આ મૅચ મારા પર હાવી થઈ ગઈ હતી. હું ૨૪ કલાક એના વિશે જ વિચારતી હતી
નિખત ઝરીન
પૅરિસ ઑલિમ્પિક્સમાં ચીનની ખેલાડી વુ યુ સામે ૦-૫થી પરાજિત થયા બાદ ભારતીય બૉક્સર નિખત ઝરીને કહ્યું હતું કે મૅચના બે દિવસ પહેલાં તેણે કંઈ ખાધું કે પાણી પણ પીધું નહોતું, મૅચની આગલી રાતે તે ઊંઘી પણ નહોતી. મૅચમાં ચીનની ખેલાડીએ પોતાનો દબદબો જારી રાખ્યો હતો અને બીજા રાઉન્ડમાં નિખતે વાપસીની કોશિશ કરી હતી, પણ એ પર્યાપ્ત નહોતી.
ચીનની બૉક્સર વુ યુ સામેની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મૅચના ૪૮ કલાક પહેલાંના સમયને યાદ કરતાં નિખતે ભારતીય પત્રકારોને કહ્યું હતું કે ‘માફ કરજો દોસ્તો, હું દેશ માટે મેડલ જીતી શકી નથી. મેં અહીં પહોંચવા માટે ઘણાબધા ત્યાગ કર્યા છે. મેં આ ઑલિમ્પિક્સ માટે મારી જાતને શારીરિક અને માનસિક રીતે સારી તૈયાર કરી હતી. મેં છેલ્લા બે દિવસ તો કંઈ ખાધું નહોતું, મારે મારું વજન નિયંત્રણમાં રાખવાનું હતું. મેં પાણી પણ પીધું નહોતું. તમે આ ડેટા ચેક કરી શકો છો. વજન માપવામાં આવ્યા બાદ જ મેં પાણી પીધું, પણ ત્યારે મારી પાસે મૅચ માટે તૈયારીનો સમય જ નહોતો બચ્યો. મેં બે દિવસમાં સતત દોડ લગાવી હતી. કદાચ આને કારણે ચીનની પ્રતિસ્પર્ધી સામે ત્રણ રાઉન્ડમાં લડવા જેટલી તાકાત મારામાં રહી નહોતી. જો હું જીતી ગઈ હોત તો મારા આ પ્રયાસની તારીફ થઈ હોત, પણ હવે એ બહાનું લાગશે. મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. હવે હું એકલી પ્રવાસ પર જઈશ અને પરિવાર સાથે થોડો સમય વિતાવીશ.’
ADVERTISEMENT
નિખત દબાણ મહેસૂસ કરી રહી હતી એવા સવાલનો જવાબ નકારમાં આપતાં તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘આ મૅચ મારા પર હાવી થઈ ગઈ હતી. હું ૨૪ કલાક એના વિશે જ વિચારતી હતી. હું તેની (ચીનની ખેલાડી વુ યુ) સામે પહેલાં રમી નથી. એ ઘણી ફાસ્ટ હતી. ઘરે જઈને હું આ મૅચનું વિશ્લેષણ કરીશ.’ નિખત ઝરીને પત્રકારોના સવાલના ૧૫ મિનિટ સુધી બહાદુરીથી જવાબ આપ્યા હતા, પણ જતાં પહેલાં તે રડી પડી હતી. દેશના પત્રકારોએ તેને સાંત્વન આપ્યું ત્યારે તે જતી રહી, પણ તેણે પત્રકારોને કહ્યું કે તમારે મારા માટે આઇસક્રીમ લાવવો પડશે.


