Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડના કમઠાણ વચ્ચે રૂપિયાની ખરાબીથી નવી ફિકર જાગી

ક્રૂડના કમઠાણ વચ્ચે રૂપિયાની ખરાબીથી નવી ફિકર જાગી

17 April, 2024 06:57 AM IST | Mumbai
Anil Patel

બજાર મંગળવારે આરંભથી અંત સુધી રેડઝોનમાં રહી ૪૫૬ પૉઇન્ટના ઘટાડે ૭૨,૯૪૪ની અંદર તો નિફ્ટી ૧૨૫ પૉઇન્ટ ખરડાઈ ૨૨,૧૪૭ બંધ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


માથે પરિણામ વચ્ચે રિલાયન્સ સુસ્ત, ગ્રુપ કંપની સ્ટર્લિંગ વિલ્સનમાં ઝમક, લોટસ ચૉકલેટ તેજી સાથે નવી ટોચે : રૂપિયાની નબળાઈ અને નજીકમાં પરિણામ છતાં ઇન્ફોસિસમાં ખરાબીથી આઇટીમાં માનસ ખરડાયું : આનંદ રાઠી વેલ્થમાં ૪૪૫૦ના ભાવે બાયબૅકનો કરન્ટ કટ થયો, ધાની સર્વિસિસ નવા બેસ્ટ લેવલે : ક્રિસિલનો નફો પાંચ ટકા ઘટ્યો એમાં શૅર દોઢસો રૂપિયા ધોવાયો : આઇશર મોટર્સ નવા શિખર સાથે ૧૪૫ રૂપિયા મજબૂત, એક્સાઇડ ઇન્ડ.માં વિક્રમી સપાટીની હારમાળા : મૉન્સૂન સારું જવાના વરતારાથી ઍગ્રો કેમિકલ્સ અને ખાતર શૅર લાઇમલાઇટમાં : માર્કેટ બ્રેડ્થ સુધરી

ફેડરેટમાં ઘટાડો પાછો ઠેલાવાની શક્યતા, અખાતી વિસ્તારમાં વધેલો તનાવ, ક્રૂડમાં કરન્ટ જેવાં નેગેટિવ પરિબળોની હાજરીમાં ઘરઆંગણે રૂપિયાની ખાનાખરાબીથી શૅરબજાર માટે નવી ચિંતા જાગી છે. બજાર મંગળવારે આરંભથી અંત સુધી રેડઝોનમાં રહી ૪૫૬ પૉઇન્ટના ઘટાડે ૭૨,૯૪૪ની અંદર તો નિફ્ટી ૧૨૫ પૉઇન્ટ ખરડાઈ ૨૨,૧૪૭ બંધ થયો છે. આ સાથે સળંગ ત્રણ દિવસની બુરાઇઈમાં સેન્સેક્સ કુલ ૨૦૪૦ પૉઇન્ટ ગગડ્યો છે. આશ્વાસન એ વાતનું છે કે ગઈ કાલે માર્કેટ કૅપ સારી એવી પૉઝિટિવ રહી છે. NSEમાં વધેલા ૧૪૦૫ શૅરની સામે ૭૯૬ જાતો ઘટી છે. બીજુ, માર્કેટ કૅપ માત્ર ૨૨,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૩૯૪.૨૬ લાખ કરોડ નજીક નોંધાયું છે. આજે બજાર રામનવમી નિમિત્તે રજામાં છે. ત્રીજુ, ગઈ કાલે એશિયા ખાતે તમામ અગ્રણી બજાર પોણાબે ટકાથી લઈને પોણાત્રણ ટકા સુધી ગગડ્યાં હતાં. સિંગાપોર એકમાત્ર સવા ટકો નરમ હતું. યુરોપ રનિંગમાં એકથી સવા ટકો નીચે દેખાયું હતું. આમ છતાં ઘરઆંગણે સેન્સેક્સ, નિફ્ટી અડધા ટકા જેવા જ માઇનસ થયા છે. મતલબ કે તેજીના ખેલાડીઓ ખાસ મચક આપવાના મૂડમાં નથી. ગમે એવાં ખરાબ કારણો આવે બજાર હમણાં ગગડવામાં તો નહીં જ દેખાય.

મૉન્સૂન બહેતર રહેવાના હવામાન ખાતાન વરતારાને માથે ચડાવી ઍગ્રો કેમિકલ્સ તેમ જ ફર્ટિલાઇઝર શૅર ગઈ કાલે સારી એવી ફૅન્સીમાં જોવાયા છે. ખાતર ઉદ્યોગના ૨૩માંથી કેવળ બે શૅર ઘટ્યા હતા. નૅશનલ ફર્ટિ., ચંબલ ફર્ટિ., ફેક્ટ, ખૈતાન કેમિકલ્સ, નાગાર્જુના ફર્ટિ., એરિસ ઍગ્રો, મેન્ગલોર કેમિકલ્સ, તિસ્તા ઍગ્રો, ભારત રસાયણ, હેરંમ્બા ઇન્ડ., ધાનુકા ઍગ્રિટેક, ઇન્સેક્ટી સાઇડસ ઇન્ડિયા, ધર્મરાજ ક્રૉપગાર્ડ વગેરે જેવાં કાઉન્ટર્સ પોણા બેથી પોણાચાર ટકા વધીને બંધ થયાં છે. એફએમસીજીમાં પતંજલી ફૂડ્સ સાડાપાંચ ટકા ઊંચકાઈ ૧૪૦૭ વટાવી ગઈ છે. શુગર ઉદ્યોગમાં ૩૬માંથી ૨૩ શૅર મીઠા થયા છે. 



ભારતી હેક્સાકૉમ જેફરીઝના બુલિશ વ્યુથી સેંકડાની તેજીમાં નવી ટોચે 
બ્રોકરેજ હાઉસ જેફરીઝ તરફથી તાજેતરમાં લિસ્ટેડ થયેલી ભારતી હેક્સાકૉમમાં ૧૦૮૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનો કૉલ જારી થતાં ભાવ ૯૧૭ની વિક્રમી સપાટી બનાવી સવાબાર ટકા કે ૯૯ રૂપિયાની તેજીમાં ૯૦૫ બંધ આવ્યો છે. વૉલ્યુમ વન-થર્ડ હતું. કંપની શૅરદીઠ ૫૭૦ના ભાવે ઇશ્યુ લાવી હતી. લિ​સ્ટિંગ તાજેતરમાં જ ૧૨મીએ થયું હતું. સામે એની ૭૦ ટકા માલિકી ધરાવતી ભારતી ઍટેલ એક ટકો ઘટીને ૧૨૧૨ રહી છે. વોડાફોનનો ૧૦ના શૅરદીઠ ૧૦થી ૧૧ની પ્રાઇસ બેન્ડ સાથે ૧૮,૦૦૦ કરોડનો મહામેગા ફૉલોઑન ઇશ્યુ ગુરુવારે ખૂલવાનો છે. એમાં રોકાણ માટે જીક્યુજી, ફિડિલિટી, HDFC મ્યુ. ફન્ડ, ક્વેન્ટ મ્યુ. ફન્ડ જેવાં મોટાં નામો ઉત્સુક હોવાના અહેવાલ વચ્ચે શૅર પોણાબે ટકા ઘટી ૧૩ની અંદર ગયો છે. સ્ટરલાઇટ ટેક્નૉ. દ્વારા ​ક્વિપ રૂટ મારફત ૧૦૦૦ કરોડ ઊભા કરવામાં આવતાં ભાવ પોણા સાત ટકાની મજબૂતીમાં ૧૪૨ વટાવી ગયો છે. એની પેરેન્ટ વેદાન્તા બે ટકા વધી ૩૭૮ થઈ છે. હિન્દુ. ઝિન્ક એક ટકો નરમ હતી. 
મિશ્ર વલણમાં ફ્લૅટ રહેલા ઑટો ઇન્ડેક્સમાં આઇશર ૪૪૦૬ના શિખરે જઈ ૧૪૫ રૂપિયા કે સાડાત્રણ ટકાની રેસમાં ૪૩૬૦ થયો હતો. બજાજ ઑટો, ટીવીએસ મોટર્સ, મહિન્દ્ર, હીરો મોટો કૉર્પ એકથી દોઢેક ટકો ઘટી છે. ઑટો એ​​ન્સિલિયરી ક્ષેત્રે ઉર્વિટી ઍન્ડ વેડજ લેમ્પ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૯૪ના શિખરે બંધ હતી. આ કંપની માર્ચ ૧૮મા શૅરદીઠ ૧૦૦ના ભાવે ૧૫ કરોડનો ઇશ્યુ લાવી હતી. ઇશ્યુ માંડ ભરાયો હતો. એક્સાઇડ ઇન્ડે. તેજીની આગેકૂચમાં ૪૭૦ની નવી ટૉપ બતાવી સવાબાર ટકા ઊછળી ૪૫૯ વટાવી ગઈ છે.

ડૉલર સામે રૂપિયામાં ખરાબી સાથે આઇટી શૅરોમાં નબળાઈ વધી
અમેરિકન ડૉલર સામે રૂપિયાની નરમાઈ સામાન્ય રીતે આઇટી કંપનીઓ અને નેટ ફૉરેક્સ અર્નિંગ કમાતી કંપનીઓ માટે લાભદાયી ગણાય છે. આ શૅરોના ભાવ વત્તેઓછે અંશે ઝમકમાં આવે છે, પરંતુ ડૉલર સામે રૂપિયો ઑલટાઇમ તળિયે જવા છતાં આ વેળા આઇટીમાં માયૂસી વધી છે. આંક નીચામાં ૩૪,૩૫૯ થઈ ૨.૩ ટકા કે ૮૧૭ પૉઇન્ટ ખરડાઈ ૩૪,૪૦૦ની ચાર માસની નીચી સપાટીએ ગયો છે. અત્રે ૬૦માંથી ૨૭ શૅર ઘટ્યા છે. કેન્દ્રીય પ્રધાન અને BJP નેતા રાજીવ ચંદ્રશેખરના જ્યુપિટર ગ્રુપની ઍ​ક્સિસકેડસ ટેક્નૉલૉજીઝ ૫.૨ ટકાની તેજીમાં ૬૨૪ બંધ રહી છે, જેની નવાઈ છે. આમ તો આ મહાનુભાવે ચૂંટણીના ઉમેદરવારી પત્ર સાથે ઍસેટ્સની જાહેરાતમાં તેમની નેટ ટૅક્સેબલ ઇન્કમ માત્ર ૬૩૮ રૂપિયા બતાવી છે એની પણ ભારે નવાઈ છે. ઇન્ફોસિસનાં રિઝલ્ટ ૧૮મીએ છે અને શૅર ગઈ કાલે ભારે વૉલ્યુમ સાથે નીચામાં ૧૪૧૩ થઈ ૩.૭ ટકા તૂટી ૧૪૧૫ બંધ આવ્યો એ પણ ઓછી નવાઈ નથી. બહેતરીન પરિણામ પછી ટીસીએસ વધુ ૧.૮ ટકા બગડીને ૩૮૭૨ થયો છે. વૉલ્યુમ બમણું હતું. વિપ્રોના નવા સીઈઓ શ્રીનિવાસ પિલ્લેએ નવો હોદ્દો સંભાળી લેતાં પહેલાં મિડ ફેબ્રુ.માં વિપ્રોના એક લાખ શૅર વેચીને પાંચ કરોડ રૂપિયાની રોકડી કરી હોવાનો અહેવાલ બહાર આવ્યો છે, જેમાં શૅર ગઈ કાલે ૨.૩ ટકા તૂટી ૪૪૮ રહ્યો છે. પરિણામ ૧૯મીએ છે. HCL ટેક્નૉ. બે ટકા અને ટેક મહિન્દ્ર ૧.૯ ટકા ડૂલ થઈ છે. લાટિમ લાર્સન માઇન્ડ ટ્રીમાંથી બે વાઇસ પ્રેસિડન્ટનું રાજીનામું પડતાં ભાવ દોઢ ગણા કામકાજે અઢી ટકા કે ૧૩૬ રૂપિયા ગગડીને ૫૩૧૬ થયો છે. કોફૉર્જ નરમાઈની હૅટ-ટ્રિકમાં ૩.૪ ટકા કે ૧૮૪ રૂપિયા બગડી ૫૨૧૦ રહ્યો છે. રામ્કો સિસ્ટમ્સ, એમ્ફાસિસ, ઑરેકલ અને પર્સિસ્ટન્ટ પોણાબેથી સાડાત્રણ ટકા ધોવાઈ હતો. મો​સ્ચિપ ૧૧.૮ ટકા ઊછળી છે.

રિલાયન્સનાં પરિણામ ૨૦મીએ, શૅર સુસ્તીમાં બંધ
માર્કેટ લીડર રિલાયન્સનાં પરિણામ સોમવારે, ૨૨મીએ આવવાનાં છે. શૅર ગઈ કાલે પ્રમાણમાં સાંકડી વધઘટે અથડાઈ, નીચામાં ૨૯૦૨ થઈ છેલ્લે ૨૯૩૪ના લેવલે ફ્લૅટ બંધ રહ્યો છે. એની ૪૭ ટકા માલિકીની સબસિડિયરી જિયો ફાઇ. સર્વિસિસનાં પરિણામ ગુરુવારે છે. કંપની તરફથી વેલ્થ મૅનેજમેન્ટ તથા બ્રોકિંગ બિઝનેસમાં પદાર્પણ કરવા માટે અમેરિકન બ્લૅક રૉક સાથે સમાન ધોરણે ભાગીદારીમાં સંયુક્ત સાહસની સ્થાપના જાહેર થઈ છે. બ્લૅક રૉકની ભાગીદારીમાં જિયોએ મ્યુ. ફન્ડ ક્ષેત્રે ઝંપલાવવાનું નક્કી કરેલું છે. સેબીની મંજૂરીની રાહ જોવાય છે. જિયોનો શૅર ગઈ કાલે દોઢા કામકાજે ૩૭૨ નજીક જઈ બે ટકા વધી ૩૬૨ રહ્યો છે. રિલાયન્સ જેમાં સહ પ્રમોટર તરીકે ગ્રુપ કંપની મારફત ૬૧ ટકા હો​લ્ડિંગ ધરાવે છે એ હેથવે કેબલનાં પરિણામ ૧૭મીએ છે. શૅર ગઈ કાલે પોણાબે ટકા વધી ૨૧ હતો, જ્યારે હેથવે કેબલ જેમાં સહ પ્રમોટર્સ તરીકે ૩૭.૩ ટકા હિસ્સો ધરાવે છે એ જીટીપીએલ હેથવે દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં અગાઉની ૧૦.૮ કરોડની નેટ લૉસ સામે આ વેળા ૧૬ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર પ્રારંભિક સુધારામાં ૧૯૫ વટાવી છેલ્લે નજીવો સુધરીને ૧૮૮ બંધ થયો છે. રિલાયન્સની વિવિધ એન્ટિટી જેમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ૭૦ ટકાથી વધુ હોલ્ડિંગ ધરાવે છે એ ડેન નેટવર્ક પરિણામ પહેલાં ગઈ કાલે એક ટકો વધી ૫૦ બંધ રહી છે. રિલાયન્સની પ્રમોટર તરીકે ૪૦ ટકા ભાગીદારીવાળી આલોક ઇન્ડ.નાં રિઝલ્ટ ૨૦મીએ છે. શૅર દોઢ ટકો વધી ૨૭ ઉપર હતો. રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રાનાં પરિણામ ૧૮મીએ છે. શૅર ૧૨૭૪ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી અડધો ટકો સુધરી ૧૨૫૫ હતો. રિલાયન્સ એ​ન્ટિટી જેમાં સહ પ્રમોટર તરીકે ૩૨.૬ ટકા હિસ્સો ધરાવે છે એ સ્ટર્લિંગ વિલ્સન રિન્યુએબલ એનર્જી બમણા વૉલ્યુમે ઉપરમાં ૫૩૫ થઈ ૬.૫ ટકા વધીને ૫૨૯ રહી છે. પરિણામ ૨૦મીએ છે. રિલાયન્સની ૬૩.૯ ટકા માલિકીવાળી જસ્ટ ડાયલ પરિણામની પૂર્વ સંધ્યાએ ૯૧૩ની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી નજીવા ઘટાડે ૮૯૪ રહી છે. લોટસ ચૉકલેટ ૧૧.૫ ટકાની તેજીમાં ૪૫૦ની નવી ટોચે ગઈ છે. 

HDFC બૅન્કમાં સારાં પરિણામની આશા વચ્ચે નરમાઈ અટકી
આનંદરાઠી વેલ્થ દ્વારા પાંચના શૅરદીઠ ૪૪૫૦ના ભાવે બાયબૅક નક્કી થયું છે. બાયબૅક ટેન્ડર રૂટથી થશે. ભાવ આગલા દિવસે ૪૨૧૫ની ઑલટાઇમ હાઈ બાદ ગઈ કાલે અઢી ટકા ઘટી ૪૦૮૫ બંધ થયો છે. ૧૧ મહિના પહેલાં રેટ ૮૩૬ના તળિયે હતો. કંપની ૨૦૨૧ના મિડ ડિસેમ્બરમાં પાંચના શૅરદીઠ ૫૫૦ના ભાવે ૬૬૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. આગલા દિવસના ઉછાળા પછી કેપ્રિ ગ્લોબલ ૨.૪ ટકા ઘટી છે. દૌલત અલ્ગો આઠ ટકાની તેજીમાં ૯૫ની નવી ટોચે ગઈ છે. એલઆઇસી હાઉસિંગ સવાબે ટકા અને રેપ્કો હોમ ૪.૮ ટકા મજબૂત બની છે. યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ ત્રણ ટકા અને HDFC ઍસેટ મૅનેજમેન્ટ અઢી ટકા ઊંચકાઈ હતી. બૅન્ક નિફ્ટી વધુ ૨૮૮ પૉઇન્ટ નરમ હતો. બૅ​ન્કિંગના ૪૧માંથી ૨૩ શૅર ડાઉન થયા છે. ઉત્કર્ષ બૅન્ક ૫.૮ ટકા, ઇન્ડ્સઇન્ડ ૩.૧ ટકા, આરબીએલ બૅન્ક ત્રણ ટકા, પીએનબી ૩.૫ ટકા, એયુ બૅન્ક ત્રણ ટકા તૂટી હતી. HDFC બૅન્કનાં પરિણામ ૨૦મીએ છે, જેમાં ૩૧ ટકાના વધારામાં ૧૫,૮૦૦ કરોડનો નેટ પ્રૉફિટ અપેક્ષિત  છે. જેએમ ફાઇ. દ્વારા ૨૦૧૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થયેલો છે. શૅર ગઈ કાલે એક ટકો સુધરી ૧૫૦૯ થયો છે. સામે ICICI બૅન્ક એક ટકો અને ઍ​ક્સિસ બૅન્ક અડધો ટકા નરમ હતી. ફિનો પેમેન્ટ બૅન્ક, જના સ્મૉલ ફાઇ. બૅન્ક, કૅપિટલ સ્મૉલ બૅન્ક, ડીસીબી બૅન્ક, યુકો બૅન્ક દોઢથી પોણાત્રણ ટકા વધી છે. ધાની સર્વિસિસે આઠ ગણા વૉલ્યુમ સાથે ૧૬ ટકાની તેજીમાં ૪૮ બંધ આપી ટે​ક્નિકલ બ્રેક આઉટ આપ્યો છે. ભાવમાં નવી ટૉપ બની છે, તેજી આગળ વધવાની છે. 

તીર્થ ગોપીકૉનનું સારું લિ​સ્ટિંગ, ડીસીજી કેબલ ડિસ્કાઉન્ટમાં ગયો 
અમદાવાદી તીર્થ ગોપીકૉન શૅરદીઠ ૧૧૧ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૮ના પ્રીમિયમ સામે ૧૨૫ ખૂલી ૧૩૧ બંધ થતાં સવાઅઢાર ટકાનો લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે. અન્ય અમદાવાદી કંપની ડીસીજી કેબલ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૯૦ ખૂલી ૫ ટકાની નીચલી સર્કિટમાં ૮૫ ઉપર બંધ થતાં એમાં સાડાચૌદ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. ગ્રીન હાઇટેક વેન્ચર્સ સોમવારે લિસ્ટેડ થશે, ૫૦ની ઇશ્યુ પ્રાઇસ સામે પ્રીમિયમ સુધરી હાલ પાંચ જેવું બોલાય છે. ઇ​ન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ એક બોનસમાં ગઈ કાલે ઍક્સ બોનસ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૩૬ બંધ આવી છે. ભાવ નવી ટોચે જશે એમ લાગે છે. શુક્ર ફાર્મા એક શૅરદીઠ ત્રણ બોનસ તથા નાપબુક્સ એક શૅરદીઠ બે બોનસમાં ૧૯મીએ બોનસ બાદ થવાથી શુક્રફાર્મા બે ટકા વધી ૩૨૬ તથા નાપબુક્સ ૨૭૫ના લેવલે યથાવત્ બંધ રહી છે. સુરતવાલા બિઝનેસ ગ્રુપ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં ગુરુવારે એક્સ સ્પ્લિટ થશે. શૅર પોણાબે ટકા વધી ૯૭૬ બંધ થયો છે. ક્રિસિલનો ત્રિમાસિક નફો પાંચ ટકા ઘટી ૧૩૮ કરોડ આવતાં શૅર ૧૪૫ કે ત્રણ ટકા ગગડી ૪૬૯૦ બંધ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 06:57 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK