૧૭,૦૩૬ કરોડ રૂપિયાના ખર્ચે BOT મૉડલ હેઠળ બાંધકામ શરૂ કરવાની સત્તા અપાઈ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)
ભાઈંદર-ઘોડબંદર કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટેની ટેન્ડર-પ્રક્રિયા કાનૂની વિવાદમાં સપડાયા બાદ રાજ્ય સરકારે સોમવારે ૧૭,૦૩૬ કરોડ રૂપિયાના આ કૉરિડોર પ્રોજેક્ટને પ્રાઇવેટ પાર્ટનરશિપ સાથે બિલ્ડ-ઑપરેટ-ટ્રાન્સફર (BOT) મૉડલ હેઠળ અમલમાં મૂકવાની મંજૂરી આપી દીધી છે. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે રેઝોલ્યુશન બહાર પાડીને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને વાયેબિલિટી ગૅપ ફન્ડિંગ (VGF) સાથે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ફ્રેમવર્ક હેઠળ ૧૫.૪ કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ શરૂ કરવાની સત્તા આપી છે.
આ પ્રોજેક્ટમાં ભાઈંદર અને ફાઉન્ટન હોટેલ જંક્શન વચ્ચે આશરે ૯.૬ કિલોમીટર લાંબા ૬ લેનના એલિવેટેડ ક્રીક બ્રિજ અને ફાઉન્ટન હોટેલ જંક્શનથી ઘોડબંદર રોડ પર ગાયમુખ વચ્ચે ૫.૮૬ કિલોમીટર લાંબી છ લેનની ટ્વિન ટનલનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
અગાઉ MMRDAએ આ પ્રોજેક્ટને બે પૅકેજમાં વહેંચ્યો હતો, જેમાં મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) સૌથી ઓછી બોલી લગાવનાર કંપની તરીકે સામે આવી હતી. જોકે ટેક્નિકલ મૂલ્યાંકન દરમ્યાન ગેરલાયક ઠરેલી L&T કંપનીએ બૉમ્બે હાઈ કોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો.
ખર્ચની વહેંચણી
આ પ્રોજેક્ટના કુલ ખર્ચના ૨૦-૨૦ ટકા હિસ્સો એટલે કે ૩૪૦૭-૩૪૦૭ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વાયેબિલિટી ગૅપ ફન્ડિંગ તરીકે આપશે, જ્યારે બાકીનો ૬૦ ટકા હિસ્સો ખાનગી કૉન્ટ્રૅક્ટર દ્વારા લોન અને ઇક્વિટી દ્વારા એકઠો કરવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત MMRDAને ટોલ-ટૅક્સ વસૂલ કરવાની, જમીન-સંપાદન અને રીહૅબિલિટેશનની કામગીરી કરવાની તેમ જ જાહેરાતો અને અન્ય રીતે નૉન-ફેર રેવન્યુ ઊભી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
