Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એસવીબીના ઉઠમણામાં યુરોપ વધુ ખરડાતાં ઘરઆંગણે બજારમાં ૮૯૭ પૉઇન્ટનો ધબડકો

એસવીબીના ઉઠમણામાં યુરોપ વધુ ખરડાતાં ઘરઆંગણે બજારમાં ૮૯૭ પૉઇન્ટનો ધબડકો

14 March, 2023 02:59 PM IST | Mumbai
Anil Patel

એસવીબીમાં ફસાતાં નજારા ટેક્નૉ નવા તળિયે ગયો, ફ્રન્ટલાઇન બૅન્ક શૅરની ખરાબી સેન્સેક્સને ૩૫૬ પૉઇન્ટ નડી : રિઝર્વ બૅન્ક દ્વારા મૅનેજિંગ ડિરેક્ટરના હોદ્દાની મુદત ટૂંકાવી દેવાતાં ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક સાડાસાત ટકા તૂટ્યો 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


રિલાયન્સ વર્ષના તળિયે ગયો, અદાણીના ૧૦માંથી ૪ શૅર તેજીની સર્કિટમાં જતાં માર્કેટ કૅપ સતત ૯મા દિવસે વધ્યું : ઇન્ફીના મોહિત જોશીની વિકેટ પાડી દેતાં ટેક મહિન્દ્ર સાતેક ટકા ઊછળ્યો : બજારનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી, માર્કેટ કૅપ ૪.૩૯ લાખ કરોડ રૂપિયા ડૂલ : એસવીબીમાં ફસાતાં નજારા ટેક્નૉ નવા તળિયે ગયો, ફ્રન્ટલાઇન બૅન્ક શૅરની ખરાબી સેન્સેક્સને ૩૫૬ પૉઇન્ટ નડી : રિઝર્વ બૅન્ક દ્વારા મૅનેજિંગ ડિરેક્ટરના હોદ્દાની મુદત ટૂંકાવી દેવાતાં ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક સાડાસાત ટકા તૂટ્યો 

લગભગ ચાર દાયકા જૂની અમેરિકન સિલિકૉન વૅલી બૅન્ક (એસવીબી) જ્યાં બુધવાર સુધી બધું બરાબર દેખાતું હતું અને ત્યાર પછી બે જ દિવસમાં અચ્યુતમ કેશવમ થઈ ગયું છે. વેન્ચર કૅપિટલિસ્ટ પીટર થીફૂ તરફથી બૅન્કમાંથી થાપણો ઉપાડી લેવા કહેવાયું અને પછી તો લોકોએ પડાપડી કરી એમાં અમેરિકાની ૧૬મા નંબરની મોટી બૅન્ક રીતસર કાચી પડી ગઈ. એસવીબી ફાઇનૅન્શિયલ ગ્રુપનો શૅર જે બુધવારે ૨૬૮ ડૉલર હતો એ સડસડાટ તૂટતો રહીને શુક્રવારના અંતે ૧૦૦ ડૉલરની એપ્રિલ ૧૬ પછીની બૉટમ બનાવી ૧૦૬ ડૉલર બંધ થયો છે. એસવીબીના ક્લાયન્ટ્સ અને થાપણદારોમાં હાઈ નેટવર્થવાળા, વેન્ચર કૅપિટલિસ્ટ, ટેક્નૉલૉજી કંપનીઓનું વિશેષ પ્રભુત્વ છે એટલે આના છાંટા વત્તે-ઓછે અંશે સમગ્ર વૈશ્વિક ફાઇનૅન્શિયલ સેક્ટર પર ઊડવાના છે. 



ભારત માટે ખાસ બહુ ચિંતા કરવા જેવું નથી. આપણને એની સીધી માઠી અસર થાય એવી શક્યતા દેખાતી નથી, પરંતુ પશ્ચિમી દેશો કે જ્યાં રિસેશનનાં પડઘમ વાગવા માડ્યાં છે ત્યાં એસવીબીનો આંચકો બેશક એક વધુ ખરાબ સમાચાર બને છે અને આના લીધે ત્યાંનું ફાઇનૅન્શિયલ માર્કેટ ડામાડોળ બને, મંદી વકરે તો એની ભારતના નાણાકીય સેક્ટર પર તેમ જ આર્થિક વિકાસદર પર આંશિક અસર અચૂક થઈ શકે છે. 


એસવીબીની મોંકાણમાં શુક્રવારે તમામ અગ્રણી એશિયન, યુરોપિયન શૅરબજારો ત્રણેક ટકા સુધી ખરડાયાં પછી અમેરિકન ડાઉ વધુ એક ટકો અને નૅસ્ડૅક પોણાબે ટકા ગગડીને બંધ રહ્યા હતા. આની સામે એશિયન બજારોએ નવા સપ્તાહનો આરંભ એકંદર સુધારા સાથે કર્યો છે. હૉન્ગકૉન્ગ બે ટકા, ચાઇના સવા ટકો તો સાઉથ કોરિયા પોણો ટકો વધીને સોમવારે બંધ થયાં છે, જ્યારે જૅપનીઝ નિક્કી એક ટકાથી વધુ તો સિંગાપોર દોઢેક ટકો નરમ હતા. યુરોપ આનાથી વિપરિત રનિંગમાં સવાબેથી ત્રણ ટકાની આસપાસ ખુવારી દર્શાવતું હતું. એની અસર અહીં પણ થઈ હતી. 

રિલાયન્સ વર્ષના તળિયે, ટેક મહિન્દ્ર સિવાય સેન્સેક્સમાં બધું જ લાલ


ઘરઆંગણે સેન્સેક્સ ૧૦૦ પૉઇન્ટ જેવા નબળા ઓપનિંગમાં ૫૯,૦૩૪ ખૂલ્યા પછી ગણતરીની મિનિટમાં ૪૭૮ પૉઇન્ટ ઊછળી ૫૯,૫૧૧ થઈ ગયો હતો. આ સુધારો પછી તરત ઘસાતો રહ્યો અને બજાર નીચામાં ૫૮,૦૯૪ થયું હતું. મતલબ કે ઉપલા મથાળેથી ૧૪૧૭ પૉઇન્ટની ખરાબી, શૅર આંક અંતે ૮૯૭ પૉઇન્ટ બગડી ૫૮,૨૩૮ તથા નિફ્ટી ૨૫૯ પૉઇન્ટ તૂટી ૧૭,૧૫૪ બંધ થયો છે. બન્ને બજારોનાં લગભગ તમામ સેક્ટોરલ માઇનસમાં ગયાં છે. સેન્સેક્સ નિફ્ટીના દોઢેક ટકો જેવી નબળાઈ સામે બૅન્ક નિફ્ટી ૨.૩ ટકા, નિફ્ટી મીડિયા અઢી ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ દોઢ ટકા, ઑટો બેન્ચમાર્ક બે ટકા, ટેલિકૉમ બે ટકા, ફાઇનૅન્સ ૧.૯ ટકા, સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨.૧ ટકા ખરડાયા હતા. અદાણીના શૅરોના જોરથી પાવર તથા યુટિલિટી ઇન્ડેક્સ નજીવા નરમ રહ્યા છે. માર્કેટ બ્રેડ્થમાં ભારે ખુવારી હતી. એનએસઈ ખાતે ૨૭૪ શૅર પ્લસ, સામે ૧૮૧૧ જાતો ઘટી છે. 

સેન્સેક્સના ૩૦માંથી એક અને નિફ્ટીના ૫૦માંથી ૪ શૅર જ ગઈ કાલે પ્લસ હતા. ટેક મહિન્દ્રમાં મોહિત જોશીની મૅનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થતાં શૅર પાંચ ગણા કામકાજે ઉપરમાં ૧૧૬૪ વટાવી ૬.૮ ટકા ઊછળી ૧૧૩૪ના બંધમાં બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. મોહિત જોશી બે દાયકાથી હાલમાં ઇન્ફોસિસ ખાતે પ્રેસિડન્ટના હોદ્દા પર છે. આ ઉપરાંત અપોલો હૉસ્પિટલ્સ અડધો ટકો વધી ૪૩૪૫ બંધ હતો. ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક નીચામાં ૧૦૫૬ થઈ ૭.૫ ટકા તૂટી ૧૦૬૦ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર હતી. અન્યમાં તાતા મોટર્સ, મહિન્દ્ર, ઇન્ફી, સ્ટેટ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, બજાજ ફીનસર્વ, લાર્સન, ટાઇટન, એસબીઆઇ લાઇફ, આઇશર, અલ્ટ્રાટેક જેવાં કાઉન્ટર્સ પોણાબેથી સવાત્રણ ટકા બગડ્યાં હતાં. રિલાયન્સ ૨૨૭૪ની વર્ષની બૉટમ બનાવી ૧.૭ ટકાની નરમાઈમાં ૨૨૮૫ બંધ આવ્યો છે. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૪.૩૯ લાખ કરોડ ગગડીને ૨૫૮.૫૬ લાખ કરોડ રહ્યું છે. 

બૅન્કિંગના ૩૭માંથી ૩૬ શૅર ડાઉન, કરૂર વૈશ્ય પોણો ટકો સુધર્યો 

બૅન્ક નિફ્ટી ઉપલા મથાળેથી ૧૨૩૫ પૉઇન્ટ ગગડી નીચામાં ૩૯,૪૫૫ થઈ છેલ્લે ૨.૩ ટકા કે ૯૨૧ પૉઇન્ટની ખરાબીમાં ૩૯,૫૬૫ બંધ આવ્યો છે. અત્રે ૧૨માંથી ૧૨ શૅર ડાઉન હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી પણ ૧૨માંથી ૧૨ શૅરના ઘટાડે ૨.૯ ટકા કટ થયો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૩૬ શૅર ગઈ કાલે લાલ થયા છે. ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક સાડાસાત ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૩ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક દોઢ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૮ ટકા, એચડીએફસી બૅન્ક સવા ટકા અને સ્ટેટ બૅન્ક ૩.૨ ટકા બગડતાં બજારને કુલ ૩૫૬ પૉઇન્ટનો માર પડ્યો છે. જેકે બૅન્ક, કર્ણાટકા બૅન્ક, ડીસીબી બૅન્ક, આરબીએલ બૅન્ક, તાલિમનાડુ મર્કેન્ટાઇલ, યસ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, એયુ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, પંજાબ સિંઘ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, આઇઓબી, યુકો બૅન્ક જેવી જાતો ત્રણથી સાડાછ ટકા ખુવાર થઈ છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૬માંથી કેવળ ૧૦ શૅરના સુધારા વચ્ચે ૧.૯ ટકા કપાયો છે. એપ્ટસ વૅલ્યુ દોઢ ટકા વધી ૨૫૪ હતો. બૅન્કિંગના ભારે પ્રેશરની સાથે અહીં મોનાર્ક, મેક્સ ફાઇનૅન્શિયલ, એડલવીસ, અરમાન ફાઇ, આદિત્ય બિરલા કૅપિટલ, લાર્સન ફાઇ., ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, દૌલત અલ્ગો, રેપ્કો હોમ, રેલીગેર, આઇએફસીઆઇ જેવાં કાઉન્ટર ચારથી સાત ટકા લથડ્યાં હતાં. એચડીએફસી એક ટકો તો બજાજ ફીનસર્વ અઢી ટકા માઇનસ હતા. બજાજ ફાઇ. સામાન્ય ઘટાડે ૫૮૬૦ રહી છે. એલઆઇસી સવાબે ટકાની ખરાબીમાં ૫૮૨ બંધ આવી છે. પેટીએમ બે ટકા, પૉલિસી બાઝાર બે ટકા, નાયકા ૧.૩ ટકા અને ઝોમૅટો ૩.૭ ટકા ડાઉન થયા છે. 

આ પણ વાંચો:  શૅરબજારમાં યુએસ ફેડનો ફફડાટ : આડેધડ તૂટતા સ્ટૉક્સથી ડરના ઝરૂરી હૈ...

આઇટી, ટેલિકૉમ અને ઑટોમાં ઑલરાઉન્ડ ભારે નબળાઈ 

આઇટી બેન્ચમાર્ક ૬૦માંથી ૫૫ શૅરના ઘટાડામાં ૩૫૯ પૉઇન્ટ કે સવા ટકો બગડ્યો છે. એસવીબી બૅન્કમાં નઝારા ટેક્નૉ.ની બે સબસિડિયરીઝના ૬૪ કરોડ રૂપિયા ફસાયા હોવાના અહેવાલમાં શૅર ૪૮૩ની ઑલટાઇમ બૉટમ બનાવી અડધા ટકાના ઘટાડે ૫૧૫ બંધ થયો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ ૨.૧ ટકા તૂટી ૧૪૪૧, ટીસીએસ દોઢ ટકા ઘટી ૩૨૮૨, એચસીએલ ટેક્નૉ ૧.૬ ટકા ઘટી ૧૦૯૯, વિપ્રો પોણો ટકો ઘટી ૩૮૬ બંધ હતા. બ્રાઇટકૉમ, સાસ્કેન, ૬૩ મૂન્સ, રામકો સિસ્ટમ્સ, બ્લૅક બૉક્સ, વકરાંગી, ઓરિયન-પ્રો, સુબેક્સ, કેલ્ટોન ટેક્નૉ, ડેટામેટિક્સ, એમ્ફિસિસ જેવી જાતો પોણાચારથી સાડાછ ટકા માઇનસ થઈ છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૭માંથી ૧૭ શૅરના ઘટાડે ૨.૧ ટકા કપાયો છે. તેજસનેટ ૬.૪ ટકા, તાતા ટેલી પાંચ ટકા, એમટીએનએલ ૪.૩ ટકા, વિન્દ્ય ટેલી ૩.૩ ટકા, વોડાફોન ૨.૭ ટકા, ભારતી એક ટકો, રેલટેલ ૩.૩ ટકા ડાઉન હતા. આઇટી તથા ટેલિકૉમના ભાર સાથે નેટવર્ક-૧૮, ઝી એન્ટર, ટીવી-૧૮ સારેગામા, સનટીવી, પીવીઆર જેવી જાતો દોઢથી પોણાપાંચ ટકા બગડતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ દોઢ ટકા ઘટ્યો છે. 

ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૫ શૅરના ઘટાડામાં બે ટકા કે ૫૮૭ પૉઇન્ટ તૂટ્યો છે. મારુતિ, બજાજ ઑટો, ટીવીએસ મોટર, હીરો મોટોકૉર્પ, આઇશર, અશોક લેલૅન્ડ અને તાતા મોટર્સ પોણાથી ત્રણ ટકા રિવર્સમાં ગયા છે. એમઆરએફ ૨.૩ ટકા કે ૧૯૪૫ રૂપિયા ગગડીને ૮૩,૧૮૦ થયો છે. ઑટો એન્સિલિયરી સેક્ટરના ૧૧૨ શૅરમાંથી માત્ર ૧૫ શૅર સુધર્યા છે. ઑટો એક્સેલ ૬.૬ ટકા ઊછળી ૨૪૭૯ બંધ રહ્યો છે. 

ખરાબ બજારમાં અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ ૭૪૩૪ કરોડ વધ્યું

એસ્ટ્રલ લિમિટેડ ત્રણ શૅરદીઠ એક બોનસમાં મંગળવારે એક્સ બોનસ થશે. ભાવ ગઈ કાલે દોઢ ટકા ઘટી ૧૮૭૫ બંધ થયો છે. ઓસિયા હાઇપર રીટેલ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ૪.૮ ટકા ઊછળી ૩૪ ઉપર બંધ આવ્યો છે. સોના કોમસ્ટારમાં અમેરિકન બ્લૅકસ્ટોન તરફથી ૪૦૦ની ફ્લોર પ્રાઇસ સાથે ૨૦ ટકા પ્લસનો સંપૂર્ણ હિસ્સો બ્લૉકડીલ મારફત ઑફ લોડ થતાં ભાવ સાતેક ટકી તૂટી ૪૦૬ બંધ થયો છે. મહિન્દ્ર સીઆઇઈ ઑટોમાં એક પ્રમોટર મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર દ્વારા ૩૫૫ જેવી ફ્લોર પ્રાઇસથી આ શૅર સાડાચાર ટકા માલ બ્લૉકડીલમાં વેચાવા આવતાં ભાવ ૮.૬ ટકાના ધબડકામાં ૩૫૯ બંધ રહ્યો છે. 

દરમ્યાન ગઈ કાલે અદાણી ગ્રુપના ૧૦માંથી ચાર શૅર પ્લસ હતા. અદાણી એન્ટર સવા ટકો ઘટીને ૧૮૭૪, અદાણી પોર્ટ્સ ૨.૪ ટકા ગગડીને ૬૮૧ તથા અદાણી વિલ્મર ચાર ટકા ઘટી ૪૩૫ બંધ હતી. એસીસી ૪.૨ ટકા તરડાઈને ૧૭૭૦ તથા અંબુજા સિમેન્ટ ૨.૮ ટકા ગગડીને ૩૬૮ હતો. જ્યારે એનડીટીવી પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૨૨૨ દેખાયો છે. સામે પાંચ-પાંચ ટકાની ઉપલી સર્કિટ સાથે અદાણી પાવર ૨૧૫, અદાણી ટ્રાન્સમિશન ૯૪૯, અદાણી ગ્રીન ૭૧૭ અને અદાણી ટોટલ ૯૯૮ નજીક બંધ આવ્યા છે. આ બધાની અસરમાં ગઈ કાલે અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ ૭૪૩૪ કરોડ રૂપિયા વધ્યું છે. આ સળંગ નવમા દિવસનો વધારો છે. આ સાથે નવ દિવસમાં ગ્રુપનું માર્કેટ કૅપ કુલ મળીને ૨.૦૪ લાખ કરોડ રૂપિયા વધીને હાલ ૯.૩૭ લાખ કરોડ રૂપિયે આવી ગયું છે.

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2023 02:59 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK