પ્રીમિયમ, વેસ્ટર્નનું નબળું લિસ્ટિંગ
ગઈ કાલે ખૂલેલા બે SME ઇશ્યુમાં પેજ સન ઍગ્રો ઇન્ડિયાનો ૧૧૮ની અપરબૅન્ડ સાથે ૭૪૪૫ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧.૨ ગણો તથા અમદાવાદી HRS ઍલ્યુગ્લેઝનો શૅરદીઠ ૯૬ની અપરબૅન્ડમાં ૫૦૯૨ લાખનો BSE SME IPO કુલ ૬૦ ટકા ભરાયો છે. પેજસનમાં ૯ અને HRSમાં ૧૫ પ્રીમિયમ છે.
મેઇન બોર્ડની નેફ્રોકૅર હેલ્થ સર્વિસિસના બેના શૅરદીઠ ૪૬૦ની અપરબૅન્ડ સાથે ૮૭૧ કરોડના ઇશ્યુને ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ૩૮ ટકા તથા નવી દિલ્હીની પાર્ક મેડિવર્લ્ડના બેના શૅરદીઠ ૧૬૨ની અપર બૅન્ડમાં ૯૨૦ કરોડના ભરણાને એક ગણો પ્રતિસાદ મળ્યો છે. નેફ્રોટેકમાં ૧૭ અને પાર્ક મેડિવર્લ્ડમાં ૧૦ પ્રીમિયમ હાલ ચાલે છે. જ્યારે SME કંપનીમાં શીપવેલ્સ ઑન લાઇનનો એકના શૅરદીઠ ૧૨ના ભાવનો કુલ ૫૬૩૫ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ એક ગણો અને યુનિસેમ ઍગ્રિટેકનો પાંચના શૅરદીઠ ૬૫ની અપરબૅન્ડ સાથે ૨૧૪૫ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૬૫ ટકા ભરાયો છે. યુનિસેમમાં ઝીરો અને સીપવેવ્સમાં અઢી રૂપિયા પ્રીમિયમ છે.
દરમ્યાન લક્ઝરી ટાઇમ ૧૦ના શૅરદીઠ ૮૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૦થી શરૂ થયા બાદ ઉપરમાં ૧૦૪ થઈ છેલ્લે બોલાતા ૯૯ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૫૬ ખૂલી ૧૬૩ બંધ થતાં ૯૯.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જ્યારે વેસ્ટર્ન ઓવરસીઝ સ્ટડી અબ્રૉડ ૧૦ના શૅરદીઠ ૫૬ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૧૧થી શરૂ થઈ છેલ્લે ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે પંચાવનની નીચે ખૂલીને બાવન બંધ રહેતાં ૬.૯ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. આજે SME કંપની મેથડહબ સૉફ્ટવેર, સ્કેલ સૉસ અર્થાત્ એન્કમ્પાસ ડિઝાઇન અને ફ્લાયવિંગ સિમ્યુલેટરનું લિસ્ટિંગ થવાનું છે. હાલ મેથડહબમાં ૨૬ અને સ્કેલ સૉસમાં ૩૩ પ્રીમિયમ ચાલે છે. સ્કેલ સૉસમાં ભરણું બંધ થયું ત્યારે ૯મીએ પ્રથમ વાર ૩નું પ્રીમિયમ બોલાયું હતું.
ICICI પ્રુડેન્શિયલ AMCનો ૧૦,૬૦૩ કરોડનો ઇશ્યુ આજે ખૂલશે
આજે મેઇનબોર્ડમાં ICICI AMC તરીકે ઓળખાતી ICICI પ્રુડેન્શિયલ ઍસેટ મૅનેજમેન્ટ કંપની એક રૂપિયાના શૅરદીઠ ૨૧૬૫ રૂપિયાની ભારેખમ અપર બૅન્ડ સાથે કુલ ૧૦,૬૦૩ કરોડનો મેગા ઇશ્યુ કરવાની છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે, સમગ્ર ભંડોળ કંપનીમાં હાલ લગભગ ૪૯ ટકા હોલ્ડિંગ ધરાવતી બ્રિટિશ પ્રુડેન્શિયલના ઘરમાં જશે. ICICI બૅન્કનો ૫૧ ટકાનો હિસ્સો યથાવત્ રહેશે. ૧૯૯૩માં સ્થપાયેલી આ કંપની ૧૦,૧૪,૭૬૦ કરોડની AUM સાથે દેશનું સેકન્ડ લાર્જેસ્ટ મ્યુચ્યુલ ફન્ડ હાઉસ છે. ઇશ્યુમાં રીટેલ પોર્શન ૩૫ ટકા છે એમાંથી ICICIના શૅરધારક માટે પાંચ ટકા અનામત છે. કંપનીએ ગયા વર્ષે ૩૨ ટકા વધારામાં ૪૯૮૦ કરોડ જેવી આવક ઉપર ૨૯ ટકાના વૃદ્ધિદરથી ૨૬૫૧ કરોડ નેટ નફો મેળવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૨૯૫૦ કરોડ નજીક તથા ચોખ્ખો નફો ૧૬૧૮ કરોડ થયો છે. ઇક્વિટી ૪૯.૪૨ કરોડની છે. રિઝર્વ ૩૯૦૪ કરોડ છે. ઇશ્યુ ઘણો મોટો હોવાથી કુલ અલોટમેન્ટના ચાન્સ વધી જાય છે. કંપની સારો એવો નફો કરે છે. ડેબ્ટફ્રી અને કૅશ રિચ છે, પરંતુ ઇશ્યુ પ્રાઇસ પિઅર્સની તુલનામાં વધુ છે. પ્રૉફિટ માર્જિન HDFC AMCનું ૭૦ ટકા અને નિપ્પૉન લાઇફ AMCનું ૬૨ ટકા છે, સામે ICICI પ્રુ AMCનું ૫૭ ટકા જ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૧૮૫થી થઈ હતી. રેટ ઘસાતો રહીને નીચામાં ૮૫ થયા પછી હાલ ૧૨૭ બોલાય છે.
વધુમાં આજે ત્રણ SME ઇશ્યુ પણ ખૂલવાના છે. અમદાવાદની ઍગ્રિકલ્ચરલ કૉમોડિટીઝ ખાસ કરીને શાકભાજી તથા ફળ ફળાદીનો વેપાર કરતી સ્ટેનબિક ઍગ્રો ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવથી કુલ ૧૨૨૮ લાખનો BSE SME IPO આજે લાવશે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૯૮ ટકા વધારામાં ૫૨૪૯ લાખ આવક ઉપર ૧૦૨ ટકા વૃદ્ધિદરથી ૩૭૪ લાખ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષે છ મહિનામાં આવક ૩૫૫૫ લાખ અને નેટ નફો ૨૨૨ લાખ કર્યો છે. બીજી કંપની હરિયાણાના ગુડગાંવની એક્ઝિમ રાઉટસ પેયર અને મેટલ સ્ક્રૅપ જેવી રીસાઇકલ સામગ્રીનો ક્રૉસ બૉર્ડર વેપાર કરે છે. ૨૦૧૯માં સ્થપેયલી આ કંપની પાંચના શૅરદીઠ ૮૮ની અપરબૅન્ડમાં કુલ ૪૩૭૭ લાખની NSE SME ઇશ્યુ કરવાની છે. ગયા વર્ષે ૬૭ ટકા વધારામાં NSE SME ઇશ્યુ કરવાની છે. ગયા વર્ષે ૬૭ ટકા વધારામાં ૧૨૧ કરોડની આવક ઉપર ૮૦ ટકા વધારામાં ૭૫૬ લાખ નફો કરનારી આ કંપનીએ ચાલુ વર્ષે ૩ મહિનામાં ૪૪૧૭ લાખ આવક તથા ૧૧૭ લાખ નેટનફો કર્યો છે. દેવું ૩ મહિનામાં બેવડાઈને ૫૧૦ લાખ થયું છે. ત્રીજી કંપની થાણેની અશ્વિની કન્ટેનર મૂવર્સ મુખ્યત્વે ગુજરાત મહારાષ્ટ્ર ખાતે કાર્ગોની હેરફેર કરે છે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપની ૧૦ના શૅરદીઠ ૧૪૨ની અપરબૅન્ડમાં કુલ ૭૧ કરોડનો NSE SME ઇશ્યુ આજે કરશે. ગયા વર્ષે ૨૧ ટકા વધારામાં ૯૬૦૬ લાખની આવક ઉપર ૭૩૧ ટકાના વૃદ્ધિદરથી ૧૧૪૫ લાખ નેટ નફો બતાવી દેનારી આ કંપનીએ ચાલુ વર્ષે ૬ મહિનામાં ૫૫૮૬ લાખની આવક તથા ૯૯૧ લાખ ચોખ્ખો નફો કર્યો છે. દેવું છ મહિનામાં ૬૨૫૭ લાખથી વધીને ૭૪૯૦ લાખે પહોંચ્યું છે. ઇશ્યુમાંથી કંપની ૪૨૫૦ લાખ દેવું ચૂકવવામાં વાપરશે. ગ્રેમાર્કેટમાં અશ્વિનીમાં ૬થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૬ રૂપિયા તથા સ્ટેનબિકમાં ઝીરો અને એક્ઝિમ રાઉટ્સમાં ૯ રૂપિયા બોલાય છે.
વર્સ્ટ લેવલે ગયેલી નિયોજેમ અને શક્તિ પમ્પ્સમાં તગડો ઉછાળો
ચાંદીમાં તેજી બરકરાર રહેતાં હિન્દુસ્તાન ઝિંક વૉલ્યુમ સાથે ઉપરમાં ૫૩૨ વટાવી બે ટકાની આગેકૂચમાં ૫૨૨ થયો છે. વેદાન્તા એક ટકો વધીને ૫૨૯ તથા હિન્દાલ્કો સાધારણ વધી ૮૨૪ રહી છે. કાયનેસ ટેક્નૉલૉજીઝ નીચામાં ૩૮૨૬ થયા બાદ બમણા કામકાજે તગડા બાઉન્સબૅકમાં ૪૧૩૦ નજીક જઈને સવાચાર ટકા ઊંચકાઈ ૪૦૪૪ રહી છે. આગલા દિવસે ૧૧૦૦થી વધુનો કડાકો બતાવનાર ડિક્સન ટેક્નૉલૉજી ૩ ગણા વૉલ્યુમે ૧૨,૧૩૩ની વર્ષની નવી નીચી સપાટી નોંધાવીને ઉપરમાં ૧૩,૦૩૪ થઈને સવાપાંચ ટકા કે ૬૫૦ રૂપિયા વધીને ૧૨,૯૯૫ બંધ આવી છે. અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રા ૧૨૮ની આશરે ૩૪ મહિનાની બૉટમ દેખાડી ૩.૭ ટકા તૂટી ૧૨૯ તથા રિલાયન્સ પાવર સવા ટકો ઘટી ૩૩.૬૫ રહી છે.
તાજેતરની ખરાબીમાં નવા વર્સ્ટ લેવલની હારમાળા બતાવનારી ઓલા ઇલેક્ટ્રિક ગઈ કાલે ઉપરમાં ૩૭.૭૦ થઈને સાતેક ટકાના જોરમાં ૩૬.૬૮ બંધ થઈ છે. MCX ૫૦૦ રૂપિયાથી વધુના આગલા દિવસના ધબડકા બાદ ગઈ કાલે ઉપરમાં ૧૦,૦૬૦ બતાવી એક ટકા કે ૧૦૧ રૂપિયા વધી ૯૯૪૬ રહી છે. BSE લિમિટેડ જે બુધવારે પાંચ ટકા તૂટી હતી એ વળતા દિવસે ૨૭૦૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪.૫ ટકા વધીને ૨૬૯૯ થઈ છે. મુંબઈ ખાતે મીઠી રિવરના ક્લીનિંગ પ્રોજેક્ટમાં ૧૮૦૦ કરોડની બીડ સાથે અદાણી અને અશોકા બિલ્ડકૉન વચ્ચેનું સંયુક્ત સાહસ વિનર બન્યું છે. અશોકા બિલ્ડકૉન ગઈ કાલે ૧૭૧ને વટાવ્યા બાદ અઢી ટકા સુધરી ૧૬૯ બંધ હતી. દ્રોણાચાર્ય એરિયલ નવી સુધારેલી પાંચ ટકાની લિમિટમાં ઉપલી સર્કિટ મારી ૫૩.૬૨ થઈ છે. ૩ ડિસેમ્બરે ભાવ ૩૨.૬૮ના ઑલ ટાઇમ તળિયે ગયો હતો.
સ્પેશ્યલિટી કેમિકલ કંપની નિઓજેન ૮૦ ગણા કામકાજે ઉપરમાં ૧૧૪૬ થઈ ૧૧.૩ ટકાની તેજીમાં ૧૦૯૮ બંધ આવી છે. આ શૅર ૯મીના રોજ ૯૬૮ના વર્સ્ટ લેવલે ગયો હતો. ભાવ વર્ષ પહેલાં ૨૩૬૮ હતો. તાજેતરની ખુવારીમાં બુધવારે ૫૪૯ના ઐતિહાસિક તળિયે ગયેલી શક્તિ પમ્પ્સ બાઉન્સ બૅકમાં ગઈ કાલે ૨૬ ગણા કામકાજે ૬૪૬ થઈ ૧૪.૪ ટકાના ઉછાળે ૬૩૦ થઈ છે. આ શૅરમાં ૯ જાન્યુઆરીના રોજ ૧૩૯૮ની વિક્રમી સપાટી બની હતી. સ્પેક્ટ્રમ ઇલેક્ટ્રિકલ ૧૦૦૬ની નીચી સપાટી નોંધાવી અડધો ટકો ઘટી ૧૨૨૪ રહી છે. ૨૮ માર્ચે ભાવ ૨૨૫૪ના શિખરે ગયો હતો. હબટાઉ ૧૮ ગણા વૉલ્યુમે નીચામાં ૨૧૮ થઈ ૮.૮ ટકા તરડાઈ ૨૩૦ રહી છે. ૨૬ ઑગસ્ટે અહીં ૩૬૬ની ટૉપ બની હતી.


