ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026માં વધુ પાંચ ભારતીય બૉક્સરોએ સેમી-ફાઇનલમાં પ્રવેશ કરીને ભારતના કુલ 9 મેડલ નિશ્ચિત કર્યા છે. આ સાથે ભારતીય બૉક્સરોએ 2022ની કૉમનવેલ્થ ગેમ્સના 7 મેડલનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે.
પ્રીતિ પવાર, જાદુમણી સિંહ, પ્રિયા ઘનઘસ
ગ્લાસગોમાં ગઈ કાલે પાંચ ભારતીય બૉક્સરોએ જીત મેળવીને સેમી-ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે સેમી-ફાઇનલમાં પ્રવેશ કરનાર ભારતીય બૉક્સરોની સંખ્યા ૯ પર પહોંચી જતાં એટલા મેડલ કન્ફર્મ થઈ ગયા હતા. બૉક્સિંગમાં સેમી-ફાઇનલમાં હારનારને બૉન્ઝ મેડલ આપવામાં આવે છે. લવલીના બોર્ગોહેન (૭૫ કિલોગ્રામ), પ્રિયા ઘનઘસ (૬૦ કિલોગ્રામ), પ્રીતિ પવાર (૫૪ કિલોગ્રામ) અને જાદુમણી સિંહ (૫૫ કિલોગ્રામ) પહેલાં જ સેમી-ફાઇનલમાં પ્રવેશ કરીને મેડલ પાકો કરી લીધો હતો. ગઈ કાલે નરેન્દર બેરવાલ, અંકુશ પંઘાલ, સાક્ષી ચૌધરી, અરુંધતી ચૌધરી અને સચિન સિવાચ શાનદાર જીત મેળવીને તેમની સાથે જોડાયાં હતાં. ૯ મેડલ કન્ફર્મ થતાં ૨૦૨૨ની કૉમનવેલ્થ ગેમ્સમાં બૉક્સિંગમાં મળેલા મેડલની સંખ્યા કરતાં વધી ગયા હતા. ૨૦૨૨માં ભારતીય બૉક્સરોએ કુલ ૭ મેડલ (ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બૉન્ઝ) જીત્યા હતા.
