IPL 2020: ફેવરિટ દિલ્હીએ પંજાબ સામે રહેવું પડશે સાવધાન

Published: 20th September, 2020 07:42 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ઐયર ઍન્ડ કંપની બૅલૅન્સ જણાઈ રહી છે, પણ ગેઇલ ગાજ્યો અને મૅક્સવેલે ઇંગ્લૅન્ડ સિરીઝ સામેનું ફૉર્મ જાળવી રાખ્યું તો બાજી પલટાઈ શકે છે. ૨૦૧૪માં પંજાબને યુએઈ બરાબરનું ફળ્યું હતું અને પાંચેપાંચ મૅચ જીતીને દમદાર શરૂઆત કરી હતી

પંજાબના કૅપ્ટન લોકેશ રાહુલે ૨૦૧૮માં દિલ્હી સામે ફક્ત આટલા બૉલમાં બનાવેલી હાફ-સેન્ચુરી આઇપીએલની ફાસ્ટેસ્ટ છે. દિલ્હી ટીમના કુલ આટલા ખેલાડીઓ ઝીરો પર આઉટ થયા છે, જે બધી ટીમોમાં સૌથી વધુ છે.
પંજાબના કૅપ્ટન લોકેશ રાહુલે ૨૦૧૮માં દિલ્હી સામે ફક્ત આટલા બૉલમાં બનાવેલી હાફ-સેન્ચુરી આઇપીએલની ફાસ્ટેસ્ટ છે. દિલ્હી ટીમના કુલ આટલા ખેલાડીઓ ઝીરો પર આઉટ થયા છે, જે બધી ટીમોમાં સૌથી વધુ છે.

આજે દુબઈમાં આઇપીએલની ૧૩મી સીઝનમી બીજી મૅચમાં દિલ્હી કૅપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ટક્કર જામશે. ગઈ સીઝનનો પર્ફોર્મન્સ જોતાં પંજાબ સામે દિલ્હીનો હાથ ઉપર રહેવાની શક્યતા લાગી રહી છે, પણ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં સુપરહીરો સાબિત થનાર ગ્લેન મૅક્સવેલને કારણે પંજાબની ટીમમાં થોડો કરન્ટ આવી ગયો છે. ૨૦૧૪ની આઇપીએલમાં અબુ ધાબીમાં પણ તેમણે તેમની પહેલી મૅચમાં ચેન્નઈને હરાવીને દમદાર શરૂઆત કરી હતી અને આજે પણ એવું જ કંઈક કરીને શુભ શરૂઆત કરવા આતુર છે.

યુએઈ પંજાબને બરાબરનું ફળ્યું હતું

૨૦૧૪માં ઇલેક્શનને કારણે શરૂઆતની અમુક મૅચો યુએઈમાં રમાઈ હતી. ત્યારે પંજાબે પહેલી મૅચમાં ચેન્નઈને હરાવીને દમદાર શરૂઆત કર્યા બાદ રાજસ્થાન, હૈદરાબાદ, કલકત્તા અને બૅન્ગલોર એમ એક પછી એક પાંચ જીત સાથે છવાઈ ગયું હતું. બીજી તરફ દિલ્હીની કલકત્તા અને મુંબઈ સામે જીત મેળવી હતી, પણ બૅન્ગલોર, ચેન્નઈ અને હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે યુએઈના એ ફેઝમાં દિલ્હી અને પંજાબ નહોતા ટકારાયા. પંજાબને ફરી યુએઈ ફળે છે કે નહીં એ જોવું રહ્યું.

ગઈ સીઝનમાં કેવા હતા હાલ

ગઈ સીઝનમાં પંજાબ ખાસ કાંઈ દમ બતાવી નહોતી શકે અને ૧૪ મૅચમાંથી ૬માં જીત અને ૮માં હાર સાથે પૉઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમાંકે રહી હતી. જ્યારે દિલ્હીએ યુવા કૅપ્ટન શ્રેયર ઐયર અને ઑસ્ટ્રેલિયન ડાયનામિક હેડ કોચ રિકી પૉન્ટિંગના માર્ગદર્શનમાં પહેલી વાર દમ બતાવ્યો અને ૧૪ મૅચમાંથી ૯ જીત સાથે પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો, પણ ઇલિમિનેટરમાં સનરાઇઝસર્સ હૈદરાબાદ સામે હારી જતાં પ્રથમ ફાઇનલ-પ્રવેશથી વંચિત રહી ગઈ હતી.

કોણ છે વધુ બૅલૅન્સ?

પંજાબનો કોચ અનિલ કુંબલે છે. કુંબલે આઠ ટીમમાં એકમાત્ર ભારતીય કોચ છે. આમ ભારતીય કૅપ્ટન અને કોચની જોડી પંજાબ માટે કેવો ચમત્કાર કરે છે એ તરફ સૌની નજર હશે. કૅપ્ટન લોકેશ રાહુલ, ક્રિસ ગેઇલ, મયંક અગરવાલ, સરફરાઝ ખાન, નિકોલસ પૂરન ઉપરાંત ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ, જિમી નીશામ અને ક્રિસ જૉર્ડનને લીધે બૅટિંગલાઇન દમદાર છે તો મોહમ્મદ શમી પર રહેશે પેસ અટૅકનો ભાર. પંજાબની સૌથી કમજોરી યુએઈની સ્પિનર-ફ્રેન્ડ્લી પિચો પર એકમાત્ર મુજિબુર રહેમાન જેવો સ્ટાર સ્પિનર છે.

બીજી તરફ પૃથ્વી શૉ, શિખર ધવન, શ્રેયસ ઐયર, રિષભ પંત, શિમરન હૅટમાયર, અજિંક્ય રહાણેને લીધે બૅટિંગ લાઇનઅપ જાનદાર છે. રબાડા, ઈશાન્ત શર્મા, મોહિત શર્મા, હર્ષલ પટેલ, કિમો પૉલ સાથે પેસઅટૅકમાં પણ જાન છે. રવીચન્દ્ર અશ્વિન, અમિત મિશ્રા, અક્ષર પટેલ અને નેપાલી સ્પિનર સંદીપ લામિચાનેને લીધે સ્પિનર અટૅક બધી જ ટીમોમાં સૌથી મજબૂત છે.

ગેઇલ કે પૂરન?

પંજાબ મૅનેજમેન્ટ માટે આજે મોટો સવાલ સતાવશે કે યુનિવર્સલ બૉસ ક્રિસ ગેઇલને રમાડવો કે યુવા કૅરિબિયન બૅટ્સમૅન પૂરનને. જોકે મોટા ભાગે પંજાબે ગેઇલને ન રમાડવાનું જોખમ નહીં લે, પણ શરૂઆતની મૅચોમાં ગેઇલનું ફૉર્મ જોશે અને ત્યાર બાદ જરૂર પડે તો પૂરનને અજમાવશે.

બધા વિદેશી ખેલાડી છે અવેલેબલ

ક્વૉરન્ટીન પિરિયડમાં ક્રિકેટ બોર્ડે છૂટ આપતાં પંજાબ અને દિલ્હી બન્ને ટીમોના વિદેશી ખેલાડીઓ આજની મૅચ માટે ઉપલબ્ધ છે. પંજાબ માટે ઇનફૉર્મ ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ તથા ક્રિસ જૉર્ડન તો દિલ્હી વિકેટકીપર બૅટ્સમૅન ઍલેક્સ કૅરી ઉપલબ્ધ છે.

પંજાબનો કૅપ્ટન દિલ્હીમાં

ગઈ સીઝનમાં પંજાબ ટીમની કમાન સંભાળનાર રવિચન્દ્રન અશ્વિન આ સીઝનમાં દિલ્હીમાં પહોંચી ગયો છે. પંજાબની રગેરગ જાણતો અશ્વિન ટીમ મૅનેજમેન્ટ મૅચ માટે સ્ટ્રૅટેજી ઘડવામાં ઘણો મદદરૂપ થઈ શકે એમ છે.

રાજસ્થાનનો રાજા દિલ્હીમાં બનશે દરવાન?

વર્ષો સુધી રાજસ્થાન રૉયલ્સનો આધારસ્તંભ અને ગઈ સીઝનમાં કૅપ્ટન રહ્યા બાદ અજિંક્ય રહાણે આ વખતે દિલ્હી પહોંચી ગયો છે. જોકે દિલ્હીના સેટલ બૅટિંગ ઑર્ડરમાં રહાણેને ક્યાં સમાવવો એ કોચ પૉન્ટિંગ માટે મૂંઝવણ બની રહી છે. પૉન્ટિંગે સ્વીકાર પણ કર્યો હતો કે દિલ્હીમાં આ વખતે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવા ખૂબ જ હરીફાઈ છે, ખાસ કરીને બૅટ્સમેનોમાં.

આમને-સામને

બન્ને ટીમો આ ટુર્નામેન્ટમાં કુલ ૨૪ વાર એકબીજા સામે ટાકરાઈ ચૂકી છે, જેમાં પંજાબ ૧૪ જીત સાથે આગળ છે અને દિલ્હીએ ૧૦ જીત મેળવી છે. ગઈ સીઝનના મુકાબલામાં બન્નેએ ૧-૧ મૅચ જીતીને બરોબરની ટક્કર આપી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK