ફ્રાયજિયન કૅપ તરીકે ઓળખાતા આ પ્રતીકની ખાસિયત એ છે કે આ પ્રકારની કૅપ ખાસ કરીને ટર્કીમાં પાંચ સ્થળે પહેરવામાં આવે છે

૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સનો મૅસ્કૉટ
આ મૅસ્કૉટ છે ૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સનો
૨૦૨૪માં ઑલિમ્પિક્સ અને દિવ્યાંગ ઍથ્લીટ્સ માટેની પૅરાલિમ્પિક્સ પૅરિસમાં યોજાશે અને એ માટેના મૅસ્કૉટનું ગઈ કાલે અનાવરણ કરવામાં આવ્યું હતું. ફ્રાયજિયન કૅપ તરીકે ઓળખાતા આ પ્રતીકની ખાસિયત એ છે કે આ પ્રકારની કૅપ ખાસ કરીને ટર્કીમાં પાંચ સ્થળે પહેરવામાં આવે છે. આઝાદીના પ્રતીક તરીકે પણ જાણીતું ફ્રાયજિયન નામ ટર્કીમાંથી જ આવ્યું છે અને સમય જતાં એ ફ્રાન્સની ક્રાન્તિ વખતે પણ આઝાદીનું પ્રતીક બન્યું હતું. દેશભરમાં આદર્શ ચીજ તરીકે જાણીતી આ ત્રિકોણી ટોપી ફ્રાન્સમાં ખૂબ લોકપ્રિય છે.
મૅન્ચેસ્ટર યુનાઇટેડ અને કોચે મને દગો દીધો : રોનાલ્ડો
રવિવારે કતારમાં શરૂ થતા ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલની ટીમનું નેતૃત્વ સંભાળનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) અને એના કોચ એરિક ટેન હૅગ સામે આક્ષેપ કરતાં કહ્યું છે કે ‘આ ક્લબ-ટીમે અને હૅગે મને દગો દીધો છે અને મને આ ક્લબની ટીમમાંથી નીકળી જવા મારી સાથે તેઓ બળજબરી કરી રહ્યા છે.’ રોનાલ્ડોને વર્લ્ડ કપ પહેલાંની એમયુની સતત બીજી મૅચની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. રોનાલ્ડોએ બ્રિટનની એક ચૅનલને આપેલા આ ઇન્ટરવ્યુમાં જેકંઈ કહ્યું છે એના પરથી અટકળ થઈ રહી છે કે તે હવે ફરી એમયુ વતી નહીં રમે.
ફિફા વર્લ્ડ કપ પહેલાં પીએસજીને ઍમ્બપ્પે, મેસી, નેમારે અપાવી જીત
ફ્રાન્સનો કીલિયાન ઍમ્બપ્પે, આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી અને બ્રાઝિલનો નેમાર પૅરિસની લીગ-૧ ફુટબૉલ લીગમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) વતી રમે છે અને તેમણે કતાર વર્લ્ડ કપમાં પોતાના દેશ વતી રમવા માટે રવાના થતાં પહેલાંની છેલ્લી સહિયારી મૅચમાં રવિવારે ઑક્ઝિયરને ૫-૦થી હરાવવામાં મહત્ત્વનાં યોગદાનો આપ્યાં હતાં. પીએસનો ૫-૦થી વિજય થયો હતો. ૧૧મી મિનિટમાં પ્રથમ ગોલ ઍમ્બપ્પેએ કર્યો હતો અને પછીના ચાર ગોલ ટીમના અન્ય પ્લેયર્સે કર્યા હતા, પરંતુ મેસી અને નેમારે સાથીઓને ગોલ કરવામાં ઘણી મદદ કરી હતી.
બ્રાઝિલને વર્લ્ડ કપ જિતાડનાર કોચ સ્કોલારીની નિવૃત્તિ
બ્રાઝિલ છેલ્લે ૨૦૦૨માં ફિફા વર્લ્ડ કપ જીત્યું હતું અને એ વખતની બ્રાઝિલની ટીમના કોચ તથા પોતાના કોચિંગ કૌશલ્યથી પોર્ટુગલને ૨૦૦૪માં યુરોપિયન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચાડનાર લુઇસ સ્કોલારીએ ક્લબ-કોચિંગના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ૭૪ વર્ષના સ્કોલારી અગાઉ ચેલ્સીની ટીમને પણ કોચિંગ આપી ચૂક્યા છે. તેઓ ૧૯૬૬થી ૧૯૮૧ સુધીની ખેલાડી તરીકેની કરીઅરમાં બ્રાઝિલ વતી ૬૭ મૅચ રમ્યા હતા.
રિલાયન્સે લિવરપુલ ક્લબના ટેકઓવરના અહેવાલને રદિયો આપ્યો
બિલ્યનેર મુકેશ અંબાણી ઇંગ્લિશ ફુટબૉલની લિવરપુલ ફુટબૉલ ક્લબ પોતાના હસ્તક લેવા માટેની રેસમાં હોવાનું બ્રિટનના એક જાણીતા અંગ્રેજી દૈનિકે રવિવારે જણાવ્યું એ અહેવાલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગઈ કાલે રદિયો આપ્યો હતો. લિવરપુલ ક્લબને એના માલિકો ફેન્વે સ્પોર્ટ્સ ગ્રુપે વેચાણ માટે મૂકી છે. અંબાણીનું નામ આ ક્લબ સાથે જોડવામાં આવ્યું હોવાનો આ પહેલો બનાવ નથી. બ્રિટિશ અખબારે એવું પણ જણાવ્યું હતું કે લિવરપુલના માલિકો પોતાની ક્લબને ૪ અબજ પાઉન્ડ સ્ટર્લિંગમાં વેચવા માગે છે.