Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > મજેદાર શરૂઆત બાદ બજાર માંડ-માંડ પ્લસમાં બંધ, પરંતુ નવાં શિખર જારી

મજેદાર શરૂઆત બાદ બજાર માંડ-માંડ પ્લસમાં બંધ, પરંતુ નવાં શિખર જારી

Published : 30 July, 2024 07:10 AM | IST | Mumbai
Anil Patel

ચાલુ સપ્તાહે ૪ દિવસમાં કુલ ૧૨ આઇપીઓ ખૂલશે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ચાર વર્ષમાં કુલ ૪૦૪૦ કરોડની ખોટ કરનારી ઓલા ઇલેક્ટ્રિકનો બીજી ઑગસ્ટે ૬૧૪૫ કરોડનો ઇશ્યુ આવશે, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટીને ૧૧ રૂપિયા : ચાલુ સપ્તાહે ૪ દિવસમાં કુલ ૧૨ આઇપીઓ ખૂલશે : ટ્રમ્પનાં ઓવારણાંની અસરમાં બિટકૉઇન ૭૦,૦૦૦ ડૉલર થવાની તૈયારીમાં : માથે પરિણામ વચ્ચે ડિવીઝ લૅબ ૩૩ મહિનાના શિખરે : રેલવે તેમ જ શિપબિલ્ડિંગ શૅરોમાં તેજીનો નવો દાવ : રિઝલ્ટના જોરમાં વડોદરાની વૉલ્ટેમ્પમાં ૧૯૮૧ રૂપિયાની તેજી : શૅરવિભાજન નજીક આવતાં અજય દેવગનનો પૅનોરમા સ્ટુડિયો તગડા ઉછાળે નવા શિખરે : ટૅક્સની નોટિસ મળી ને કોલગેટ ઑલટાઇમ હાઈ થયો

શૅરબજારે નોંધપાત્ર મજબૂતી સાથે શરૂઆત કરી છેવટે સાવ સપાટ બંધ આપી નવા સપ્તાહનો આરંભ કર્યો છે. જોકે નવા શિખરનું સર્જન ચાલુ રાખ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી અઢીસો પૉઇન્ટ જેવો પ્લસમાં, ૮૧,૬૮૦ નજીક ખૂલી ૮૧,૯૦૮ની વિક્રમી સપાટીએ ગયો ત્યારે ૮૨,૦૦૦નું લેવલ હાથવેંત દેખાતું હતું, પરંતુ માર્કેટ ત્યાંથી પાછું પડી નીચામાં ૮૧,૧૩૬ બતાવી અંતે ૨૩ પૉઇન્ટના નજીવા સુધારે ૮૧,૩૫૬ નજીકની નવી ટોચે બંધ થયું છે. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૨૫,૦૦૦ની એકદમ લગોલગ જઈ છેવટે સવા પૉઇન્ટના નામપૂરતા સુધારે ૨૪,૮૩૬ થયો છે, જે તેનું બેસ્ટ લેવલ છે. બજારનું માર્કેટકૅપ ત્રણ લાખ કરોડના ઉમેરામાં ૪૫૯.૯૨ લાખ કરોડની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. રોકડું અને બ્રૉડર માર્કેટ પોણાથી સવા ટકા જેવું મજબૂત બંધ થતાં માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ હતી. NSEમાં વધેલા ૧૩૭૦ શૅરની સામે ૧૦૨૭ જાતો નરમ રહી છે. FMCG, આઇટી, ટેક્નૉલૉજીઝ, ફાઇનૅન્સ, ટેલિકૉમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, નિફ્ટી ફાર્મા, હેલ્થકૅર જેવા જૂજ બેન્ચમાર્ક ઘટ્યા છે, પણ ઘટાડો બહુધા અડધા ટકાની આસપાસ સીમિત હતો. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી સવાબે ટકા, નિફ્ટી મીડિયા પોણાબે ટકા, કૅપિટલ ગુડ્સ પોણાત્રણ ટકા, રિયલ્ટી દોઢ ટકા, ઑઇલ-ગૅસ સવા ટકો, એનર્જી ઇન્ડેક્સ એક ટકો ઊંચકાયો છે.



તમામ અગ્રણી એશિયન બજારો સુધર્યાં છે. જૅપનીઝ નિક્કી બે ટકા, હૉન્ગકૉન્ગ અને સાઉથ કોરિયા સવા ટકો, સિંગાપોર અડધો ટકો અપ હતું. થાઇલૅન્ડમાં રજા હતી. યુરોપ રનિંગમાં બહુધા અડધા ટકા નજીક પ્લસ હતું. લંડન ફુત્સી એક ટકો ઉપર ચાલતો હતો. ડોનલ્ડ ટ્રમ્પ તરફથી ક્રિપ્ટો કરન્સીની જે રીતે આરતી ઉતારવામાં આવી છે એના પગલે બિટકૉઇન બે ટકા વધી ૭૦,૦૦૦ ડૉલર ભણી ધસતાં ૬ સપ્તાહની ટોચે આવી ગયો છે. ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ ત્રણેક ટકા વધી ૨.૪ લાખ કરોડ ડૉલર વટાવી ગયું છે.


લાર્સન સેન્સેક્સને ૧૦૪ અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૬૬૬ પૉઇન્ટ ફળ્યો

ડિવીઝ લૅબનાં પરિણામ તો પાંચમી ઑગસ્ટે છે, પણ શૅર તેજીની ચાલમાં ૪૯૫૧ની ઑક્ટોબર ૨૦૨૧ પછીની ટૉપ બનાવી ૨.૮ ટકા વધી ૪૯૨૪ના બંધમાં નિફ્ટી ખાતે મોખરે હતો. લાર્સનમાં પરિણામના પગલે ૪૧૭૯ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આવતાં શૅર ઉપરમાં ૩૭૯૦ નજીક જઈ ૨.૮ ટકાની આગેકૂચમાં ૩૭૭૪ થયો છે. લાર્સનની મજબૂતી સાથે માઝગાવ ડૉક ૧૦ ટકા, કીનેસ ટેક્નૉલૉજીઝ ૭.૮ ટકા, રેલવિકાસ નિગમ ૯.૮ ટકા, NBCC લિમિટેડ ૭.૫ ટકા, ગ્રાઇન્ડવેલ નોર્ટન ૫.૪ ટકા, સુઝલોન પાંચ ટકા, ટીટાગઢ રેલ પાંચેક ટકા, AIA એન્જિનિયરિંગ ૪.૪ ટકા, ટીમકેન ચાર ટકા, ભારત ઇલે. ૩.૭ ટકા ઊછળતાં કૅપિટલ ગુડ્સ ૨.૭ ટકા કે ૨૦૦૭ પૉઇન્ટની તેજીમાં બંધ આવ્યો છે. એના ૩૨માંથી ૨૪ શૅર પ્લસ હતા. રિલાયન્સ પોણા ટકાના સુધારે ૩૦૪૧ હતો. ભારત પેટ્રો ૨.૮ ટકા વધ્યો છે.


ટાઇટન ૨.૪ ટકાના ઘટાડામાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. ભારતી ઍરટેલ, ટેક મહિન્દ્ર, આઇટીસી, હીરો મોટોકૉર્પ, તાતા કન્ઝ્યુમર, કોટક બૅન્ક, સિપ્લા ઇત્યાદી એકથી સવાબે ટકા નરમ હતા. વૉલ્ટેમ્પ ટ્રાન્સફૉર્મર્સ પરિણામના જોરમાં ૧૨,૨૩૦ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૪,૬૦૦ના બેસ્ટ લેવલે જઈ ૧૬.૨ ટકા કે ૧૯૮૧ રૂપિયાની છલાંગમાં ૧૪,૨૦૪ થયો છે. ઇરકોન ૮.૮ ટકા ઊંચકાઈ ૨૯૯ હતો. રેલટેલમાં ૫.૧ ટકાની મજબૂતી હતી. ગાર્ડન રિચ તથા કોચીન શિપયાર્ડમાં ૫-૫ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.

સર ટેલિવેન્ચર્સ શૅરદીઠ ૨૧૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ૮ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૨૨૫ ખૂલી ૨૩૨ બંધ થતાં એમાં માંડ પોણા ટકાનું રિટર્ન મળ્યું છે, જ્યારે નવી દિલ્હીની RNFI સર્વિસિસ શૅરદીઠ ૧૦૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૮૯ના પ્રીમિયમ સામે ૧૯૯ ખૂલી ૧૮૯ બંધ રહેતાં એમાં ૮૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ગાઝિયાબાદની વીવીઆઇપી ઇન્ફ્રાટેક તથા અમદાવાદી વી.એલ. ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનાં SME ભરણાં મંગળવારે લિસ્ટેડ થવાનાં છે. વીવીઆઇપીમાં ૧૨૨ રૂપિયા તો વી.એલ. ઇન્ફ્રામાં ૬૨નું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં બોલાય છે. વોન્ડરલા હૉલિડેઝ પરિણામ પાછળ તૂટીને ૮૫૩ થઈ પાંચ ટકા ગગડી ૮૮૫ બંધ હતો.

સપ્તાહમાં ૧૨ ભરણાં, જેમાંથી છ ઇશ્યુ આજે ખૂલશે

ચાલુ નવા સપ્તાહે મેઇન બોર્ડમાં ત્રણ સહિત કુલ ૧૨ નવા ઇશ્યુ ખૂલવાના છે, જેમાંથી અડધો ડઝન ભરણાં તો મંગળવારે ખૂલે છે. મેઇન બોર્ડમાં દિલ્હીની ખોટ કરતી એકુમ્સ ડ્રગ્સ બેના શૅરદીઠ ૬૭૯ની અપર બૅન્ડમાં આશરે ૧૮૫૭ કરોડનો આઇપીઓ આજે, મંગળવારે કરશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૯૫ જેવું છે. ૫ SME ઇશ્યુ આજે ખૂલ છે. જયપુરની કીઝી અપેરલ્સ ૧૦ના શૅરદીઠ ૨૧ના ભાવથી ૫૫૮ લાખનો, અમદાવાદી આશાપુરા લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૧૪૪ની અપર બૅન્ડમાં ૫૨૬૬ લાખ રૂપિયાનો, જયપુરની રાજપૂતાના ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૩૮ની અપર બૅન્ડમાં ૨૩૮૮ લાખ રૂપિયાનો, અમદાવાદની બલ્કકૉર્પ ઇન્ટરનૅશનલ ૧૦ના શૅરદીઠ ૧૦૫ની અપર બૅન્ડમાં ૨૦૭૮ લાખનો તથા કાંચીપુરમની સાતોલઅર સિનર્જીસ ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપર બૅન્ડમાં ૯૨૯૩ લાખ રૂપિયાનો SME ઇશ્યુ કરવાની છે. ગ્રે માર્કેટ ખાતે હાલમાં આશાપુરામાં ૫૫ના, બલ્કકૉર્પમાં ૮૫ના, સાતોલઅરમાં ૧૦૨ના તથા રાજપૂતાના ઇન્ડસ્ટ્રીઝમાં ૪૩ના પ્રીમિયમ બોલાય છે. કીઝી અપેરલ્સમાં સોદા નથી.

બુધવારે મુંબઈના અંધેરી-ઈસ્ટની ઉત્સવ રીઝેડ ગોલ્ડ જ્વેલ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૦ની અપર બૅન્ડ સાથે ૬૯૫૦ લાખનો NSE SME IPO કરવાની છે. પ્રીમિયમના સોદા નથી. મેઇન બોર્ડમાં પહેલી ઑગસ્ટે લુધિયાણાની સિગાલ ઇન્ડિયા પાંચના શૅરદીઠ ૪૦૧ની અપર બૅન્ડમાં ૫૬૮ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૨૫૨ કરોડથી વધુનો ઇશ્યુ લાવશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૯૦ જેવું બોલાય છે.

શુક્રવારે સતત ખોટ કરતી ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી બેના શૅરદીઠ ૭૬ની અપર બૅન્ડ સાથે ૬૪૫ કરોડ પ્લસની OFS સહિત કુલ ૬૧૪૫ કરોડથી વધુનો જંગી ઇશ્યુ કરવાની છે. છેલ્લાં ૪ વર્ષમાં કંપનીએ કુલ ૮૫૮૮ કરોડની આવક મેળવી છે, સામે ૪૦૪૦ કરોડની ચોખ્ખી ખોટ કરી છે. ૨૩૯૦ કરોડનું દેવું છે. રિઝર્વ માઇનસ ૨૮૮૨ કરોડ બોલે છે. કંપની ખોટ કરવાના મામલે ઝડપથી પ્રગતિના પંથે છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા ૧૪થી શરૂ થયા હતા. હાલમાં રેટ ઘટીને ૧૧ આસપાસ બોલાય છે.

રાઇટ્સમાં બોનસની નોટિસ લાગતાં પોણાચૌદ ટકાની તેજી થઈ

અલ્ટ્રાટેક તરફથી શૅરદીઠ ૩૯૦ના ભાવે ૩૯૫૪ કરોડમાં ઇન્ડિયા સિમેન્ટ્સના પ્રમોટર્સનો ૩૨.૭ ટકા હિસ્સો હસ્તગત કરવાની યોજના મંજૂર થઈ છે. નિયમ મુજબ આ જ ભાવથી ઓપન ઑફર પણ આવશે. અલ્ટ્રાટેકનો શૅર ગઈ કાલે ૧૧,૯૪૦ થઈને દોઢ ટકા કે ૧૬૬ રૂપિયા વધી ૧૧,૮૪૫ બંધ થયો છે, જ્યારે ઇન્ડિયા સિમેન્ટ્સ ૩૮૫ ઉપર નવા શિખરે જઈ ૦.૭ ટકા ઘટી ૩૭૨ રહ્યો છે. અલ્ટ્રાટેક તરફથી ટેક ઓવરના અહેવાલના પગલે આ શૅર મહિનામાં ૨૭ ટકા અને ૩ માસમાં ૬૪ ટકા ઘટી ગયો હોવાથી હવે એમાં ખાસ કસ રહ્યો નથી. ગ્રુપ કંપની ઇન્ડિયા સિમેન્ટ્સ કૅપિટલ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૩ વટાવી ગઈ છે, જ્યારે અન-લિસ્ટેડ કંપની CSK અર્થાત ચેન્નઈ સુપર કિંગ્સમાં આ ડીલની હાલ કોઈ અસર દેખાઈ નથી. અન-લિસ્ટેડ માર્કેટમાં ભાવ ૧૬૯-૧૭૦ આસપાસ ટકેલો છે.

અદાણી વિલ્મર ૩૮ કરોડની ખોટમાંથી ૩૨૩ કરોડના નેટ નફામાં આવતાં શૅર ઉપરમાં ૩૪૯ થઈ ૫.૯ ટકાના જમ્પમાં ૩૪૪ બંધ થયો છે. ગોયેલ ફૂડ પ્રોડક્ટ્સ એક શૅરદીઠ ચાર બોનસમાં બુધવારે એક્સ બોનસ થશે. ભાવ એક ટકો સુધરી ૧૭૩ હતો. પૅનોરૅમા સ્ટુડિયોમાં ૧૦ના શૅરનું બેમાં વિભાજન ૩૧મીએ થશે. ભાવ ૧૧૫૭ની ઑલટાઇમ હાઈ બનાવી સાત ટકા વધી ૧૧૨૮ થયો છે. અજય દેવગનના ૧.૪ ટકા હોલ્ડિંગવાળી આ કંપનીનો શૅર ૧૭ ઑગસ્ટે ૨૦૦ની અંદર વર્ષના તળિયે હતો. કોલગેટ પામોલિવને આશરે ૨૪૯ કરોડની ટૅક્સ નોટિસ જારી થઈ છે, પણ શૅર ૩૨૬૦ની વિક્રમી સપાટી બતાવી ૧.૮ ટકા વધીને ૩૨૨૦ રહ્યો છે. રાઇટ્સમાં ૩૧મીની બોર્ડ મીટિંગમાં બોનસનો એજન્ડા સામેલ થતાં શૅર ૧૩.૮ ટકાની તેજીમાં ૭૫૯ થયો છે. ટેક્નૉક્રાફ્ટ ઇન્ડ. ૩૫૯૦ના બેસ્ટ લેવલ બાદ ૧૯ ટકા કે ૫૭૦ રૂપિયા ઊછળી ૩૫૬૨ હતો.

સરકારી બૅન્કો જોરમાં, એલઆઇસી નવી ટોચે જઈને નરમ

ગઈ કાલે બૅન્કિંગ એકંદર સ્ટ્રૉન્ગ હતું. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના સથવારે સવાબે ટકા મજબૂત હતો. બૅન્ક નિફ્ટી ઉપરમાં ૫૨,૩૪૦ વટાવ્યા બાદ નોંધપાત્ર પ્રૉફિટ બુકિંગમાં ૫૧,૧૮૭ થઈ ૧૧૦ પૉઇન્ટ સુધરી ૫૧,૪૦૬ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૨૮ શૅર પ્લસ હતા. પીએનબી ૧૫૯ ટકાના ઉછાળે ૩૨૫૨ કરોડના નફાના જોરમાં ઉપરમાં ૧૨૯ થઈ ૫.૯ ટકાની તેજીમાં ૧૨૭ થયો છે. બંધન બૅન્કે ૪૭ ટકાના વધારામાં ૧૦૬૩ કરોડ નેટ પ્રૉફિટ કરતાં ભાવ ૨૨૦ થઈ ૧૩.૬ ટકાની છલાંગમાં ૨૧૮ હતો. સિટી યુનિયન બૅન્કનો ત્રિમાસિક નફો ૧૬ ટકા વધ્યો છે, પણ શૅર ૧૭૫ની ૧૮ માસની ટોચે જઈ ૫.૮ ટકાની મજબૂતીમાં ૧૬૯ હતો. હેવીવેઇટ ICICI બૅન્કે ૧૦,૬૧૪ કરોડની એકંદર ધારણા સામે ૧૧,૦૫૯ કરોડના ચોખ્ખા નફા સાથે સારાં પરિણામ આપતાં બ્રોકરેજ હાઉસ દ્વારા ૧૩૦૦થી ૧૫૦૦ સુધીની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયના કૉલ શરૂ થયા છે. શૅર ગઈ કાલે પાંચ ગણા કામકાજે ઉપરમાં ૧૨૪૨ વટાવી અડધો ટકો વધી ૧૨૧૪ બંધમાં બજારને ૪૦ પૉઇન્ટ ફળ્યો છે. સ્ટેટ  બૅન્કનાં રિઝલ્ટ શનિવારે છે. શૅર એક ટકો વધી ૮૭૨ હતો. ઇન્ડ્સઇન્ડ બૅન્ક સાધારણ પરિણામ છતાં પોણો ટકો વધી ૧૪૧૩ થઈ છે. કર્ણાટકા બૅન્ક, જેકે બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ બરોડા, ઉજ્જીવન બૅન્ક, કરૂર વૈશ્ય, યુનિયન બૅન્ક અઢીથી સાત ટકા પ્લસ હતી. સામે ઇક્વિટાસ બૅન્ક પાંચ ટકા ગગડી છે.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૯માંથી ૯૦ શૅરના સથવારે સાધારણ પ્લસ હતો. ૩૬૦ વન વામ આઠ ટકા, ઇન્ડિયન એનર્જી એક્સ. ૫.૯ ટકા, નવામા પોણાછ ટકા, દૌલત અલ્ગો ૫.૭ ટકા, સુમિત સિક્યૉ. ૫.૫ ટકા, મોનાર્ક સાડાછ ટકા, આઇઆરએફસી ૬.૪ ટકા, કેમ્પ ૬ ટકા, પિરામલ એન્ટર. ૩.૮ ટકા, કેફીન ટેક ત્રણ ટકા ઝળક્યા હતા. એલઆઇસી ૧૧૯૮ની ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો ઘટીને ૧૧૭૪ રહી છે. ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ચાર ટકા, પેટીએમ ત્રણ ટકા, CSB પોણા ચાર ટકા ડાઉન હતા.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 07:10 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK