તેમણે બે ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું

ઍન્થની રિબેલો
ભારતીય ફુટબોલર ઍન્થની રિબેલોનું ૬૫ વર્ષની વયે નિધન
ભારતીય ફુટબોલર અને ૧૯૭૦ તથા ૧૯૮૦માં ભારતીય ફુટબોલર્સમાં શ્રેષ્ઠ ડિફેન્ડર ગણાતા ઍન્થની રિબેલોનું ગઈ કાલે ૬૫ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમણે બે ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ઘણાં વર્ષ સુધી સાલગાવકર ફુટબૉલ ક્લબ વતી રમ્યા હતા.
મેસી, ઍમ્બપ્પેની પીએસજી પહેલી વાર હોમ ગ્રાઉન્ડ પર હારી
ફ્રેન્ચ લીગ ફુટબૉલની વર્તમાન સીઝનમાં પહેલી વાર પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમનો પૅરિસના હોમ-ગ્રાઉન્ડ પર પરાજય થયો છે. રવિવારે પીએસજી પરાજિત થતાં પૅરિસમાં આ ટીમની ૩૫ મૅચ સુધી અપરાજિત રહેવાની પરંપરા અટકી હતી. પીએસજીએ કતાર વર્લ્ડ કપના બે સુપરસ્ટાર્સ લિયોનેલ મેસી અને કીલિયાન ઍમ્બપ્પેની થોડી નબળી રમતને કારણે રેનીઝ સામે ૦-૨થી પરાજય જોવો પડ્યો હતો. રેનીઝ વતી એક ગોલ તોકો એકામ્બીએ અને બીજો ગોલ યુગોચુક્વુએ કર્યો હતો.
અલ્કારેઝ નંબર વન, રબાકિના પણ બની ગઈ ચૅમ્પિયન
સ્પેનના ૧૯ વર્ષના કાર્લોસ અલ્કારેઝે રવિવારે બીએનપી પારિબાસ ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં ડેનિલ મેડવેડેવને ૬-૩, ૬-૨થી હરાવીને મેન્સ ટેનિસમાં વર્લ્ડ નંબર-વનનો રૅન્ક પાછો મેળવી લીધો હતો. અલ્કારેઝે આ સર્વોચ્ચ રૅન્ક સર્બિયાના નોવાક જૉકોવિચ પાસેથી આંચકી લીધો છે. ગયા વર્ષે અલ્કારેઝ યુએસ ઓપન જીતીને યંગેસ્ટ નંબર-વન બન્યો હતો. અલ્કારેઝ એકેય સેટ હાર્યા વગર આ ટુર્નામેન્ટ જીતનાર રૉજર ફેડરર પછીનો પ્રથમ ખેલાડી તેમ જ યંગેસ્ટ પ્લેયર છે. ફેડરરે ૨૦૧૭માં એકેય સેટ હાર્યા વગર ટ્રોફી મેળવી હતી. મહિલાઓની ફાઇનલમાં કઝાખસ્તાનની અલીના રબાકિનાએ બેલારુસની અરીના સબાલેન્કાને ૧૧-૭, ૬-૪થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડની શ્રીલંકા સામે ૨-૦થી ક્લીન સ્વીપ
ટિમ સાઉધીના સુકાનમાં વેલિંગ્ટનમાં ગઈ કાલે ચોથા દિવસે ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકાને બીજી અને છેલ્લી ટેસ્ટમાં એક દાવ અને ૫૮ રનથી હરાવીને સિરીઝમાં શ્રીલંકાનો ૨-૦થી વાઇટવૉશ કર્યો હતો. કિવી ટીમના પહેલા દાવના ૫૮૦/૪ ડિક્લેર્ડના જવાબમાં શ્રીલંકાએ ૧૬૪ રન બનાવતાં એણે ફૉલો-ઑન થવું પડ્યું હતું અને ગઈ કાલે એનો બીજો દાવ ધનંજય ડિસિલ્વાના ૯૮ રન છતાં ૩૫૮ રન પર સમેટાઈ જતાં કિવીઓએ બીજો દાવ રમવાની જરૂર જ નહોતી પડી અને સતત બીજી ટેસ્ટ જીતી લીધી હતી.
કૅપ્ટન સાઉધી અને બીજા ફાસ્ટ બોલર બ્લેર ડિકનરે ત્રણ-ત્રણ તેમ જ સ્પિનર માઇકલ બ્રેસવેલે બે વિકેટ લીધી હતી. પહેલા દાવમાં અણનમ ૨૦૦ રન બનાવનાર હેન્રી નિકોલ્સને મૅન ઑફ ધ મૅચનો અને આ મૅચમાં ૨૧૫ રન બનાવવા સહિત શ્રેણીમાં કુલ ૩૩૭ રન બનાવનાર કેન વિલિયમસનને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો. સાઉધી અને હેન્રીની ૧૧-૧૧ વિકેટ સિરીઝમાં હાઇએસ્ટ હતી.