પહેલી સેમી ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં પાકિસ્તાન ૦-૨થી ચીન સામે હાર્યું, બીજી સેમી ફાઇનલમાં ભારત ૪-૧થી સાઉથ કોરિયા સામે જીત્યું
હૉકી મેચ
આજે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી (ACT)ની ફાઇનલમાં યજમાન ટીમ ચીન સામે ભારતીય હૉકી ટીમની ટક્કર થશે. ૮ સીઝનમાં પહેલી વાર ચીનની ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમ સતત બીજી અને ઓવરઑલ છઠ્ઠી વખત ફાઇનલમાં પહોંચી છે. ૨૦૧૧થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં પહેલવહેલી વાર ભારત અને ચીન ફાઇનલમાં ટકરાશે. આજે બપોરે ૩.૩૦ વાગ્યે બન્ને ટીમ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે.
ગઈ કાલે દિવસની શરૂઆતમાં મલેશિયા અને જપાન વચ્ચેની મૅચ ૪-૪થી ડ્રૉ રહી હતી. જોકે પેનલ્ટી શૂટઆઉટમાં જપાને ૪-૨થી જીત મેળવીને ટુર્નામેન્ટમાં પાંચમું સ્થાન પોતાને નામે કર્યું છે. પહેલી સેમી ફાઇનલ મૅચમાં પાકિસ્તાન અને ચીન વચ્ચેની મૅચ ૧-૧થી ડ્રૉ રહી પણ પેનલ્ટી શૂટઆઉટમાં ચીનની ટીમે ૨-૦થી પાકિસ્તાનને હરાવ્યું હતું.
ADVERTISEMENT
બીજી સેમી ફાઇનલ મૅચમાં ભારતીય ટીમે ૪-૧થી સાઉથ કોરિયાની ટીમને હરાવી હતી જેમાં ભારત તરફથી કૅપ્ટન હરમનપ્રીત સિંહે (૧૯મી અને ૪૫મી મિનિટ) બે ગોલ કર્યા હતા, જ્યારે ઉત્તમ સિંહ (૧૩મી મિનિટ) અને જર્મનપ્રીત સિંહે (૩૨મી મિનિટ) એક-એક ગોલ કર્યો હતો. સાઉથ કોરિયા તરફથી એકમાત્ર ગોલ ૩૩મી મિનિટે આવ્યો હતો. સેમી ફાઇનલ મૅચ હારનાર પાકિસ્તાન અને સાઉથ કોરિયાની ટીમ વચ્ચે આજે ત્રણ વાગ્યાથી ત્રીજા સ્થાન માટેની મૅચમાં જંગ જામશે.
૧૧ વર્ષ પહેલાં ભારત સામે હૉકી મૅચ જીત્યું હતું ચીન
ચીન અને ભારત વચ્ચે હમણાં સુધી ૨૩ હૉકી મૅચ રમાઈ છે જેમાંથી ૧૭ મૅચમાં ભારતની અને ૩ મૅચમાં ચીનની જીત થઈ છે, જ્યારે ત્રણ મૅચ ડ્રૉ રહી છે. ACTની ગ્રુપ સ્ટેજ-મૅચમાં પણ ચીનની ટીમે ૩-૦થી હારનો સામનો કરવો પડ્યો છે. આ ટુર્નામેન્ટમાં સતત છ મૅચ જીતીને છઠ્ઠી વાર ફાઇનલમાં એન્ટ્રી મારનાર ભારતીય ટીમ છેલ્લે ચીન સામે ૨૦૧૩માં હારી હતી. ૧૧ વર્ષ પહેલાં ACTમાં જ ચીને ભારતને ૦-૨થી હરાવ્યું હતું. જોકે હરમનપ્રીત સિંહની ટીમ યજમાન ટીમને તેમની ધરતી પર નબળી માનવાની ભૂલ નહીં કરે.