Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર સતત ચોથા દિવસે ડાઉન, સેન્સેક્સ ૫૮,૦૦૦ નીચે બંધ, નિફ્ટીમાં ૧૭નું લેવલ ગયું

શૅરબજાર સતત ચોથા દિવસે ડાઉન, સેન્સેક્સ ૫૮,૦૦૦ નીચે બંધ, નિફ્ટીમાં ૧૭નું લેવલ ગયું

15 March, 2023 04:25 PM IST | Mumbai
Anil Patel

બૅન્કિંગના ૩૭માંથી ૩૦ શૅર ઘટ્યા, બંધન બૅન્ક તથા તામિલનાડુ મર્કે.માં ઐતિહાસિક બૉટમ : સેન્સેક્સ ૪ દિવસમાં ૨૪૪૮ પૉઇન્ટ ડાઉન, માર્કેટ કૅપમાં કુલ ૯.૮૬ લાખ કરોડનો ફટકો 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


અદાણીમાં સુધારાનો ગરબો નવ દિવસ પછી ઘરે આવ્યો, માર્કેટ કૅપ ૪૪,૩૧૫ કરોડ ગગડ્યું : રિલાયન્સ સતત બીજા દિવસે વર્ષના નવા તળિયે, દિવગી ટોર્ક મામૂલી લિસ્ટિંગ ગેઇન સાથે બંધ : નિફ્ટી ફાર્મા બે વર્ષના તળિયે, હેલ્થકૅરના સંખ્યાબંધ શૅરોમાં નવા નીચા ભાવ : બૅન્કિંગના ૩૭માંથી ૩૦ શૅર ઘટ્યા, બંધન બૅન્ક તથા તામિલનાડુ મર્કે.માં ઐતિહાસિક બૉટમ : સેન્સેક્સ ૪ દિવસમાં ૨૪૪૮ પૉઇન્ટ ડાઉન, માર્કેટ કૅપમાં કુલ ૯.૮૬ લાખ કરોડનો ફટકો 

સિલિકૉન વૅલી બૅન્ક (એસવીબી)નું ઉઠમણું તાજું જ છે ત્યાં અમેરિકા ખાતે સિગ્નેચર બૅન્ક પણ એસવીબીની પૅટર્નમાં કાચી પડવાના અહેવાલ આવ્યા છે. આ ઉપરાંત અન્ય નાની બૅન્ક સિલ્વરગેટ કૅપિટલ કૉર્પો. પણ વાઇન્ડ-અપ થવાના સમાચાર છે. મતલબ કે ઉઠમણાંનો સિલસિલો શરૂ થયો છે. કેટલો ચાલશે એની ખબર નથી. એક અન્ય અહેવાલ પ્રમાણે એસવીબી કાચી પડતાં બૅન્કિંગ અને ફાઇનૅન્સના શૅરોમાં વિશ્વસ્તરે ભારે વેચવાલી ઊપડી છે, જેમાં એમએસસીઆઇના વૈશ્વિક તેમ જ ઇમર્જિંગ માર્કેટ સંબંધી ફાઇનૅન્શિયલ ઇન્ડેક્સનું માર્કેટ કૅપ ત્રણ જ દિવસમાં ૪૬૫ અબજ ડૉલર એટલે કે ૩૮.૪૦ લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયું છે અને આ આંકડો સોમવાર સુધીનો જ છે. મંગળવારે તમામ અગ્રણી એશિયન બજારો માઇનસમાં બંધ રહ્યાં છે. સાઉથ કોરિયા અઢી ટકા, જૅપનીઝ નિક્કી સવાબે ટકા, હૉન્ગકૉન્ગ ૨.૩ ટકા, ઇન્ડોનેશિયા ૨.૨ ટકા, તાઇવાન સવા ટકો, થાઇલૅન્ડ ૩.૨ ટકા, ચાઇના પોણો ટકો ડાઉન થયા છે. યુરોપ અઢીથી સવાત્રણ ટકાની આગલા દિવસની ખરાબી બાદ રનિંગમાં ગઈ કાલે નેગેટિવ બાયસમાં ફ્લૅટ હતું. દરમ્યાન મૂડીઝ તરફથી અડધો ડઝન જેટલી અમેરિકન બૅન્કોને રિવ્યુ હેઠળ મૂકવામાં આવી હોવાના સમાચાર છે. આ બધા ઉત્પાતની આડઅસરમાં બ્રેન્ટ ક્રૂડ ઘટીને બેરલ દીઠ ૮૦ ડૉલરે આવી ગયું છે. ઘરઆંગણે ફેબ્રુઆરી માસનો ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવો ૬.૪૪ ટકા આવ્યા પછી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની રીતે ફુગાવાનો દર ૩.૮૫ ટકા નોંધાયો છે, જે જાન્યુઆરી ૨૧ પછીની નીચી સપાટી કહી શકાય. શૅરબજાર નરમાઈની હૅટ-ટ્રિકમાં ૨૧૧૦ પૉઇન્ટ બગડ્યા પછી મંગળવારે વધુ ૩૩૮ પૉઇન્ટ ઘટીને ૫૭,૯૦૦ બંધ થયું છે. દિવસ દરમ્યાન સેન્સેક્સ ઉપરમાં ૫૮,૪૯૧ અને નીચામાં ૫૭,૭૨૧ થયો હતો. નિફ્ટી ૧૧૧ પૉઇન્ટ ઘટીને ૧૭,૦૪૩ રહ્યો છે. બન્ને બજારોના લગભગ તમામ બેન્ચમાર્ક માઇનસ ઝોનમાં હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૯ ટકા, આઇટી ઇન્ડેક્સ દોઢ ટકા, પાવર યુટિલિટી ઇન્ડેક્સ સવા ટકો, રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો ઢીલા હતા. નિફ્ટી મેટલ સવા ટકો તો નિફ્ટી આઇટી ૧.૭ ટકા ખરડાયો છે. માર્કેટ બ્રેડ્થ ખરડાયેલી હતી. એનએસઈમાં વધેલા ૫૮૨ શૅરની સામે ૧૪૭૩ જાતો ઘટીને બંધ થઈ છે. 


રિલાયન્સમાં વર્ષની વધુ એક બૉટમ, મહિન્દ્ર ટૉપ લૂઝર બન્યો 

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૭ અને નિફ્ટીના ૫૦માંથી ૧૨ શૅર સુધર્યા છે. સેન્સેક્સ ખાતે ભારતી ઍરટેલ પોણો ટકો, ટાઇટન ૧.૨ ટકા, લાર્સન ૦.૭ ટકા પ્લસ હતા. નિફ્ટીમાં ભારત પેટ્રો ૧.૧ ટકા વધી ૩૨૬ હતો. અદાણી એન્ટર ૭.૩ ટકા ગગડી અત્રે ટૉપ લૂઝર બન્યો છે. અદાણી પોર્ટ્સ ૩.૯ ટકા ખરડાઈ ૬૫૪ના બંધમાં સેકન્ડ વર્સ્ટ પર્ફોર્મર હતો. સેન્સેક્સમાં મહિન્દ્ર ૨.૯ ટકા, ટીસીએસ બે ટકા, બજાજ ફાઇ. ૧.૯ ટકા ડાઉન હતા. રિલાયન્સ ૨૨૬૯ની વર્ષની નવી નીચી સપાટી નોંધાવી સાધારણ ઘટી ૨૨૭૬ રહ્યો છે. 


૨૦૨૩ના વર્ષનો પ્રથમ મેઇન બોર્ડનો ઇશ્યુ દિવગી ટોર્ક ટ્રાન્સફર ૫૯૦ની ઇશ્યુ પ્રાઇસ સામે બીએસઈમાં ૬૦૦ ખૂલી ઉપરમાં ૬૧૬ અને નીચામાં ૫૫૭ બતાવી અઢી ટકા જેવા મામૂલી લિસ્ટિંગ ગેઇનમાં ૬૦૫ બંધ થયો છે. રોકડામાં એકસ્પ્રો ઇન્ડિયા ૧૮.૭ ટકા કે ૧૦૨ રૂપિયાની તેજીમાં ૬૪૮ હતો. ક્લીચડ્રગ્સ ૧૨૧ના તળિયે જઈ ૧૫.૮ ટકાના બાઉન્સબૅકમાં ૧૪૮ થયો છે. પીએનબી હાઉસિંગ ૯.૨ ટકાના કડાકામાં ૫૨૯ બંધ આપીને ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર થયો છે. હિટાચી એનર્જી ૬.૩ ટકા કે ૨૧૭ રૂપિયા ખરડાઈ ૩૨૬૨ હતો. લિન્ડે ઇન્ડિયા પણ ૨૨૪ રૂપિયા કે ૫.૮ ટકા તૂટી ૩૬૬૧ થયો છે.  

ઇન્ડિયન બૅન્ક સવાઆઠ ટકા તો પીએનબી હાઉ. સવાનવ ટકા ડાઉન 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી પાંચ શૅરના સુધારે ૧૫૩ પૉઇન્ટ કે ૦.૪ ટકા ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની નરમાઈમાં ૧.૯ ટકા માઇનસ હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૭માંથી ૩૦ શૅર ઘટ્યા છે. ઇન્ડિયન બૅન્ક ૮.૩ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૫.૭ ટકા, યુનિયન બૅન્ક ૪.૪ ટકા, જેકે બૅન્ક ૪.૪ ટકા, બંધન બૅન્ક ૫.૨ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૩.૯ ટકા, આઇઓબી ૩.૧ ટકા કટ થયા છે. બંધન બૅન્કમાં ૨૦૫નું નવું બૉટમ દેખાયું છે. ફ્રન્ટલાઇનમાં સ્ટેટ બૅન્ક,  કોટક બૅન્ક, એચડીએફસી બૅન્ક દોઢ ટકા સુધી ડાઉન હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૪ ટકા વધી ૮૩૦ રહી છે. ઍક્સિસ બૅન્ક સાધારણ સુધરી હતી. ફીનો બૅન્ક સાડાચાર ટકા મજબૂત હતી. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૬માંથી ૧૦૪ શૅરના ઘટાડે અડધો ટકો નરમ હતો. મહિન્દ્ર ફાઇ. બે ટકા વધી ૨૪૩ થયો છે. પીએનબી હાઉસિંગ ૯.૨ ટકા, દૌલત અલ્ગો પાંચ ટકા, મોનાર્ક ૪.૯ ટકા ડાઉન હતા. મુથુટ ફાઇ, આદિત્ય બિરલા સન લાઇફ, દૌલત અલ્ગોટેક, જીઓજીત ફાઇ. એચડીએફસી લાઇફ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, આઇસીઆઇસીઆઇ પ્રુ, મોતીલાલ ઓસ્વાલ, પીએનબી ગિલ્ટ, સુમેધા ફિસ્કલ, તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક જેવા શૅરોમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. એલઆઇસી પોણો ટકો ઘટીને ૫૭૮ હતો. પૉલિસી બાઝાર સવાબે ટકા બગડ્યો છે. બીએસઈ લિમિટેડ સવા ટકો પ્લસ તો એમસીએક્સ નહીંવત નરમ બંધ આવ્યા છે. 

ફાર્મા નિફ્ટી બે વર્ષના તળિયે ગયો, સિપ્લા સહિત અનેક શૅરમાં બૉટમ

હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૬માંથી ૩૫ શૅરના સુધારા વચ્ચે નજીવો ઘટ્યો હતો, પરંતુ ગઈ કાલે સંખ્યાબંધ શૅરમાં નવા નીચા ભાવ દેખાયા છે. સિપ્લા ૮૪૩ની વર્ષની બૉટમ બાદ સહેજ ઘટી ૮૭૨, દીવીસ લૅબ ૨૭૩૦ના તળિયે જઈ નહીંવત ઘટી ૨૭૬૧, બાયોકૉન ૨૧૬ના નવા બૉટમ પછી સામાન્ય ઘટાડે ૨૧૮, એરિસ લાઇફ ૫૯૩ની નીચી સપાટી બાદ સવા ટકો ઘટી ૬૦૩ બંધ હતા. આ સિવાય આરતી ડ્રગ્સ, એસ્ટેક લાઇફ, ઇપ્કા લૅબ, જ્યુબિલન્ટ ફાર્મા, ક્લીચ ડ્રગ્સ, પિરામલ ફાર્મા, ફાઇઝર, કોપરાન, ક્રેબ્સ બાયો, ડૉ. લાલ પેથલૅબ્સ, લૌરસ લૅબ, લાયકા લૅબ્સ, વૉકહાર્ટ, પેનેસિયા બાયો, સુવેન લાઇફ, સિન્કોમ ફોર્મ્યુલેશન્સ, તત્ત્વ ચિંતન ઇત્યાદી પણ ઐતિહાસિક તળિયે ગયાં છે. મેડીકો રેમેડિઝ ૩૯૯ની નવી ટૉપ બનાવી ૨.૮ ટકા ઘટી ૩૭૫ હતી. ગ્લૅન્ડ ફાર્મા અઢી ટકા, ઇન્ડોકો રેમેડિઝ ૪.૯ ટકા, ફર્મેન્ટા ૩.૩ ટકા, સિકવન્ટ સાયન્ટિફિક પાંચ ટકા પ્લસ હતા. પ્રોક્ટર ગેમ્બલ હેલ્થકૅર ૩.૭ ટકા કે ૧૮૬ રૂપિયા લથડી ૪૮૯૧ હતો. કોપરાનમાં ૩.૭ ટકાનો ઘટાડો થયો છે. વૉકહાર્ટ, વિનસ રેમેડિઝ, સસ્તા સુંદર, હાઇકલ, ટારસન્સ, પેનેસિયા બાયો, અનુહ ફાર્મા, યુનિકેમ લૅબ, લિંકન ફાર્મા ૨.૮થી ૪.૨ ટકા ડાઉન હતા. સન ફાર્મા સાધારણ વધી ૯૫૮ તો ડૉ. રેડ્ડીઝ લૅબ પોણો ટકો નરમ હતો. નિફ્ટી ફાર્મા ૧૧,૫૪૨ની બે વર્ષની નીચી સપાટીએ ગયો છે. 

આઇટીમાં નરમાઈ આગળ વધી, સોનાટા સૉફ્ટવેર નવી ટોચે 

આઇટી બેન્ચમાર્ક ૬૦માંથી ૪૯ શૅરના ઘટાડે દોઢ ટકો કે ૪૨૨ પૉઇન્ટ કપાયો છે. ઇન્ફોસિસ એક ટકો ઘટી ૧૪૨૧, ટીસીએસ બે ટકા ઘટી ૩૨૧૭, આગલા દિવસે સાતેક ટકા ઉછળેલો ટેક મહિન્દ્ર દોઢ ટકાની પીછેહઠમાં ૧૧૧૫, વિપ્રો પોણાબે ટકા ગગડીને ૩૭૯, એચસીએલ ટેક્નૉ સવા ટકો ખરડાઈ ૧૦૮૪ તો લાટિમ ૦.૯ ટકા ઘટી ૪૫૭૪ બંધ હતા. બ્રાઇટકૉમ ૫.૬ ટકા વધીને ૨૧ હતો. સોનાટા સૉફ્ટવેર ૮૪૫ના નવા શિખરે જઈને ચાર ટકાની મજબૂતીમાં ૮૩૧ થયો છે. એમ્ફાસિસ, વકરાંગી, ૬૩ મૂન્સ, કેલ્ટોન ટેક્નૉ, સાયબર ટેક, ઇન્ટલેક્ટ ડિઝાઇન, સુબેક્સ, કોફોર્જ, બ્લૅક બૉક્સ, ન્યુક્લીઅસ બેથી પાંચ ટકા બગડ્યા હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૭માંથી ૧૩ શૅરના ઘટાડે સહેજ નરમ હતો. ભારતી ઍરટેલ પોણો ટકો વધી ૭૭૨ રહ્યો છે. ઇન્ડ્સ ટાવર, તાતા ટેલી, એચએફસીએલ, તેજસનેટ, આઇટીઆઇ અડધાથી સવા ટકો તો ઑન મોબાઇલ અઢી ટકા માઇનસ થયો છે. આઇટી તથા ટેલિકૉમની સાથે નેટવર્ક-૧૮, ટીવી-૧૮, જસ્ટ ડાયલ સવાથી ૩.૨ ટકા ઘટ્યા છે. ઝી એન્ટર સવાબે ટકા વધી ૧૯૨ હતો. પીવીઆર ૨.૨ ટકા સુધર્યો છે. ઑટો ઇન્ડેક્સ એક ટકો કે ૨૮૪ પૉઇન્ટ માઇનસ હતો. મહિન્દ્ર ૨.૯ ટકા ગગડી ૧૧૬૦ થયો છે. તાતા મોટર્સ તથા અશોક લેલૅન્ડ સવા-દોઢ ટકો, બજાજ ઑટો અને આઇશર પોણો ટકો, હીરો મોટોકૉર્પ ૦.૪ ટકા ઘટ્યા છે. મારુતિ નજીવા ઘટાડે ૮૫૦૮ રહ્યો છે. સોના કોમસ્ટાર ૬.૨ ટકા બાઉન્સબૅક થઈને ૪૩૧ તથા મહિન્દ્ર સીઆઇઈ ઑટો ૩.૨ ટકા વધી ૩૭૧ બંધ આવ્યો છે. 

અદાણીના દસેદસ શૅર ડાઉન, નવ દિવસ બાદ માર્કેટ કૅપ ઘટ્યું

અદાણી ગ્રુપના ૧૦માંથી ૧૦ શૅરને મંગળવાર નડ્યો છે. અદાણી એન્ટર ૭.૩ ટકા તૂટી ૧૭૩૮, અદાણી પોર્ટ્સ ૩.૯ ટકા ગગડી ૬૫૪, એસીસી ૧.૮ ટકા ઘટી ૧૭૩૮ તથા અંબુજા સિમેન્ટ ચાર ટકા ઘટી ૩૫૩ બંધ હતી, જ્યારે પાંચ-પાંચ ટકાની મંદીની સર્કિટમાં એનડીટીવી ૨૧૧, અદાણી પાવર ૨૦૫, અદાણી ટ્રાન્સ ૯૦૧, અદાણી ટોટલ ૯૪૮ અને અદાણી વિલ્મર ૪૧૪ બંધ હતા. અદાણી ગ્રીન દોઢ ટકો ઘટી ૭૦૬ રહ્યો છે. આના પગલે ગઈ કાલે અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં ૪૪,૩૧૫ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ અગાઉ સતત નવ દિવસના સુધારામાં ગ્રુપનું માર્કેટ કૅપ કુલ મળીને ૨.૦૪ લાખ કરોડ રૂપિયા વધ્યું હતું. હવે આ આંકડો ઘટીને ૧.૬૦ લાખ કરોડ રહે છે. 

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2023 04:25 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK