ટુર્નામેન્ટમાં તેના કુલ ૧૬ ગોલ, હવે સંયુક્ત રીતે તે હાઇએસ્ટ; આર્જેન્ટિનાએ અલ્જીરિયા સામે ૩-૦થી જીત સાથે કરી શરૂઆત
ગઈ કાલે લીઅનલ મેસીએ ત્રણ ગોલ ફટકાર્યા હતા.
ફુટબૉલ વર્લ્ડ કપમાં મંગળવારે ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે બાદ આર્જેન્ટિનાના લેજન્ડ લીઅનલ મેસીએ નામના પ્રમાણે ધમાલ મચાવીને ચાહકોને રાજીના રેડ કરી દીધા હતા. રેકૉર્ડ છઠ્ઠો વર્લ્ડ કપ રમવા મેદાનમાં ઊતરેલા મેસીએ ધનધનાધન ત્રણ ગોલ ફટકારીને આર્જેન્ટિનાને અલ્જીરિયા સામે ૩-૦થી શાનદાર જીત સાથે ટુર્નામેન્ટમાં શુભ શરૂઆત કરાવી આપી હતી.
૧૭મી, ૭૦મી અને ૭૬મી મિનિટે મેસીએ ગોલ ફટકારીને વર્લ્ડ કપમાં પ્રથમ વાર જ હૅટ-ટ્રિકની કમાલ કરી હતી. ઉપરાંત આ ત્રણ ગોલ સાથે ફુટબૉલના આ મહાકુંભમાં કુલ ૧૬ ગોલ સાથે જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના હાઇએસ્ટ ગોલની બરોબરી કરી લીધી હતી. હવે નેક્સ્ટ મૅચમાં વધુ એક ગોલ સાથે તે ટુર્નામેન્ટનો હાઇએસ્ટ ગોલનો રેકૉર્ડ રચી દેશે.
ADVERTISEMENT
૨૦૦ની ક્લબમાં થયો સામેલ
મેસીની આ આર્જેન્ટિના વતી ૨૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ હતી જેને હૅટ-ટ્રિકની કમાલ સાથે ટીમને જીત અપાવીને યાદગાર બનાવી દીધી હતી. ૨૦૦ ઇન્ટરનૅશનલ મૅચ રમાનાર મેસી વર્લ્ડનો ત્રીજો ખેલાડી બની ગયો હતો. કુવૈતનો બદર અલ-મુતાવા ૨૦૦ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો હતો, જ્યારે પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ થોડા સમય બાદ એ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો.
૧૬ જૂન ફરી મેસીને ફળી
મેસીએ ૨૦૦૬ની ૧૬ જૂને ફુટબૉલ વર્લ્ડ કપમાં તેનો પ્રથમ ગોલ કર્યો હતો અને બરાબર ૨૦ વર્ષ બાદ એ જ તારીખે હૅટ-ટ્રિક અને ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ગોલની બરોબરી કરી હતી.
રોનાલ્ડોની કરી બરોબરી
ફુટબૉલ વર્લ્ડ કપ ૨૦૨૬ની પ્રથમ મૅચમાં જ ગોલ કરીને મેસીએ અન્ય લેજન્ડ ખેલાડી ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની અલગ-અલગ પાંચ વર્લ્ડ કપમાં ગોલ કરવાની સિદ્ધિની બરોબરી કરી લીધી હતી.
મેસીનાં અન્ય કારનામાં
વર્લ્ડ કપમાં ૧૬ ગોલ અને ૮માં મદદરૂપ એમ કુલ ૨૪ ગોલમાં યોગદાન સાથે તેણે બ્રાઝિલના મહાન ખેલાડી પેલેને પાછળ રાખી દીધા હતા. પેલે અત્યાર સુધી (૧૨ ગોલ અને ૯માં મદદરૂપ) કુલ ૨૧ ગોલમાં યોગદાનનો રેકૉર્ડ ધરાવતા હતા.
વર્લ્ડ કપમાં પેનલ્ટી બૉક્સની બહારથી મેસીના ગોલની કુલ સંખ્યા પાંચ થઈ ગઈ છે જે છેલ્લા ૬ દાયકામાં સંયુક્ત રીતે હાઇએસ્ટ છે.
ક્લબ અને દેશ વતી મેસીના હવે કુલ ૯૧૧ ગોલ થઈ ગયા છે.
આર્જેન્ટિનાએ પહેલી વાર ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે જીત સાથે કરી શરૂઆત
મેસીની કમાલ સાથે આર્જેન્ટિનાએ એક નામોશીભર્યો સિલસિલો પણ તોડી નાખ્યો હતો. આર્જેન્ટિના ૧૯૮૨માં પહેલી વાર અને ૧૯૯૦માં બીજી વાર ચૅમ્પિયન બન્યું હતું અને બન્ને વખતે વિજેતા બન્યા બાદની પ્રથમ મૅચ હારી ગયું હતું. જોકે ૨૦૨૨માં ચૅમ્પિયન બન્યા બાદ મંગળવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે મંગળવારે પ્રથમ મૅચ જીતીને તેણે એ સિલસિલાને તોડી નાખ્યો હતો.
