પાકિસ્તાની શૅરબજાર સતત પાંચમા દિવસે વધીને ૧,૭૦,૬૯૭ની નવી સર્વોચ્ચ સપાટીએ : મીશોમાં ૫૩ ટકા લિસ્ટિંગ ગેઇન સાથે દમદાર લિસ્ટિંગ, એકવસ અને વિદ્યા વાયર્સમાં એકંદર નબળું લિસ્ટિંગ : ડિક્સન ટેક્નો વર્ષના તળિયે જઈને ૧૨૭૭ રૂપિયા પટકાઈ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ સામે CBI તરફથી કેસ દાખલ થતાં અનિલ અંબાણીના શૅર ખરડાયા
- બૅન્કિંગમાં નરમાઈ વચ્ચે એયુ બૅન્કની આગેકૂચ, ભાવ નવા શિખરે
- MCX ૫૦૮ રૂપિયા તથા BSE લિમિટેડ પાંચ ટકા તૂટી
અમેરિકન ફેડની પૉલિસી મીટના આઉટકમ પહેલાં વિશ્વબજારો સાંકડી વધઘટે મિશ્ર વલણમાં રહ્યાં છે. એશિયા ખાતે તાઇવાન પોણો ટકો તથા ઇન્ડોનેશિયા અડધો ટકો પ્લસ હતું, સામે જૅપનીઝ નિક્કી સર્વાધિક ૦.૪ ટકા નરમ હતો. થાઇલૅન્ડ રજામાં હતું. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા નજીક ઢીલું હતું. લંડન ફુત્સી સામાન્ય સુધારામાં હતો. બિટકૉઇન રનિંગમાં ૯૨,૯૬૭ ડૉલર ચાલતો હતો. દરમ્યાન સ્ટાન્યાર્ટ તરફથી ૨૦૨૬માં બિટકૉઇન ૩ લાખ ડૉલરે જવાની ધારણા અગાઉ અપાઈ હતી એ કાપીને હવે દોઢ લાખ ડૉલર કરી દેવાઈ છે. બ્રૅન્ટક્રૂડ ૬૨ ડૉલરની અંદર આવી ગયું છે. હાજર અને વાયદામાં સોનું ૦.૩ ટકા નરમ પડ્યુ છે, પરંતુ કૉમેક્સ સિલ્વર પોણાબે ટકા જેવા ઉછાળે ૬૧.૬૫ ડૉલર દેખાઈ છે. એક અન્ય નોંધપાત્ર ઘટનામાં પાકિસ્તાની શૅરબજાર સતત પાંચમા દિવસે વધતું રહીને ગઈ કાલે ૧,૭૦,૬૯૮ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૧,૬૯,૪૯૦ દેખાયું છે. ૩ ઑક્ટોબરના રોજ અહીં ઇન્ટ્રાડેમાં ૧,૬૯,૯૮૯ નજીકની સર્વોચ્ચ સપાટી તથા ક્લોઝિંગની રીતે ૧,૬૮,૯૯૦ની લાઇફટાઇમ હાઈ બની હતી એ ગઈ કાલે તૂટી ગઈ છે.
ઘરઆંગણે બુધવારે બજારે નરમાઈની હૅટ-ટ્રિક નોંધાવી છે. સેન્સેક્સ ૨૭૫ પૉઇન્ટની નબળાઈમાં ૮૪,૩૯૧ તથા નિફ્ટી ૮૨ પૉઇન્ટના ઘટાડે ૨૫,૭૫૮ બંધ આવ્યો છે. શરૂઆત સારી હતી. સેન્સેક્સ આગલા બંધથી ૫૯ પૉઇન્ટ જેવો નરમ ખૂલી ઉપરમાં ૮૫,૦૨૦ વટાવી ગયો હતો. આગલા બંધથી ૩૫૪ પૉઇન્ટનો આ સુધારો છેતરામણો નીવડ્યો હતો. બીજા સત્રનો આરંભ થાય એ પહેલાં માર્કેટ માઇનસ ઝોનમાં ચાલી ગયુ હતું અને પછી ત્યાં જ રહ્યુ હતું. એમાં શૅરઆંક ઉપલા મથાળેથી ૭૦૭ પૉઇન્ટ ગગડી નીચામાં ૮૪,૩૧૩ જોવાયો હતો. માર્કેટ બ્રેડ્થમાં મંગળવારે જે મજબૂતી દેખાઈ હતી એ પણ વન-ડે વન્ડર પુરવાર થઈ છે. ગઈ કાલે NSEમાં વધેલા ૧૩૫૩ શૅરની સામે ૧૭૫૩ શૅર ઘટ્યા છે. માર્કેટકૅપ પણ ૮૬,૦૦૦ કરોડ ઘટી ૪૬૪.૦૮ લાખ કરોડ નોંધાયું છે. બન્ને બજારનાં મોટા ભાગનાં ઇન્ડાઇસિસ માઇનસ થયાં છે. IT સવા ટકો, કૅપિટલ ગુડ્સ એક ટકો, ટેક્નૉલૉજીઝ ૦.૯ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો, નિફ્ટી ડિફેન્સ પોણો ટકો કટ થયો છે.
સરકારે ફ્લાઇટસમાં ૧૦ ટકા ઘટાડો કરવાનો આદેશ આપતાં ઇન્ડિગો સવાત્રણ ટકા કે ૧૬૨ રૂપિયા તૂટી ૪૮૦૫ના બંધમા નિફ્ટીમાં ટૉપલૂઝર બની છે. સેન્સેક્સ ખાતે એટર્નલ ૨.૯ ટકા બગડી ૨૮૩ હતી. અન્યમાં તાતાની ટ્રૅન્ટ ૧.૭ ટકા, ભારતી ઍરટેલ ૧.૧ ટકા, ઇન્ફી એકાદ ટકો, શ્રીરામ ફાઇ. ૧.૧ ટકા, અદાણી એન્ટર. દોઢ ટકા, અપોલો હૉસ્પિટલ્સ એક ટકા, JSW સ્ટીલ એક ટકો ડાઉન હતા. તાતા સ્ટીલ એક ટકાના સુધારામાં સેન્સેક્સ ખાતે તો આઇશર ૭૨૯૪ની ઑલટાઇમ ટૉપ બનાવી દોઢ ટકા વધીને ૭૨૨૮ના બંધમાં નિફ્ટી ખાતે ઝળકી છે. હિન્દાલ્કો ૧.૧ ટકા, HDFC લાઇફ એક ટકો, કોલ ઇન્ડિયા પોણો ટકો, સનફાર્મા પોણો ટકો પ્લસ હતી. રિલાયન્સ સાધારણ સુધારે ૧૫૩૫ થઈ છે. HDFC બૅન્ક ૦.૬ ટકા ઘટી ૯૯૦ બંધ થતાં બજારને ૮૪ પૉઇન્ટ તો ICICI બૅન્ક પોણો ટકો ઘટતાં ૬૫ પૉઇન્ટની હાનિ થઈ છે.
ADVERTISEMENT
MCX નીચામાં ૯૭૭૨ થઈ પાંચેક ટકા કે ૫૦૮ની ખરાબીમાં ૯૮૪૫ બંધ આવી છે. BSE લિમિટેડ પણ પાંચ ટકા કે ૧૩૪ રૂપિયા ગગડી ૨૫૮૨ રહી છે. મેટ્રો બ્રૅન્ડ્સ સાડાચાર ગણા કામકાજે ઉપરમાં ૧૨૧૪ બતાવી સાડાનવ ટકાની તેજીમાં ૧૧૮૯ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. ઇસબ ઇન્ડિયા ૬ ટકા કે ૩૫૧ના ઉછાળે ૬૧૮૭ દેખાઈ છે. ડિક્સન ટેક્નૉલૉજીઝ ત્રણ ગણા કામકાજે ૧૨,૨૬૩ની વર્ષની બૉટમ બતાવી પોણાનવ ટકા કે ૧૧૭૭ રૂપિયાની ખુવારીમાં ૧૨,૩૪૪ બંધ હતી.
ચાંદી લગભગ બે લાખ રૂપિયા પહોંચતાં હિન્દુસ્તાન ઝિંકમાં ફૅન્સી
યુનિયન બૅન્ક સાથે કથિત ૨૨૮ કરોડના ચીટિંગના કેસમાં CBI તરફથી અનિલ અંબાણીનો મોટો પુત્ર જય અનમોલ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. અનિલ ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રા ૧૩૩ નીચે અઢી વર્ષની બૉટમ બનાવી ૩.૭ ટકા ગગડી ૧૩૪ તથા રિલાયન્સ પાવર ૪.૭ ટકા ખરડાઈ ૩૪ બંધ થઈ છે. વિશ્વબજારમાં કૉમેક્સ સિલ્વર ૬૧.૭૦ ડૉલર જેવી નવી વિક્રમી સપાટીએ પહોંચી જતાં ઘરઆંગણે ચાંદી લગભગ બે લાખ રૂપિયા થઈ ગઈ છે. ચાંદીમાં તેજીની આડઅસરમાં ગઈ કાલે હિન્દુસ્તાન ઝિન્ક અઢી ગણા કામકાજે ઉપરમાં ૫૧૭ નજીક જઈ ૪.૫ ટકાની મજબૂતીમાં ૫૧૩ બંધ રહી છે. વેદાન્તા દોઢા વૉલ્યુમે ૫૩૦ વટાવી દોઢ ટકો વધી ૫૨૪ તથા હિન્દાલ્કો ૮૩૨ થઈ સવા ટકો વધી ૮૨૨ હતી. અન્ય મેટલ શૅરમાં હિન્દુસ્તાન કૉપર ૩૭૧ની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી એક ટકો ઘટીને ૩૫૯ રહી છે. તાતા સ્ટીલ એક ટકો, જિંદાલ સ્ટેનલેસ ૧.૯ ટકા, લૉઇડસ મેટલ્સ ૩ ટકા પ્લસ હતા. જિંદાલ સ્ટીલ પોણો ટકો વધી છે. અદાણી એન્ટર. દોઢ ટકા, JSW સ્ટીલ પોણો ટકા, નાલ્કો એક ટકા, સેઇલ પોણો ટકો નરમ હતી.
બૅન્ક નિફ્ટી અડધો ટકો અને પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકા ઘટ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૭ શૅર વધ્યા છે. એયુ બૅન્ક ૧૦૦૭ના બેસ્ટ લેવલે જઈને ૨.૩ ટકાની આગેકૂચમાં ૯૯૩ થઈ છે. બૅન્ક ઑફ ઇન્ડિયા, ફિનો પેમેન્ટ બૅન્ક, તામિલનાડુ બૅન્ક, CSB બૅન્ક, DCB બૅન્ક પોણા બેથી સાડાત્રણ ટકા ઘટી છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ પોણો ટકો ડુલ થયો છે. ઉદ્યોગના બાવીસમાંથી ૧૮ શૅર માઇનસ હતા. સિકા ઇન્ટરપ્લાન્ટ ૯૮૨ થઈ પાંચ ટકાની આગેકૂચમાં ૯૫૦ હતી.
કાયનેસમાં બુલિશ વ્યુનો ઊભરો શમી ગયો, ભાવ ૪૫૩ તૂટ્યો
પેસ્ટિસાઇડ્સ કંપની ભારત રસાયણ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજન થતાં શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે એક્સ બોનસ તેમ જ એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ૧૦,૦૬૦ થઈ નહીંવત્ ઘટીને ૯૯૪૮ બંધ થયો છે. મિસીસ બેક્ટર્સ ફૂડ્સ ૧૦ના શૅરદીઠ બે રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૧૩૨૭ બતાવી અડધો ટકો ઘટી ૧૨૯૪ રહી છે. સ્વિગી તરફથી શૅરદીઠ ૩૯૦ પ્લસની ફ્લોર પ્રાઇસથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો ક્વીપ રૂટ મારફત શૅર વેચાણનો કાર્યક્રમ હાથ ધરાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૦૭ થઈ ૦.૪ ટકા ઘટી ૩૯૬ હતો.
કોટકના હાર્ડ-હિટિંગ રિપોર્ટનો ભોગ બનેલી કાયનેસ ટેક્નૉલૉજીઝને જે. પી. મૉર્ગન તથા મૅક્વાયરના બુલિશ વ્યુનો સપોર્ટ મળી જતાં ભાવ આગલા દિવસે ૧૪ ટકા ઊછળીને બંધ રહ્યો હતો. એ વળતા દિવસે ઉપરમાં ૪૫૧૮ થયા બાદ તગડા કડાકામાં ૩૮૫૫ની ઇન્ટ્રા-ડેમાં બૉટમ બનાવી ૧૦.૫ ટકા કે ૪૫૩ રૂપિયા તૂટી ૩૮૮૨ બંધ થયો છે. વૉલ્યુમ ચાર ગણું હતું. કલ્પતરુ પ્રોજેક્ટને ૨૦૦૩ કરોડનો નવો ઑર્ડર મળતાં ભાવ ઉપરમાં ૧૨૦૦ થયા બાદ નજીવો ઘટીને ૧૧૭૧ રહ્યો છે. સમ્માન કૅપિટલમાં અબુધાબીની ઇન્ટરનૅશનલ હોલ્ડિંગ કંપનીની એવેનિર ઇન્વેસ્ટમેન્ટને કન્ટ્રોલિંગ સ્ટેક લેવાની મંજૂરી મળતાં શૅર ઊછળીને ૧૫૪ વટાવ્યા પછી પોણો ટકો ઘટીને ૧૪૨ બંધ આવ્યો છે. આઇઆરબી ઇન્ફ્રાની ગયા મહિનાની ટોલ રેવન્યુ ૧૬ ટકા વધીને આવતાં શૅર ૪૩.૩૭ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી સવા ટકો વધી ૪૨ રહ્યો છે.
આજે બે SME ભરણાં ખૂલશે, કોરોના રેમેડીઝમાં ૩૧૦ પ્રીમિયમ
આજે બે SME ઇશ્યુ ખૂલશે. અમદાવાદની એચઆરએસ એલ્યુગ્લેઝ ૧૦ના શૅરદીઠ ૯૬ની અપરબૅન્ડમાં કુલ ૫૦૯૨ લાખ રૂપિયાનો BSE SME IPO આજે લાવી રહી છે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપની ઍલ્યુમિનિયમનાં બારી-બારણાં, કર્ટેઇન વૉલ્સ તથા અન્ય પ્રોડક્ટસ બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૫૬ ટકા વધારામાં ૪૨૧૪ લાખની આવક ઉપર ૧૮૮ ટકા વૃદ્ધિદરથી ૫૧૫ લાખ ચોખ્ખો નફો બતાવી દીધો છે, ચાલુ વર્ષે ૬ મહિનામાં આવક ૨૬૩૫ લાખ અને નેટ નફો ૪૫૪ લાખ કર્યો છે. દેવું ૪૧ કરોડથી વધુ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૯ રૂપિયા છે. બીજી કંપની નવી દિલ્હીની પેજસન ઍગ્રો ઇન્ડિયા રોકેશ્યુ નટસને પ્રોસેસ કરી એનું વેચાણ કરે છે. કંપની ૧૦ના શૅરદીઠ ૧૧૮ની અપર બૅન્ડમાં ૭૪૪૫ લાખનો BSE SME ઇશ્યુ આજે કરશે. ૨૦૨૧માં સ્થપાયેલી કાજુનો વેપાર કરતી આ કંપનીએ ગયા વર્ષે ૯૫ ટકા વધારામાં ૧૮૭ કરોડની આવક ઉપર ૫૦૯ ટકાના ઉછાળામાં ૨૦૪૨ લાખ ચોખ્ખો નફો કરી નાખ્યો છે. ચાલુ વર્ષે ૬ મહિનામાં આવક ૧૧૮ કરોડથી વધુ તથા નેટ નફો ૧૪૨૦ લાખ થયો છે. દેવું ૪૧ કરોડ નજીક છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી.
ગઈ કાલે મેઇન બોર્ડના બે સહિત કુલ પાંચ ઇશ્યુ પૂરા થયા છે જેમાં અમદાવાદી કોરોના રેમેડીઝનો ૧૦ના શૅરદીઠ ૧૦૬૨ના ભાવનો ૬૫૫ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ કુલ ૧૪૪ ગણો તથા બૅન્ગલુરુની વેકફિટ ઇનોવેશન્સનો એકના શૅરદીઠ ૧૯૫ના ભાવનો ૧૨૮૯ કરોડનો ઇશ્યુ કુલ અઢી ગણો ભરાઈને પૂરો થયો છે. કોરોનામાં પ્રીમિયમ ૩૧૦ અને વેકફિટમાં ઝીરો બોલાય છે. SME કંપની થાણેની કે. વી. ટૉયઝનો ૧૦ના શૅરદીઠ૨ ૩૯ના ભાવનો ૪૦૧૫ લાખનો ઇશ્યુ આખા દિવસે કુલ ૩૫૦ ગણો, રાજકોટની રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સનો શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૨૪૬૮ લાખનો ઇશ્યુ પાંચેક ગણો તથા મુંબઈના અંધેરી ઈસ્ટની પ્રોડોક્સ સૉલ્યુશન્સનો શૅરદીઠ ૧૩૮ના ભાવનો ૨૭૬૦ લાખનો ઇશ્યુ ૨.૭ ગણો ભરાયો છે. કે. વી. ટૉયઝમાં પ્રીમિયમ વધીને ૧૨૦ ચાલે છે.
ચાલુ ભરણામાં હૈદરાબાદી નેફ્રોકૅર હેલ્થ સર્વિસિસનો બેના શૅરદીઠ ૪૬૦ના ભાવનો ૫૧૮ કરોડ જેવો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૩ ટકા તથા દિલ્હી ખાતેની પાર્ક મેડીવર્લ્ડનો બેના શૅરદીઠ ૧૬૨ની અપરબૅન્ડ સાથે ૯૨૦ કરોડનો IPO કુલ ૫૫ ટકા ભરાયો છે. નેફ્રોકૅરમાં પ્રીમિયમ પહેલેથી નથી તો પાર્ક મેડિવર્લ્ડમાં પ્રીમિયમ ૨૪ બોલાય છે. SME સેગમેન્ટમાં યુનિસેમ ઍગ્રિટેકનો પાંચના શૅરદીઠ ૬૫ના ભાવનો ૨૧૪૫ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨૨ ટકા અને શીપવેવ્સ ઑનલાઇનનો એકના શૅરદીઠ ૧૨ના ભાવનો ૫૬૩૫ લાખનો ઇશ્યુ ૪૨ ટકા ભરાયો છે. રિદ્ધિ ડિસ્પ્લેમાં ૨૪વાળું પ્રીમિયમ ઝીરો થઈ ગયું છે. શીપવેવ્સમાં ચારનું પ્રીમિયમ છે.
જયપુરની શ્રીકાન્હા સ્ટેનલેસમાં ૭ ટકા લિસ્ટિંગ-લૉસ
ગઈ કાલે મેઇન બોર્ડમાં ૩ કંપનીનું લિસ્ટિંગ થયું છે. જેમાંથી હાઈ પ્રોફાઇલ પણ સતત ખોટ કરતી મીશો લિમિટેડ એકના શૅરદીઠ ૧૧૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૩૩થી શરૂ થઈ ઉપરમાં ૫૦ નજીક જઈને છેલ્લે ૩૬ના બોલાતા પ્રીમિયમ સામે ૧૬૧ ખૂલી ૧૭૭ થઈ ૧૭૦ બંધ થતાં ૫૩.૩ ટકા લિસ્ટિંગ-ગેઇન મળ્યો છે. સતત ખોટ કરતી અન્ય કંપની એકવસ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૨૪ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૧૮થી શરૂ થઈને ૪૭ નજીક જઈને છેલ્લે બોલાતા ૨૪ના પ્રીમિયમ સામે ૧૪૦ ખૂલી ૧૫૧ બંધ રહેતાં એમાં બાવીસ ટકા લિસ્ટિંગ-ગેઇન મળ્યો છે. ગુજરાતના આણંદ ખાતેની વિદ્યા વાયર્સ એકના શૅરદીઠ ૫૨ની ઇશ્યુ પ્રાઇસ અને ૮થી શરૂ થઈ ઉપરમાં ૧૦ થયા બાદ છેલ્લે ચાલતા ૪ના પ્રીમિયમ સામે બાવન ખૂલી ૫૩ બંધ થતાં અહીં ૨.૨ ટકા લિસ્ટિંગ ગેઇન મળે છે. SME સેગમેન્ટમાં જયપુરની શ્રીકાન્હા સ્ટેનલેસ ૧૦ના શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ ટૂંક સમય માટે ગ્રેમાર્કેટમાં ૨૫ રૂપિયા બોલાઈને છેલ્લે ઝીરો થયેલા પ્રીમિયમ સામે ૮૮ ખૂલી ૮૩ બંધ રહેતાં એમાં ૭ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે.
લક્ઝરી સ્વિસ ઘડિયાળો વેચવાનો ધંધો કરતી નવી દિલ્હીની લક્ઝરી ટાઇમ આજે લિસ્ટેડ થવાની છે. ૧૮૭૪ લાખનો આ BSE SME IPO કુલ ૬૩૫ ગણાથી વધુ છલકાયો હતો. હાલ પ્રીમિયમ ૯૯ ચાલે છે. અંબાલાની વેસ્ટર્ન ઓવલસીઝ સ્ટડી અબ્રૉડનો BSE SME ઇશ્યુ પણ આજે લિસ્ટિંગમાં જશે.


