રાની રામપાલે ૧૨મી મિનિટે ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું અને પછી મોનિકા, નવનીત કૌર, ગુરજિત કૌર અને સંગીતા કુમારીએ એક-એક ગોલ કર્યો હતો.
રાની રામપાલ
રાનીનો સાત મહિના પછીના કમબૅકમાં ગોલ, ભારત જીત્યું
ભારતીય મહિલા હૉકી ટીમ ચાર ટેસ્ટની સિરીઝ માટે સાઉથ આફ્રિકા ગઈ છે, જ્યાં સોમવારે પ્રથમ મૅચમાં ભારતે યજમાન ટીમને ૫-૧થી હરાવી હતી. ભૂતપૂર્વ કૅપ્ટન રાની રામપાલ ગયા જૂનમાં હૉકી પ્રો લીગમાં બેલ્જિયમ સામે રમ્યા પછી (સાત મહિને) કમબૅકમાં શરૂઆતથી જ ચમકી હતી. તેણે ૧૨મી મિનિટે ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું અને પછી મોનિકા, નવનીત કૌર, ગુરજિત કૌર અને સંગીતા કુમારીએ એક-એક ગોલ કર્યો હતો.
ADVERTISEMENT
ટોચની ટેનિસ પ્લેયર્સ જીતી, મરે પાંચ સેટના થ્રિલરમાં જીત્યો
મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં ગઈ કાલે ટોચનો રૅન્ક ધરાવતી કેટલીક મહિલા ખેલાડીઓ પોતપોતાની મૅચ જીતી હતી. ફ્રાન્સની ચોથા નંબરની કૅરોલિન ગાર્સિયાએ ૧૯૧મા ક્રમની કૅથરિન સેબોવને ૬-૩, ૬-૦થી હરાવી હતી. વિશ્વની પાંચમા નંબરની બેલારુસની અરીના સબાલેન્કાએ ૭૩મા ક્રમની ચેક રિપબ્લિકની ટેરેઝા માર્ટિનકોવાને ૬-૧, ૬-૪થી અને નવમા નંબરની રશિયન પ્લેયર વેરોનિકા કુડરમેટોવાએ યુક્રેનમાં જન્મેલી બેલ્જિયન પ્લેયર મરીના ઝેનેવ્સ્કાને ૬-૨, ૭-૪થી હરાવી હતી. સ્વિટ્ઝરલૅન્ડની બેલિન્ડા બેન્સિકનો બલ્ગેરિયાની વિક્ટોરિયા ટૉમોવા સામે ૬-૧, ૬-૨થી વિજય થયો હતો. પુરુષોમાં ભૂતપૂર્વ નંબર-વન ઍન્ડી મરેએ ઇટલીના મૅટીયો બેરેટિનીની જોરદાર લડતનો જવાબ આપીને તેને ૬-૩, ૬-૩, ૪-૬, ૭-૯, ૧૦-૬થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.
અસહ્ય ગરમી અને ભારે વરસાદ, ઑસ્ટ્રેલિયન ઓપનમાં અવરોધ
મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ગઈ કાલે પહેલાં અસહ્ય ગરમી હતી અને પછી ભારે વરસાદ પડતાં આઉટડોર ટેનિસ કોર્ટની મૅચોમાં વિઘ્નો આવ્યાં હતાં. ૩૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું અને પછી થોડી વાર બાદ ભારે વરસાદ શરૂ થતાં આ કોર્ટ ખાતેની મૅચો ત્રણ કલાક માટે રોકવામાં આવી હતી. મેલબર્ન પાર્કમાં પ્રેક્ષકો ગરમીથી છૂટવા મોટા પંખાની સામે આવીને ઊભા રહી ગયા હતા.

