ઇંગ્લૅન્ડનું સ્પેન સામેનું રિઝલ્ટ ભારતની તરફેણમાં નહીં હોય તો હરમનપ્રીત સિંહની ટીમે વેલ્સ સામે પાંચ ગોલના તફાવતથી જીતવું પડશે

૧૩ જાન્યુઆરીએ ભારતે રસાકસીભરી મૅચમાં સ્પેનને ૨-૦થી હરાવ્યું હતું.
૧૯૭૫માં મેન્સ હૉકીનો વર્લ્ડ કપ જીતનાર ભારતને આજે ભુવનેશ્વરમાં વેલ્સ સામે મોટા તફાવતથી જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવવાનો મોકો છે. સ્પેન સામે જીતીને અને ઇંગ્લૅન્ડ સામેની ડ્રૉ બદલ ભારત ગ્રુપ ‘ડી’માં બીજા સ્થાને છે, પરંતુ જો આજે સ્પેન સામે ઇંગ્લૅન્ડ હારશે કે મૅચ ડ્રૉ થશે તો ભારત કોઈ પણ તફાવતથી વેલ્સ સામે જીતીને લાસ્ટ-એઇટમાં પહોંચી શકશે. જોકે ઇંગ્લૅન્ડ જો સ્પેનને હરાવશે તો ભારતે વેલ્સને ઓછામાં ઓછા પાંચ ગોલના તફાવતથી હરાવવું પડશે. ઇંગ્લૅન્ડના જીતના માર્જિનના આધારે નક્કી થશે કે ભારતે વેલ્સને કેટલા માર્જિનથી હરાવવું. પેનલ્ટી-કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરવાની અક્ષમતા ભારતીય ટીમ માટે સૌથી મોટી ચિંતા છે.
જો ભારત આજે વેલ્સને નીચા તફાવતથી હરાવશે અને ગ્રુપ ‘ડી’માં ઇંગ્લૅન્ડ પછી બીજા નંબર પર રહેશે તો ઇંગ્લૅન્ડ તો ક્વૉર્ટરમાં પહોંચી જશે, પરંતુ ભારતને ક્વૉર્ટર માટે વધુ એક મોકો મળશે અને એમાં ભારતે ગ્રુપ ‘સી’ની ત્રીજા નંબરની ટીમ સામે પ્લે-ઑફ રમવી પડશે. ગઈ કાલે વર્લ્ડ કપમાં એકેય મૅચ નહોતી. મંગળવારે સાઉથ કોરિયાએ જપાનને ૨-૧થી હરાવ્યું હતું, પણ જર્મની-બેલ્જિયમની મૅચ ૨-૨થી ડ્રૉમાં ગઈ હતી.
ADVERTISEMENT
મહિલા હૉકીમાં ભારતે સાઉથ આફ્રિકાની ટીમને ૭-૦થી કચડી
સાઉથ આફ્રિકામાં પાંચ મૅચની સિરીઝ રમવા ગયેલી ભારતની મહિલા હૉકી ટીમે ગઈ કાલે યજમાન ટીમને ૭-૦થી પરાસ્ત કરી હતી. પહેલી મૅચ ભારતે ૫-૧થી જીતી લીધી હતી અને શ્રેણીમાં ગોલકીપર સવિતાના નેતૃત્વમાં ભારતે ૨-૦થી સરસાઈ લીધી છે. ભારત વતી ગોલ કરનાર પ્લેયર્સમાં ઉદિતા, પહેલી જ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર વૈષ્ણવી ફાળકે, રાની રામપાલ, સંગીતા કુમારી, નવનીત કૌર, વંદના કટારિયા (બે ગોલ)નો સમાવેશ હતો. બન્ને દેશ વચ્ચે ત્રીજી મૅચ આજે રમાશે.

