રોનાલ્ડો એક વર્ષ પહેલાં યુવેન્ટ્સ ટીમ છોડીને એમયુમાં જોડાયો હતો અને તેના કરારમાં હજી એક વર્ષ પૂરું થવાનું બાકી છે
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો
ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)નાં સૌથી વધુ ૧૩ ટાઇટલ જીતેલી મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) ટીમ નવી સીઝનમાં પહેલી બન્ને મૅચ હારી જતાં ૨૦ ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં છેક છેલ્લા સ્થાને છે અને એના કોચ એરિક ટેન હૅગ ટીમના અમુક ખેલાડીઓથી ખૂબ નારાજ છે, કારણ કે ટીમ તેમના પ્લાન મુજબ રમતી જ નથી.
બીજી તરફ ૩૭ વર્ષના સુપરસ્ટાર પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એમયુ છોડી જવાની તૈયારીમાં હોવાની ચર્ચા છે ત્યારે એક અહેવાલ એવો આવ્યો છે કે ખુદ એમયુના માલિકો જ ઇચ્છે છે કે રોનાલ્ડો ટીમ છોડીને જાય. કોચ એરિક તો કહે છે કે રોનાલ્ડોને ટીમની ક્લબ વેચવા નથી માગતી અને તે આ ટીમમાં જ રહેવાનો છે. રોનાલ્ડો એક વર્ષ પહેલાં યુવેન્ટ્સ ટીમ છોડીને એમયુમાં જોડાયો હતો અને તેના કરારમાં હજી એક વર્ષ પૂરું થવાનું બાકી છે. જોકે રોનાલ્ડોના હાલના નકારાત્મક મિજાજને ધ્યાનમાં લેતાં એમયુના માલિકો ઇચ્છે છે કે તેના આ મૂડની પ્રતિકૂળ અસર ટીમના બીજા ખેલાડીઓ પર ન પડે એ માટે રોનાલ્ડો પોતાની મરજીથી જ ટીમ છોડી જાય તો સારું. અન્ય એક અહેવાલ મુજબ રોનાલ્ડો કૅન્ટીનમાં સાથીઓ સાથે ભાગ્યે જ વાતો કરતો હોય છે અને પોતે એમયુની ટીમ છોડી જવાનો છે એવી ઇચ્છા પણ સાથીઓમાં વ્યક્ત કરી ચૂક્યો છે.