વર્લ્ડ કપના સુપરસ્ટાર મેસીએ સાઉદીની ક્લબ સાથે વાર્ષિક ૨૭ અબજ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો હોવાનો અહેવાલ
મેસીને સોમવારે લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમૅન અવૉર્ડ અને વર્લ્ડ ટીમ ઑફ ધ યર પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. તસવીર એ.એફ.પી.
આર્જેન્ટિનાના કતાર વર્લ્ડ કપના સુપરસ્ટાર અને પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ના કૅપ્ટન લિયોનેલ મેસીએ સાઉદી અરેબિયાની મિડલ ઈસ્ટર્ન ક્લબ સાથે ૨૬.૨૦ કરોડ પાઉન્ડ (આશરે ૨૭.૦૭ અબજ રૂપિયા)નો વાર્ષિક કૉન્ટ્રૅક્ટ કર્યો હોવાનું મનાય છે. સ્પેનની અલ શિરિંગ્વિટો ટીવી નામની ચૅનલના અહેવાલમાં જણાવાયા મુજબ સાઉદીની આ ક્લબની ટીમ અલ હિલાલ તરીકે જાણીતી છે અને એણે મેસીને જે વાર્ષિક કરાર ઑફર કર્યો છે એ ફુટબૉલના ઇતિહાસનો સૌથી મોટો કરાર બની શકે. જોકે મેસીના પપ્પાએ હજી કંઈ ફાઇનલ ન હોવાનું કહ્યું હતું. અલ હિલાલ મેસીને ગમેએમ કરીને સાઇન કરવા આતુર છે અને એ માટે એણે મેસીના બાર્સેલોના ટીમના બે ભૂતપૂર્વ સાથીઓ સર્ગિયો બ્સક્વેટ્સ અને જૉર્ડી અલ્બાને કામે લગાડી દીધા હોવાનું મનાય છે.
તાજેતરમાં ફૅમિલી સાથે સાઉદીમાં હતો
ADVERTISEMENT
મેસીએ તાજેતરમાં પરિવાર સાથે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી જેને પગલે પીએસજી ક્લબના માલિકોએ તેને થોડા દિવસ માટે સસ્પેન્ડ કરીને સસ્પેન્શન પાછું ખેંચી લીધું હતું.
બે મોટા પુરસ્કાર જીતનારો પ્રથમ
દરમ્યાન મેસી સોમવારે એકસાથે બે પ્રતિષ્ઠિત અવૉર્ડ જીત્યો હતો. અગાઉ અનેક પુરસ્કારોથી સન્માનિત મેસીને પૅરિસમાં લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમૅન અવૉર્ડ અને વર્લ્ડ ટીમ ઑફ ધ યર પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. એક જ વર્ષમાં આ બન્ને મોટા અવૉર્ડ જીતનારો તે વિશ્વનો પહેલો ખેલાડી છે. ૨૦૨૦માં મેસીને લૉરિયસ અવૉર્ડ સંયુક્ત રીતે એફ-વન કાર રેસ-ડ્રાઇવર લુઇસ હૅમિલ્ટન સાથે અપાયો હતો. આ વખતના આ પુરસ્કાર માટે રાફેલ નડાલ, કીલિયના ઍમ્બપ્પે અને ફૉર્મ્યુલા-વન વર્લ્ડ ચૅમ્પિયન મૅક્સ વર્સ્ટેપ્પન સહિત કુલ પાંચ ઍથ્લીટ પણ નૉમિની હતા, પણ મેસીએ એ બધાને મહાત આપીને ફરી આ અવૉર્ડ જીતી લીધો છે.