ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવા વિશે યુવરાજ સિંહે કર્યો ચોંકાવનારો ખુલાસો
પૉડકાસ્ટમાં સાનિયા મિર્ઝા સાથેનો જૂનો ફોટો દેખાડ્યો યુવરાજ સિંહે
ભારતના બે વખતના વર્લ્ડ કપ ચૅમ્પિયન યુવરાજ સિંહે પોતાના ક્રિકેટ રિટાયરમેન્ટ વિશે મોટો ખુલાસો કર્યો છે. તેણે ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાના પૉડકાસ્ટમાં કરીઅરના અંતિમ તબક્કા દરમ્યાન કેવું અનુભવ્યું હતું એ જાહેર કર્યું છે.
૨૦૧૭માં ઇન્ટરનૅશનલ ક્રિકેટ અને ૨૦૧૯માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી રિટાયરમેન્ટ લેનાર યુવવરાજ સિંહે કહ્યું હતું કે ‘હું મારી રમતનો આનંદ નહોતો માણી રહ્યો. મને એવું લાગતું હતું કે જો મને ક્રિકેટમાંથી આનંદ નથી મળતો તો હું શા માટે રમી રહ્યો છું? મને ટેકો નહોતો મળતો કે આદર પણ નહોતો મળતો.’
ADVERTISEMENT
૪૪ વર્ષના યુવીએ વધુમાં કહ્યું હતું કે ‘હું એવી વસ્તુને કેમ વળગી રહ્યો છું જેનો મને આનંદ નથી મળતો? મારે રમવાની શું જરૂર છે? સાબિત કરવા માટે શું છે? હું માનસિક કે શારીરિક રીતે વધુ કાંઈ કરી શકતો નથી અને એ મને નુકસાન પહોંચાડી રહ્યું હતું. જે દિવસે મેં રમવાનું બંધ કર્યું એ દિવસે મને ફરીથી પહેલાં જેવો સારો અનુભવ થવા માંડ્યો.’


