Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > બાળપણમાં ઘાસ કાપવાના મશીન પર કરેલી મજૂરીએ હરજિંદર કૌરને અપાવ્યો સિલ્વર મેડલ

બાળપણમાં ઘાસ કાપવાના મશીન પર કરેલી મજૂરીએ હરજિંદર કૌરને અપાવ્યો સિલ્વર મેડલ

Published : 30 July, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેઇટલિફટરે ૬૯ કિલો કૅટેગરીમાં ૨૨૭ કિલો વજન ઉપાડીને કર્યું કરીઅર-બેસ્ટ પ્રદર્શન

હરજિન્દર કૌર

હરજિન્દર કૌર


ગુલવીર સિંહ ઉપરાંત ભારતીય મહિલા વેઇટલિફ્ટર હરજિંદર કૌરે પણ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. વેઇટલિફ્ટિંગમાં ભારતીય ખેલાડીઓએ દબદબો જાળવી રાખતાં આ સાતમો મેડલ (એક ગોલ્ડ, પાંચ સિલ્વર અને એક બ્રૉન્ઝ) દેશને અપાવ્યો હતો. 
રોમાંચક ફાઇનલ મુકાબલામાં હરજિંદરે સ્નૅચ રાઉન્ડમાં પહેલાં ૯૯ કિલો અને ત્યાર બાદ છેલ્લા પ્રયાસે ૧૦૧ કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યું હતું. ક્લીન ઍન્ડ જર્ક રાઉન્ડમાં પણ પોતાનું રેકૉર્ડબ્રેક પ્રદર્શન જાળવી રાખતાં પહેલાં ૧૨૩ કિલો અને પછી ૧૨૬ કિલો વજન ઉપાડીને કુલ ૨૨૭ કિલોના સ્કોર સાથે સિલ્વર મેડલ જીતી લીધો હતો. કૅનેડાની ખેલાડીએ કુલ ૨૪૦ કિલો સાથે ગોલ્ડ અને ઑસ્ટ્રેલિયન ખેલાડીએ ૨૧૮ કિલો સાથે બ્રૉન્ઝ જીત્યો હતો.

ઘાસ કાપવાના મશીન પરની મજૂરી રંગ લાવી



૨૯ વર્ષની હરજિંદર કૌરનો જન્મ એક સામાન્ય ખેડૂતપરિવારમાં થયો હતો. તેનો પરિવાર આર્થિક મુશ્કેલીઓ વચ્ચે એક ઓરડાના ઘરમાં રહેતો અને ખેતરોમાં મજૂરીઓ પર નભતો હતો. પરિવાર પાસે કુલ ૬ ભેંસો હતી અને એ ભેંસો માટેના ઘાસને મશીનમાં કાપવાની જવાબદારી હરજિંદરની હતી. આ ઘાસ કાપવાના મશીન પર કરેલી મજૂરીને લીધે હરજિંદરના હાથમાં ખૂબ જ મજબૂતાઈ આવી હતી. હરજિંદરે એક વાર એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું પણ હતું કે મશીન પર કાપેલું ઘાસ જ મારા વેઇટલિફ્ટિંગની તાકાતનું અસલી રહસ્ય છે.


કબડ્ડી ખેલાડીમાંથી બની વેઇટલિફ્ટર

પાંચ ફુટ ૩ ઇંચની હાઇટ ધરાવતી હરજિંદરે કબડ્ડી ખેલાડી તરીકે રમતગમતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. રસ્સીખેંચ ઇવેન્ટમાં પણ ભાગ લેતી હતી. જોકે ૨૦૧૬માં પટિયાલાની પંજાબી યુનિવર્સિટીના કોચ પરમજિત શર્માએ તેની અસલી પ્રતિભા પારખીને તેને વેઇટલિફ્ટિંગ તરફ પ્રેરિત કરી હતી અને એ જ તેના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ બની ગયો હતો.  


સતત બીજી કૉમનવેલ્થ ગેમ્સમાં જીત્યો મેડલ

હરજિંદરે ઇન્ટરનૅશનલ સ્તરે સતત બીજી વાર દેશનું નામ રોશન કર્યું છે. ૨૦૨૨માં બર્મિંગમ કૉમનવેલ્થ ગેમ્સમાં ૭૧ કિલો કૅટેગરીમાં તેણે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તેણે કૅટેગરી બદલીને ૬૯ કિલો કરી હતી અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે તે સતત બે કૉમનવેલ્થ ગૅમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગઈ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK