Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્ટ્રૉન્ગ ઓપનિંગ બાદ બજાર ઉપલા મથાળેથી ૧૦૧૮ પૉઇન્ટ ગગડ્યું, નિફ્ટીમાં ‘૧૭’ નીચે બંધ

સ્ટ્રૉન્ગ ઓપનિંગ બાદ બજાર ઉપલા મથાળેથી ૧૦૧૮ પૉઇન્ટ ગગડ્યું, નિફ્ટીમાં ‘૧૭’ નીચે બંધ

16 March, 2023 03:16 PM IST | Mumbai
Anil Patel

બે નવા એસએમઈ આઇપીઓના લિસ્ટિંગમાં ૧૦થી ૧૪ ટકાનો ગેઇન મળ્યો : સન ફાર્માની સ્પાર્ક પાંચ ટકા ગગડીને નવી નીચી સપાટીએ, સ્વાન એનર્જીમાં સાડાબાર ટકાનું ગાબડું : આદિત્ય બિરલા સન લાઇફમાં સતત નવી ઑલટાઇમ બૉટમ, બંધન બૅન્કમાં નવો નીચો ભાવ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


સતત પાંચ દિવસની નબળાઈમાં સેન્સેક્સ ૨૭૯૨ પૉઇન્ટ અને માર્કેટ કૅપ ૧૦.૩૫ લાખ કરોડ રૂપિયા ડાઉન : અદાણીના ૧૦માંથી ૮ શૅર અને માર્કેટ કૅપ ૨૫,૫૭૧ કરોડ વધ્યા : રિલાયન્સમાં સળંગ ત્રીજા દિવસે નવો નીચો ભાવ, નેટવર્ક ટ્‍વિન્સમાંય નવr બૉટમ : બે નવા એસએમઈ આઇપીઓના લિસ્ટિંગમાં ૧૦થી ૧૪ ટકાનો ગેઇન મળ્યો : સન ફાર્માની સ્પાર્ક પાંચ ટકા ગગડીને નવી નીચી સપાટીએ, સ્વાન એનર્જીમાં સાડાબાર ટકાનું ગાબડું : આદિત્ય બિરલા સન લાઇફમાં સતત નવી ઑલટાઇમ બૉટમ, બંધન બૅન્કમાં નવો નીચો ભાવ

એસવીબીના ઉઠમણાથી શરૂ થયેલા પૅનિકમાં ચારેક દિવસની ખરાબી પછી બુધવારે તમામ અગ્રણી એશિયન બજારો વત્તે-ઓછે અંશે સુધારામાં બંધ આવ્યા છે. થાઇલૅન્ડ અઢી ટકા, હૉન્ગકૉન્ગ દોઢ ટકા, સિંગાપોર તથા સાઉથ કોરિયા સવા ટકો, ચાઇના અડધો ટકો પ્લસ હતા. આગલી રાતે અમેરિકન ડાઉ એક ટકાથી વધુ અને નૅસ્ડૅક બે ટકાથી વધુ બાઉન્સબૅક સાથે બંધ આવતાં એની સાનુકૂળ અસર જોવાઈ છે. યુરોપ જોકે સ્ટ્રૉન્ગ ઓપનિંગ બાદ રનિંગમાં સવાથી પોણાબે ટકાની રેન્જમાં નરમ દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ સવા ટકા જેવા સુધારામાં ૭૮ ડૉલર ઉપર મુકાતું હતું. એસવીબીના એપિસોડ વચ્ચે અમેરિકામાં ફુગાવો ધીમો પડતાં ફેડ દ્વારા વ્યાજદરમાં ઝડપી વધારાનો અવકાશ ઘટ્યો હોવાની ગણતરી પણ શૅરબજારોને સહાયક બની છે. 
ઘરઆંગણે ચાર દિવસની સળંગ નબળાઈમાં ૨૪૪૮ પૉઇન્ટના ધોવાણ પછી સેન્સેક્સ બુધવારે ૩૬૮ પૉઇન્ટના પૉઝિટિવ ઓપનિંગ બાદ છેલ્લે ૩૪૪ પૉઇન્ટ ઘટી ૫૭,૫૫૬ બંધ થયો છે.



નિફ્ટી ૭૧ પૉઇન્ટ ઘટીને ૧૬,૯૭૨ હતો. પ્રારંભિક સુધારામાં બજાર ઉપરમાં ૫૮,૪૭૩ વટાવી ગયું હતું. જોકે ત્યાર પછી ઘસાતું રહી નીચામાં ૫૭,૪૫૬ થયું છે. બન્ને બજારોનાં બહુમતી ઇન્ડાઇસિસ નરમ હતાં. નિફ્ટી મેટલ ૧.૮ ટકા તથા બીએસઈ મેટલ બેન્ચમાર્ક સવા ટકો, કન્ઝ્યુ. ડ્યુરેબલ્સ એક ટકો, કૅપિટલ ગુડ્સ ૦.૯ ટકો પ્લસ હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જ રહી છે. એનએસઈમાં ૮૬૯ શૅર વધ્યા તો સામે ૧૧૫૨ જાતો નરમ હતી. 


ગઈ કાલે બે એસએમઈ આઇપીઓનું લિસ્ટિંગ હતું. ઇન્દોર ખાતેની શૅરદીઠ ૯૦ના ભાવવાળી સિસ્ટેંગો ટેક્નૉલૉજીસ ૯૮ રૂપિયા ખૂલી ૫ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૩ નજીક જઈ ત્યાં જ બંધ રહેતાં અહીં ૧૪.૩ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે, જ્યારે જયપુરની વર્ટેક્સપ્લસ ટેક્નૉલૉજીસ શૅરદીઠ ૯૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦૧ ખૂલી ઉપલી સર્કિટે ૧૦૬ થઈ ત્યાં જ બંધ થતાં ૧૦.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. 

રિલાયન્સમાં બૉટમની હૅટ-ટ્રિક, અદાણીના ૧૦માંથી ૮ સુધર્યા 


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૮ અને નિફ્ટીના ૫૦માંથી ૨૧ શૅર સુધર્યા છે. એશિયન પેઇન્ટ્સ ક્રૂડની નરમાઈ પાછળ ઉપરમાં ૨૮૬૫ બતાવી ૩ ટકા ઊંચકાઈ ૨૮૨૮ બંધ આવ્યો છે. તાતા સ્ટીલ બે ટકા, ટાઇટન ૧.૮ ટકા, પાવર ગ્રીડ ૧.૪ ટકા તથા લાર્સન દોઢ ટકા અપ હતા. સામે ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૯ ટકા, નેસ્લે ૧.૨ ટકા, હિન્દુ. યુનિલીવર દોઢ ટકા, ભારતી ઍરટેલ ૧.૮ ટકા, એચડીએફસી બૅન્ક દોઢ ટકો ડાઉન હતા. રિલાયન્સ નવા ઐતિહાસિક બૉટમની હૅટ-ટ્રિક મારીને નીચામાં ૨૨૨૮ થઈ ૧.૭ ટકા ઘટી ૨૨૩૭ બંધ આવ્યો છે. ચાલુ વર્ષમાં આ કાઉન્ટર ૧૧.૮ ટકા જેવું ગગડ્યું છે. 

આગલા દિવસે ૧૦માંથી ૧૦ શૅરના ધબડકા બાદ અદાણી ગ્રુપના ગઈ કાલે ૮ શૅર સુધારામાં હતા. અદાણી એન્ટર ૫.૮ ટકાના બાઉન્સબૅકમાં ૧૮૩૯ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. અદાણી પોર્ટ્સ ૩.૮ ટકા વધી ૬૭૯ હતો. અદાણી પાવર સવા ટકો ઘટીને ૨૦૨, અદાણી ટ્રાન્સ ૩.૩ ટકા ઊંચકાઈ ૯૩૧, અદાણી ગ્રીન ૪.૯ ટકા વધી ૭૪૧, અદાણી ટોટલ ત્રણ ટકા ઘટી ૯૧૯, અદાણી વિલ્મર ૩.૧ ટકા વધી ૪૨૭, એસીસી નજીવો વધીને ૧૭૪૦, અંબુજા સિમેન્ટ ૩.૩ ટકા વધી ૩૬૫ તથા એનડીટીવી ૦.૯ ટકા વધી ૨૧૩ બંધ થયાં છે. ગઈ કાલે ગ્રુપનું માર્કેટ કૅપ ૨૫,૫૭૧ કરોડ રૂપિયા વધ્યું છે. 

રોકડામાં કોપરાન ૭.૭ ટકાની તેજીમાં ૧૦૯ થયો છે. કેપીઆઇટી ટેક્નૉ. ૮.૮ ટકા વધી ૮૪૫ હતો. રેલવેને ૨૦ વર્ષમાં ૧૫ લાખ નંગથી વધુ ફોજર્ડ વ્હીલ્સ સપ્લાય કરવાના મામલે રામક્રિશ્ના ફોર્જિંગ્સ લોએસ્ટ બિડર તરીકે બહાર આવતાં ભાવ ૨૯૧ના નવા શિખરે જઈને છ ટકાની મજબૂતીમાં ૨૮૧ થયો છે. સ્વાન એનર્જી ૨૯૯ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૪૦ થઈ ૧૨.૬ ટકા લથડી ૨૪૪ બંધ રહી છે. ઓલેક્ટ્રા ગ્રીનટેક ૫ ટકા ખરડાઈને ૬૩૪ હતો. 

બૅન્ક નિફ્ટી ઉપલા મથાળેથી ૯૭૯ પૉઇન્ટ ખરડાયો 

બૅન્ક નિફ્ટી ૩૯,૯૧૪ના ઉપલા લેવલથી ગગડી ૩૮,૯૩૫ થઈ અંતે ૩૬૦ પૉઇન્ટ ઘટી ૩૯,૦૫૧ બંધ થયો છે. અત્રે ૧૨માંથી ૨ શૅર પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના ઘટાડામાં સવા ટકો નરમ હતો. બૅન્કિંગ ઉદ્યોગની ૩૭માંથી ૧૨ જાતો વધી છે. સીએસબી બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, સૂર્યોદય બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક બેથી સવાબે ટકા મજબૂત હતી, જ્યારે ઇન્ડ્સઇન્ડ બૅન્ક, એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક એકથી બે ટકો ઘટી છે. કોટક બૅન્ક એક ટકો પ્લસ હતી. સ્ટેટ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ અને અડધો ટકો નરમ છે. બંધન બૅન્ક ૨૦૪ના નવા બૉટમ બાદ સહેજ ઘટી ૨૦૬ હતી. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૬માંથી ૪૭ શૅરના સુધારા વચ્ચે પોણા ટકા જેવો ઘટ્યો છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ૪.૩ ટકા, આઇઆઇએફએલ ૧.૬ ટકા, પૉલિસી બાઝાર બે ટકા, એડ્લવીસ ૧.૮ ટકા પ્લસ હતા. સેન્ટ્રમ કૅપિટલ ૪ ટકા ગગડી ૨૦ હતો. નાહર કૅપિટલ ૪.૨ ટકા, રેલીગેર અઢી ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક ૨.૪ ટકા ઘટ્યા છે. આદિત્ય બિરલા સન લાઇફ નવા ઑલટાઇમ બૉટમનો સિલસિલો જારી રાખતાં ૩૫૪ થઈ ૩૫૬ના લેવલે જૈસે થે બંધ હતો. 

નિફ્ટી ફાર્મા આગલા દિવસે બે વર્ષના તળિયે ગયા પછી ગઈ કાલે ૦.૩ ટકા જેવો સુધર્યો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૬માંથી ૫૧ શૅરના સથવારે સાધારણ પ્લસ થયો છે. સ્માર્ક ૫.૫ ટકા ગગડી ૧૬૯ હતો. સિપ્લાની વિદેશી  સબસિડિયરીનું વેચાણ થતાં ભાવ પોણો ટકો વધી ૮૭૮ રહ્યો છે. સનફાર્મા અડધો ટકો નરમ હતી. ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં આરતી ડ્રગ્સ, ઍડ્વાન્સ્ડ એન્ઝિમ, કેપ્લીન પૉઇન્ટ, એરિસ લાઇફ, ઇપ્કા લૅબ, જ્યુબિલન્ટ ફાર્મા, કેબ્સ બાયો, નેક્ટર લાઇફ, પેનેસિયા બાયો, ફાઇઝર, સ્પાર્ક, વૉકહાર્ટ ઇત્યાદીમાં નવાં ઐતિહાસિક તળિયાં બન્યાં છે. 

ટીવી-૧૮ તથા નેટવર્ક-૧૮માં સતત નવી નીચી સપાટી બની 

નૅસ્ડૅક બે ટકા વધીને આવવા છતાં અહીં આઇટીમાં માનસ નબળું રહ્યું છે. આંક ૬૦માંથી ૪૧ શૅરના ઘટાડા વચ્ચે મામૂલી ઘટ્યો હતો. ફ્રન્ટલાઇનમાં વિપ્રો એક ટકો ઘટી ૩૭૬ થયો છે. લાટિમ ૦.૪ ટકા અપ હતો. ઇન્ફી, ટીસીએસ અને ટેક મહિન્દ્ર સાધારણ ઘટાડે બંધ આવ્યા છે. મોસ્ચીપ ૧૦ ટકાની તેજીમાં ૬૫ નજીક, કેપીઆઇટી ટેક્નૉ ૮.૮ ટકા ઊછળી ૮૪૫ તથા ન્યુક્લીઅસ ૩.૮ ટકા વધી ૫૬૬ બંધ હતા. બ્રાઇટકૉમ ૭.૨ ટકા, ૬૩ મૂન્સ ૩.૬ ટકા, નેલ્કો ૨.૭ ટકા, મેપમાય ઇન્ડિયા બે ટકા, સાઇબર ટેક ૩.૩ ટકા બગડ્યા છે. તાતા ટેલી, રેલટેલ, વિન્દય ટેલી જેવા શૅર અડધાથી ત્રણ ટકા વધ્યા છે. સામે ભારતી, રાઉટ મોબાઇલ, ઇન્ડ્સ ટાવર, વોડાફોન, ઓપ્ટિમસ ૧.૯થી ૪.૩ ટકા ડાઉન હતા. ટીવી-૧૮ પાંચ ટકા અને નેટવર્ક-૧૮ સવાચાર ટકાની ખરાબીમાં નવાં નીચાં તળિયે ગયાં છે. ઝી એન્ટર દોઢ ટકો, સનટીવી પોણો ટકો, જસ્ટ ડાયલ બે ટકા માઇનસ હતા. 

મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરના સુધારામાં એક ટકો વધ્યો છે. જેએસડબ્લ્યુ સ્ટીલ, સેઇલ, જિંદલ સ્ટીલ, નાલ્કો, તાતા સ્ટીલ એકથી બે ટકા મજબૂત હતા. કોલ ઇન્ડિયા અડધો ટકા ઘટ્યો છે. અદાણી એન્ટરના જોરમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૩ શૅરના સુધારે ૧.૮ ટકા પ્લસ થયો છે. લાર્સન દોઢ ટકો વધી ૨૧૭૬ બંધ થતાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૦.૯ ટકાથી વધુ સુધર્યો છે. આંક ૩૧૦ પૉઇન્ટ વધ્યો જેમાં લાર્સનનું પ્રદાન ૨૪૩ પૉઇન્ટનું હતું. જીએમઆર ઇન્ફ્રા ૪.૭ ટકા, ટીમકેન ઇન્ડિયા ત્રણ ટકા, એલ્જી ઇક્વિપ. ૧.૭ ટકા અપ હતા. 

પાવર અને યુટિલિટી શૅર ઝળક્યા, ચેન્નઈ પેટ્રો સાતેક ટકા અપ 

પાવર તથા યુટિલિટી ઇન્ડેક્સ એકથી સવા ટકો વધ્યા એમાં અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સ.નો નોંધપાત્ર ફાળો હતો. આ ઉપરાંત અત્રે કેપીગ્રીન, વારિ રિન્યુએબલ, ટૉરન્ટ પાવર, એનએચપીસી, જેએસડબ્લ્યુ એનર્જી, રિલાયન્સ ઇન્ફ્રા, પાવર ગ્રીડ, સિમેન્સ જેવી જાતો એકથી સાડાત્રણ ટકા વધીને સહભાગી બની છે. એનર્જી બેન્ચમાર્કમાં ચેન્નઈ પેટ્રો ૬.૯ ટકાની તેજીમાં ૨૬૯ બંધ આપી વિશેષ ઝળક્યો હતો. ઑઇલ ઇન્ડિયા પોણાચાર ટકા, એમઆરપીએલ ૩.૭ ટકા, પેટ્રોનેટ ૩.૪ ટકા મજબૂત હતા. ઓએનજીસી અડધો ટકો નરમ પડ્યો છે. 

એફએમસીજી ઇન્ડેક્સ ૮૧માંથી ૫૧ શૅરના ઘટાડામાં અડધો ટકો માઇનસ થયો છે. અત્રે હિન્દુ. યુનિલીવર, નેસ્લે, બ્રિટાનિયા, આઇટીસી, તાતા કન્ઝ્યુમર્સ, ડાબર, ગોદરેજ કન્ઝ્યુમર્સ, યુનાઇટેડ સ્પિરીટ્સ જેવી ચલણી જાતો નરમ હતી. ઑટો બેન્ચમાર્ક પણ અડધા ટકો જેવો ઘટ્યો છે. અત્રે ટીવીએસ મોટર્સ ૧.૪ ટકા, તાતા મોટર્સ સવા ટકો, બજાજ ઑટો અને મારુતિ અડધો ટકો ડાઉન હતા. મહિન્દ્ર, હીરો મોટોકૉર્પ તથા આઇશર લગભગ ફ્લૅટ રહ્યા છે. અશોક લેલૅન્ડ સાધારણ ઘટી ૧૩૮ હતો. 

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2023 03:16 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK