આજની બીજી પ્રી-ક્વૉર્ટરમાં બીજા એશિયન જાયન્ટ સાઉથ કોરિયા સામે રમનાર બ્રાઝિલની ટીમ જીતવા માટે ફેવરિટ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજે વર્લ્ડ કપમાં ચાર બાબતો પર નજર
ફિફા વર્લ્ડ કપમાં આજે એશિયન જાયન્ટ જપાનનો ૨૦૧૮ના ગયા વર્લ્ડ કપના રનર-અપ ક્રોએશિયા સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં મુકાબલો છે અને સ્પેન તથા જર્મનીને હરાવીને અપસેટ સર્જનાર જૅપનીઝ ટીમ સામે આજે ક્રોએશિયા પૂરી તાકાત અને સમજદારીથી નહીં રમે તો એણે આઉટ થઈ જવાનો વારો આવશે. જપાનની ટીમ મિડફીલ્ડમાં તેમ જ ડિફેન્સમાં ક્રોએશિયાની જે નબળાઈ છે એનો લાભ ઉઠાવવાની જરૂર કોશિશ કરશે. આજની બીજી પ્રી-ક્વૉર્ટરમાં બીજા એશિયન જાયન્ટ સાઉથ કોરિયા સામે રમનાર બ્રાઝિલની ટીમ જીતવા માટે ફેવરિટ છે, પણ ટીમના કેટલાક ખેલાડીઓને જે ઈજા થઈ છે એ ટીમ માટે સૌથી મોટી ચિંતા છે. બ્રાઝિલે જે ટીમનો આજે સામનો કરવાનો છે એણે ત્રણ દિવસ પહેલાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલની ટીમને એક્સ્ટ્રા-ટાઇમના ગોલથી ૨-૧થી હરાવીને અપસેટ સરજ્યો હતો. કોરિયન ટીમે બ્રાઝિલ સામે બાહોશ બનવાની સાથે ધૈર્યથી રમવું પડશે.
પેલેને ગૉડમાં આસ્થા, ચાહકોની શુભેચ્છામાં શ્રદ્ધા
કૅન્સરની સારવાર લઈ રહેલા બ્રાઝિલના ફુટબૉલ-લેજન્ડ પેલેની છેલ્લા ૨૪ કલાકમાં તબિયત બગડી ન હોવાના આનંદના સમાચાર વચ્ચે ગઈ કાલે સાંજે મળેલા અહેવાલ મુજબ ખુદ તેમણે કહ્યું હતું કે ‘મારું આત્મબળ હજીયે પહેલાં જેવું જ છે. હું સમગ્ર મેડિકલ અને નર્સિંગ ટીમનો આભારી તો છું જ, ગૉડમાં મને અખૂટ શ્રદ્ધા છે અને ચાહકોના શુભેચ્છાના સંદેશામાં પણ મને શ્રદ્ધા છે. તબિયત વધુ સુધરશે એવી આશા સાથે હું સૌકોઈનો આભાર માનું છું.’
ભારત હૉકીમાં ઑસ્ટ્રેલિયાને લડત આપીને હાર્યું
ભારત ઍડીલેડમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામેની પાંચમી અને છેલ્લી હૉકી ટેસ્ટમાં લડત આપ્યા બાદ ૪-૫થી હારી ગયું હતું. એ સાથે, ઑસ્ટ્રેલિયાએ સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી. કૅપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલને કારણે એક સમયે ઑસ્ટ્રેલિયાને શ્રેણીમાં બીજી વાર હરાવવાની ભારતને આશા જાગી હતી, પરંતુ ૬૦મી મિનિટમાં હરમનપ્રીતનો જે બીજો ગોલ થયો ત્યાર પછી વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાએ મચક નહોતી આપી.