પોર્ટુગલ સામે ૧-૦થી જીત નોંધાવીને સ્પેન ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયું
ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ પોર્ટુગલની હાર બાદ રડતાં-રડતાં મેદાન છોડ્યું
ગઈ કાલે ડૅલસમાં ૯૧મી મિનિટે કરેલા ગોલની મદદથી સ્પેનની ટીમે પોર્ટુગલ સામે ૧-૦થી જીત નોંધાવી હતી. ૧૧ જુલાઈએ ક્વૉર્ટર-ફાઇનલમાં સ્પેનની ટક્કર બેલ્જિયમ સામે થશે. ૧૭મી વખત વર્લ્ડ કપ રમનાર સ્પેન માત્ર ૨૦૧૦માં ચૅમ્પિયન બન્યું હતું. અગાઉ ૧૯૩૪, ૧૯૫૦, ૧૯૮૬, ૧૯૯૪, ૨૦૦૨ અને ૨૦૧૦માં ક્વૉર્ટર-ફાઇનલમાં રમ્યું હતું. નવમી વખત વર્લ્ડ કપ રમનાર પોર્ટુગલ છેલ્લે ૧૯૬૬, ૨૦૦૬ અને ૨૦૨૨માં ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી મેળવવામાં સફળ રહ્યું હતું. સ્પેન ૨૦૨૨થી ૨૦૨૬ સુધી સતત ૬ મૅચના મુખ્ય સમયમાં એક પણ ગોલ ન થવા દેનાર પહેલી ટીમ બની છે. સ્પેનના ગોલકીપર ઉનાઈ સાઇમને વર્લ્ડ કપમાં રેકૉર્ડ ૬૦૯ મિનિટથી એક પણ ગોલ થવા દીધો નથી.

ADVERTISEMENT
સ્પેનના ગોલકીપર ઉનાઈ સાઇમને વર્લ્ડ કપમાં રેકૉર્ડ ૬૦૯ મિનિટથી એક પણ ગોલ નથી થવા દીધો
હા, આ મારો છેલ્લો વર્લ્ડ કપ હતો : ક્રિસ્ટીઆનો રોનાલ્ડો
પોર્ટુગલના ૪૧ વર્ષના કૅપ્ટન ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ સ્પેન સામેની હાર બાદ કહ્યું હતું કે ‘આ રીતે વર્લ્ડ કપમાંથી બહાર થવું દુઃખદ છે. મેં મારું બધું જ આપ્યું. મેં મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા અને હું સ્પષ્ટ અંતરાત્મા સાથે જઈ રહ્યો છું. હા, આ મારો છેલ્લો વર્લ્ડ કપ હતો, પરંતુ મને મારા પરિવાર સાથે સમય વિતાવવાની અને વિચારવાની તક મળશે. હું કોઈ ઉતાવળમાં નિર્ણય લઈશ નહીં.’
ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ વધુમાં કહ્યું હતું કે ‘મારા આવવા પહેલાં પોર્ટુગલે ક્યારેય ટ્રોફી જીતી નહોતી. મેં પોર્ટુગલ સાથે અલગ-અલગ ત્રણ ટાઇટલ જીત્યાં. પોર્ટુગલ સાથે મેં જીતેલી શ્રેષ્ઠ ટ્રોફી યુરો કપ ૨૦૧૬ હતી. એ ટ્રોફી મારા માટે વર્લ્ડ કપ ટ્રોફી જેવી જ છે.’
પોર્ટુગલે વર્લ્ડ કપમાં ૧૯૬૬માં ત્રીજા ક્રમે અને ૨૦૦૬માં ચોથા ક્રમે રમીને પોતાનું બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું. તેઓ એક પણ વર્લ્ડ કપ જીતી શક્યા નથી. રોનાલ્ડોએ ૨૦૦૬થી ૬ વર્લ્ડ કપમાં પોતાની ટીમ માટે ૨૭ મૅચ રમીને ૧૧ ગોલ નોંધાવ્યા હતા.
અમેરિકા પર ૪-૧થી વિજય બાદ બેલ્જિયમનો ટ્રમ્પ-ડાન્સ વાઇરલ થયો
બેલ્જિયમે યજમાન દેશ અમેરિકાની ટીમ સામે ૪-૧થી જીત મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જીત બાદ બેલ્જિયમના ખેલાડીઓએ વૉશિંગ્ટનસ્થિત સ્ટેડિયમમાં અમેરિકન ટીમ અને ફૅન્સ સામે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રપનાં સિગ્નેચર ડાન્સ-સ્ટૅપ કર્યાં હતાં. તેઓએ અમેરિકન ખેલાડીના રેડ-કાર્ડ સસ્પેન્શનમાં પ્રેસિડન્ટના હસ્તક્ષેપની મજાક ઉડાવી હતી. ૧૫મી વખત વર્લ્ડ કપ રમનાર બેલ્જિયમ આઠમી વખત રાઉન્ડ ઑફ 16માં રમી રહ્યું હતું. છેલ્લે ૧૯૮૬, ૨૦૧૪ અને ૨૦૧૮માં આ ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં રમવાની તક મળી હતી. ૧૨ વખત વર્લ્ડ કપ રમનાર બેલ્જિયમ ૧૯૩૦ અને ૨૦૦૨ બાદ ત્રીજી વખત ક્વૉર્ટર ફાઇનલમાં રમશે.
૨૧મી સદીમાં યજમાન ટીમ ક્યારેય નથી બની વર્લ્ડ કપ ચૅમ્પિયન
મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ 2026માં ત્રણેય યજમાન ટીમ અમેરિકા, મેક્સિકો અને કૅનેડાને રાઉન્ડ ઑફ 16માં હાર સાથે ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થવું પડ્યું. ૨૧મી સદીમાં કોઈ પણ યજમાન ટીમ મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ જીતી શકી નથી. છેલ્લે ૧૯૯૮માં ફ્રાન્સ ઘરઆંગણે ચૅમ્પિયન બન્યું હતું.
|
ફુટબૉલ વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલનું શેડ્યુલ |
|
|
૧૦ જુલાઈ |
ફ્રાન્સ vs મોરોક્કો, મધરાતે ૧.૩૦ વાગ્યે |
|
૧૧ જુલાઈ |
સ્પેન vs બેલ્જિયમ, મધરાતે ૧૨.૩૦ વાગ્યે |
|
૧૨ જુલાઈ |
નૉર્વે vs ઇંગ્લૅન્ડ, મધરાતે ૨.૩૦ વાગ્યે |
|
૧૨ જુલાઈ |
આર્જેન્ટિના/ઇજિપ્ત vs કોલંબિયા/સ્વિટ્ઝરલૅન્ડ, સવારે ૬.૩૦ વાગ્યે |
ફુટબૉલ વર્લ્ડ કપની અંતિમ મૅચો માટે નવી ડિઝાઇનવાળો બૉલ લૉન્ચ થયો

ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશને ગઈ કાલે ફુટબૉલ વર્લ્ડ કપ 2026ની અંતિમ ચાર મૅચોમાં માટે નવી ડિઝાઇનવાળો બૉલ લૉન્ચ કર્યો હતો.આ નવી અને પ્રીમિયમ ડિઝાઇનનો બૉલ સેમી-ફાઇનલ, બ્રૉન્ઝ મેડલ મૅચ અને ફાઇનલ મૅચમાં ઉપયોગમાં લેવામાં આવશે. ટ્રાયોન્ડા નામના હાલમાં સ્માર્ટબૉલમાં યજમાન દેશનું પ્રતિનિધિત્વ કરતાં લાલ, લીલો અને વાદળી રંગ છે.અંતિમ ચાર મૅચો જે ટ્રાયોન્ડા બૉલ ઉપયોગમાં લેવાશે એમાં ગોલ્ડ,સફેદ અને કાળા રંગોના સમાવેશ કરવામાં આવ્યો છે.આ બૉલ પર વર્લ્ડ કપ મૅચોની યજમાની કરનાર ૧૬ શહેરોના નામો લખાયેલા હશે. અંતિમ ચાર મૅચોના વેન્યૂ ડલ્લાસ, ઍટલાન્ટા, માયામી અને ન્યૂયોર્કનું નામ તેના અન્ય કરતાં મોટો જોવા મળશે.
