ઝિમ્બાબ્વે પહેલી મૅચ DLS મેથડથી ૮૦ રને જીત્યું હતું અને પાકિસ્તાને બીજી મૅચ ૧૦ વિકેટે જીતીને સિરીઝ લેવલ કરી હતી
ઝિમ્બાબ્વે સામે ૨-૧થી સિરીઝ જીતી લીધા પછી ખુશખુશાલ પાકિસ્તાનની ટીમ
ઝિમ્બાબ્વે-પાકિસ્તાન વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝની નિર્ણાયક મૅચ ગઈ કાલે રમાઈ હતી જેમાં ૯૯ રને જીતીને પાકિસ્તાને ૨-૧થી સિરીઝ જીતી લીધી છે. ત્રીજી વન-ડેમાં પાકિસ્તાને ૬ વિકેટે ૩૦૩ રન કર્યા હતા. ઝિમ્બાબ્વેની ટીમ ૪૦.૧ ઓવરમાં ૨૦૪ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે પહેલી મૅચ DLS મેથડથી ૮૦ રને જીત્યું હતું અને પાકિસ્તાને બીજી મૅચ ૧૦ વિકેટે જીતીને સિરીઝ લેવલ કરી હતી.
પાકિસ્તાનના મિડલ ઑર્ડર બૅટર કામરાન ગુલામે ૯૯ બૉલમાં ૧૦૩ રન ફટકારીને પોતાની પહેલી વન-ડે સેન્ચુરી નોંધાવી હતી. ઓપનર અબદુલ્લા શફીક (૫૦ રન) અને કૅપ્ટન મોહમ્મદ રિઝવાને (૩૭ રન) પણ સ્કોરબોર્ડને ૩૦૦ રનની પાર પહોંચાડવામાં મદદ કરી હતી. આ સિરીઝમાં ૧૫૫ રન ફટકારીને ત્રણ વિકેટ લેનાર ઓપનિંગ બૅટર સૈમ અયુબ પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો.
ઝિમ્બાબ્વેએ પાકિસ્તાન સામે ક્યારેય વન-ડે સિરીઝ ન જીતવાનો રેકૉર્ડ યથાવત્ રાખ્યો છે. પહેલી ડિસેમ્બરથી બન્ને દેશ વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝ શરૂ થશે.