ભારતની ટોચની કુસ્તીબાજ વિનેશ ફોગાટે ૧૮ મહિનાના વિરામ પછી પોતાના ઑલિમ્પિક્સ સ્વપ્નને આગળ ધપાવવા માટે વાપસીની જાહેરાત કરી છે. શુક્રવારે તેણે પુષ્ટિ કરી કે તે પ્રોફેશનલ કુસ્તીની નિવૃત્તિમાંથી બહાર આવી ગઈ છે.
વિનેશ ફોગાટ
ભારતની ટોચની કુસ્તીબાજ વિનેશ ફોગાટે ૧૮ મહિનાના વિરામ પછી પોતાના ઑલિમ્પિક્સ સ્વપ્નને આગળ ધપાવવા માટે વાપસીની જાહેરાત કરી છે. શુક્રવારે તેણે પુષ્ટિ કરી કે તે પ્રોફેશનલ કુસ્તીની નિવૃત્તિમાંથી બહાર આવી ગઈ છે. પૅરિસ ઑલિમ્પિક્સમાં ૧૦૦ ગ્રામ વજન વધારે હોવાથી તે ૫૦ કિલો ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં ભાગ લઈ શકી નહોતી. જોકે જુલાઈ ૨૦૨૫માં દીકરાને જન્મ આપનાર આ કુસ્તીબાજ મમ્મી હવે ફરી કુસ્તીની મૅટ પર દંગલ કરવા તૈયાર છે.
વિનેશ ફોગાટે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે, ‘લોકો પૂછતા રહ્યા કે શું પૅરિસ ઑલિમ્પિક્સ એક અંત હતો. ઘણા સમય સુધી મારી પાસે કોઈ જવાબ નહોતો. મારે મૅટથી, પ્રેશરથી, અપેક્ષાઓથી, મારાં સપનાંઓથી પણ દૂર જવાની જરૂર હતી. આટલાં વર્ષોમાં પહેલી વાર મેં મારી જાતને શ્વાસ લેવાની મંજૂરી આપી. મેં મારી સફરના ભારને સમજવા માટે સમય કાઢ્યો. ઉતાર-ચડાવ, હાર્ટબ્રેક, બલિદાન મારાં એ પાસાં છે જે દુનિયાએ ક્યારેય જોયાં નથી અને એ વિચારમાં ક્યાંક મને સત્ય મળ્યું કે મને હજી પણ આ રમત ગમે છે, હું હજી પણ સ્પર્ધા કરવા માગું છું.’
ADVERTISEMENT
૩૧ વર્ષની આ કુસ્તીબાજે આગળ લખ્યું છે, ‘એ મૌનમાં મને કંઈક એવું મળ્યું જે હું ભૂલી ગઈ હતી કે આગ ક્યારેય મરતી નથી. એ ફક્ત થાક અને ઘોંઘાટ નીચે દટાઈ ગયું હતું. શિસ્ત, દિનચર્યા, લડાઈ એ બધું મારી સિસ્ટમમાં છે. હું ગમે એટલી દૂર ગઈ હોઉં, મારો એક ભાગ કુસ્તીની મૅટ પર રહે છે. હું લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ (LA 2028) તરફ એક નિર્ભય હૃદય અને ભાવના સાથે પાછી ફરી રહી છું જે નમવાનો ઇનકાર કરે છે. આ વખતે હું એકલી નથી ચાલી રહી. મારો દીકરો મારી ટીમમાં જોડાઈ રહ્યો છે. તે મારી સૌથી મોટી પ્રેરણા છે અને LA ઑલિમ્પિક્સની સફરમાં મારો નાનો ચિયરલીડર.’
હરિયાણા વિધાનસભાની ૨૦૨૪માં યોજાયેલી ચૂંટણીમાં કૉન્ગ્રેસની ટિકિટ પર જુલાના બેઠક પરથી ચૂંટણી લડીને જીતેલી વિનેશે પોતાના દીકરાનું નામ ક્રિષ્ના અને માધવ પરથી પ્રેરિત થઈને ક્રિધવ રાખ્યું છે.


