વડા પ્રધાન પરાજય બાદ ભારતીય ખેલાડીઓને હિંમત અપાવવા ડ્રેસિંગરૂમમાં પહોંચી ગયા હતા
World Cup
પીએમ નરેન્દ્ર મોદી ફાઇનલ પછી નિરાશ થયેલા તમામ ખેલાડીઓને હિંમત આપવા ભારતીય ડ્રેસિંગરૂમમાં ગયા હતા
ભારતીય ટીમે વર્લ્ડ કપમાં છેલ્લે નિરાશા જોવી પડી અને ઘરઆંગણે ટ્રોફી ગુમાવ્યાનો વસવસો ટીમના દરેક ખેલાડીને હશે જ, પરંતુ આ વર્લ્ડ કપમાં ફક્ત ૭ મૅચમાં સૌથી વધુ ૨૪ વિકેટ લેનાર મોહમ્મદ શમી રવિવારે રાતે અમદાવાદમાં મૅચ પછી ભારે અપસેટ હતો અને ખૂબ રડ્યો હતો. તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાંત રાખવો પડ્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદી ફાઇનલ પછી નિરાશ થયેલા તમામ ખેલાડીઓને હિંમત આપવા ભારતીય ડ્રેસિંગરૂમમાં ગયા હતા અને શમી રડી રહ્યો હતો ત્યારે મોદી તેને ભેટ્યા હતા અને તેને શાંત પાડ્યો હતો. મોદીએ કૅપ્ટન રોહિત શર્મા અને મૅન ઑફ ધ ટુર્નામેન્ટ વિરાટ કોહલીના હાથ પકડીને તેમને પરાજયની નિરાશામાંથી બહાર આવવાની સલાહ આપી હતી.
ADVERTISEMENT
શમીએ પીએમનો આભાર માન્યો
પછીથી ખુદ શમીએ ટ્વીટમાં લખ્યું હતું કે ‘કમનસીબે રવિવારનો દિવસ અમારો નહોતો. આપણી ટીમને સમગ્ર ટુર્નામેન્ટમાં સપોર્ટ કરવા બદલ હું તમામ ભારતીયોનો આભાર માનું છું. ખાસ કરીને હું પીએમ નરેન્દ્ર મોદીનો આભારી છું. તેઓ ડ્રેસિંગરૂમમાં આવ્યા અને અમારો ઉત્સાહ વધાર્યો હતો. વી વિલ બાઉન્સ બૅક.’
શમીની ૨૪ વિકેટમાં ત્રણ વખત તેણે લીધેલી પાંચ કે વધુ વિકેટનો સમાવેશ હતો. ૫૭માં ૭ વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ હતો.
મોદીએ રવિવારે રાતે રનર-અપ ભારતીય ટીમના પર્ફોર્મન્સને બિરદાવતી ટ્વીટ કરી હતી.
જાડેજાએ પણ માન્યો આભાર
વડા પ્રધાન મોદી ડ્રેસિંગરૂમમાં દરેક ભારતીય ખેલાડીને મળ્યા હતા. રવીન્દ્ર જાડેજા સાથે તેમણે ઘણી વાતો કરી હતી. પછીથી જાડેજાએ ટ્વિટર પર લખ્યું હતું કે ‘અમારા માટે આ ગ્રેટ ટુર્નામેન્ટ હતી, પણ છેલ્લે ન જીતી શક્યા. અમારા બધાનાં દિલ તૂટી ગયાં છે, પરંતુ લોકોનો સપોર્ટ અમારી નિરાશા ઘટાડી રહ્યા છે. પીએમ મોદી ડ્રેસિંગરૂમમાં આવ્યા એ ઘટના અમારા માટે સ્પેશ્યલ અને મૉટિવેટિંગ હતી.’
પીએમની આ મુલાકાતને ઇન્ટરનેટ પર અનેક ક્રિકેટચાહકોએ બિરદાવી હતી.
ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં સૂર્યકુમાર કૅપ્ટન
આગામી ૨૩ નવેમ્બરે (ગુરુવારે) ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ભારતની પાંચ મૅચવાળી ટી૨૦ સિરીઝ માટેની ટીમનું સુકાન સૂર્યકુમાર યાદવને સોંપાયું છે. મોટા ભાગના મુખ્ય ખેલાડીઓને આરામ અપાયો છે. શ્રેયસ ઐયર છેલ્લી બે મૅચમાં ટીમ સાથે જોડાશે.
ભારતીય ટીમ : સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), ઋતુરાજ (વાઇસ-કૅપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિન્કુ, જિતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આવેશ ખાન અને મુકેશ કુમાર.