ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો : સ્મિથ ૩૧મી સદીની નજીક

સ્ટીવ સ્મિથ
ભારતે ગઈ કાલે લંડનના ઓવલમાં ‘અલ્ટિમેટ ટેસ્ટ’ તરીકે ઓળખાતી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલ (બપોરે ૩.૦૦ વાગ્યાથી લાઇવ)માં વર્લ્ડ નંબર-વન આર. અશ્વિનને ન લઈને ભૂલ કરી એ ઉપરાંત કૅપ્ટન રોહિત શર્માએ કરીઅરની ૫૦મી ટેસ્ટમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ લેવાનો જે નિર્ણય લીધો એ પણ બૂમરૅન્ગ થઈ રહ્યો છે. ગઈ કાલે વર્લ્ડ નંબર-વન ભારત સામેની આ મૅચની પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે વર્લ્ડ નંબર-ટૂ ઑસ્ટ્રેલિયાનો પ્રથમ દાવનો સ્કોર ત્રણ વિકેટે ૩૨૭ રન હતો. આ પહેલાં માર્ચ ૨૦૨૩માં રમેલો ટ્રેવિસ હેડ (૧૪૬ નૉટઆઉટ, ૧૫૬ બૉલ, એક સિક્સર, બાવીસ ફોર) છઠ્ઠી ટેસ્ટ-સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યો હતો. તે ભારતીય બોલર્સ માટે માથાનો દુખાવો બની ગયો હતો. તે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. તેની સાથે સ્ટીવ સ્મિથ (૯૫ નૉટઆઉટ, ૨૨૭ બૉલ, ૧૪ ફોર) રમી રહ્યો હતો અને ૩૧મી સેન્ચુરીની લગોલગ હતો.
ડેવિડ વૉર્નર
લંચ સુધીના પ્રથમ સેશનમાં ૨૩ ઓવર થઈ હતી જેમાં ઑસ્ટ્રેલિયાએ ૭૦-પ્લસ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ લંચ પછી થોડી જ વારમાં માર્નસ લબુશેન પણ આઉટ થઈ ગયો હતો. મોહમ્મદ શમીના બૉલમાં ક્લીન બોલ્ડ થનાર લબુશેને ૨૬ રન અને તેની પહેલાં આઉટ થયેલા ડેન્જરસ બૅટર ડેવિડ વૉર્નરે ૬૦ બૉલમાં ૮ ફોર સાથે ૪૩ રન બનાવ્યા હતા, પરંતુ સૌથી પહેલાં તો ઉસ્માન ખ્વાજા ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે પચીસ ઓવરમાં ૭૬ રનના કુલ સ્કોરમાં આ ત્રણ વિકેટ પડ્યા બાદ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ ૨૫૧ રનની ભાગીદારી સાથે ટીમ ઇન્ડિયાને ભારે પડ્યા હતા. ચાર પેસ બોલર્સ (શમી, સિરાજ, ઉમેશ, શાર્દુલ) તેમ જ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ આ જોડી સામે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. આઇપીએલ-૨૦૨૩ની ફાઇનલના સુપરસ્ટાર જાડેજાને ૧૪ ઓવર સુધીમાં ૪૮ રનમાં એકેય વિકેટ નહોતી મળી.
ટ્રેવિસ હેડ
અમારી ઇલેવનમાં ચાર સીમ બોલર અને એક સ્પિનર (જાડેજા) છે. અશ્વિન અમારા માટે મૅચ-વિનર રહ્યો છે અને આવી મોટી મૅચમાં તેને ઇલેવનની બહાર રાખવાનું ગમે પણ નહીં, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ટીમ માટે જે બેસ્ટ હોય એ જ કરવાનું હોય. : રોહિત શર્મા
ઓડિશા ટ્રૅજેડીના મૃતકોને અંજલિ આપવા બન્ને ટીમના ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરી
ગઈ કાલે ઓવલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા બન્ને ટીમના ખેલાડીઓ ઓડિશાની તાજેતરની ટ્રેન-હોનારતમાં મૃત્યુ પામેલાઓને અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા. તેમણે મૅચ પહેલાં એક મિનિટનું મૌન પણ પાળ્યું હતું. સિરાજે લબુશેનની વિકેટ લીધી હતી.
ઓવલમાં ગુજરાતી સિંગર ગીતા ઝાલાએ ગાયું રાષ્ટ્રગીત
ગઈ કાલે ઇંગ્લૅન્ડના ઓવલ સ્ટેડિયમમાં ટેસ્ટની ફાઇનલના આરંભ પહેલાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાવાનું ગૌરવ સૌરાષ્ટ્રની અને હાલમાં ઇંગ્લૅન્ડ રહેતી બૉલીવુડની પ્લેબૅક સિંગર ગીતા ઝાલાને મળ્યું હતું. રાજપૂત સમાજની ગીતા જાણીતા સિંગર્સ કીર્તિદાન ગઢવી તેમ જ મિકા સિંહ સાથે ગીતો ગાઈ ચૂકી છે અને તેમનાં એ સૉન્ગ્સ ખૂબ લોકપ્રિય થયાં છે.