ગત ૧૧ જુલાઈના રોજ શહેરના 'ઇન્ફિનિટી ૨.૦ સ્ટુડિયો' ખાતે સોન્ગ અને મ્યુઝિકના બંધારણને સમજાવતા એક વિશેષ વર્કશોપનું આયોજન કરાયું હતું. વર્કશૉપનાં મુખ્ય વક્તા હતાં ઑથર અને સોન્ગ રાઇટર નૃતિ શાહ. 'Kuka is Money Cash' આ ગુજરાતી ડ્રામા-ફિલ્મનાં સોન્ગ નૃતિ શાહ દ્વારા લખવામાં આવ્યાં છે. તેઓએ ગીતલેખનની પાયાની અને પ્રોફેશનલ માહિતી આપી હતી. તેમણે ગીતોના વિવિધ પ્રકારો, બેઝિક લિરિક્સનું મહત્વ, ધૂન પરથી ગીત કઈ રીતે લખવું અને શબ્દો પરથી ધૂન કઈ રીતે તૈયાર કરવી તે વિશે ખૂબ જ રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું. ગીતની સાથે સંગીતના તાલમેલને સમજાવવા માટે મ્યુઝિક ડિરેક્ટર મીકુલ સોની વિશેષ રૂપે ગાઈડન્સ આપ્યું હતું. તેમણે ગીતની ધૂન, સૂર અને તેના બંધારણ વિશે ટેકનિકલ તેમજ પ્રેક્ટિકલ માહિતી શેર કરી હતી, જેનાથી કળાની સાથે સંગીતના વ્યવસાયિક પાસાને સમજવામાં સરળતા રહી હતી.
નૃતિ શાહ જણાવે છે કે, 'ગીત-સંગીત એ સૌનો મનગમતો વિષય છે, પરંતુ તેની પદ્ધતિસરની માહિતી ખૂબ ઓછી જોવા મળે છે. આ વર્કશૉપના માધ્યમથી મેં અને મીકુલ સોનીએ સાહિત્ય તેમજ સંગીત ક્ષેત્રે એક નવી પહેલ કરવાનો પ્રયાસ કર્યો છે. આગામી સમયમાં વધુ આવા વર્કશૉપ કરીશું.' બે કલાક ચાલેલા આ સેશનમાં અલગ-અલગ ફિલ્ડના સ્ટુડન્ટ્સ તેમજ સંગીતમાં ઊંડો રસ ધરાવતા શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સહભાગીઓએ ગીત કઈ રીતે પ્રોફેશનલ લેવલ પર લખી શકાય તેની બારીકાઈઓ શીખીને આ ઇવેન્ટને સંપૂર્ણપણે સફળ બનાવી હતી.
