તેણે કોહલી સાથે મળીને ૧૬૫ રનની મૅચ-વિનિંગ ભાગીદારી કરી હતી
કે. એલ. રાહુલ
રવિવારે ચેન્નઈમાં વર્લ્ડ કપના મુકાબલામાં રવીન્દ્ર જાડેજાએ ઉપરાઉપરી ત્રણ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાની ટીમને મુસીબતમાં મૂકી દીધી હતી, પરંતુ પછીથી ભારતના ટૉપ-ઑર્ડરે પણ ભારતતરફી ક્રિકેટપ્રેમીઓને ઓછા ચિંતામાં નહોતા મૂક્યા. ઈશાન કિશન, રોહિત શર્મા અને શ્રેયસ ઐયર ત્રણેય બૅટર ઝીરોમાં આઉટ થયા હતા અને એ તબક્કે સ્કોર બે રનમાં ત્રણ વિકેટ હતો અને પાંચમા નંબરના બૅટર કે. એલ. રાહુલના બૅટિંગનો સમય આવી ગયો હતો. તેણે કોહલી સાથે મળીને ૧૬૫ રનની મૅચ-વિનિંગ ભાગીદારી કરી હતી, પરંતુ અઘાતજનક અનુભવની વાત કરતાં તેણે (રાહુલે) રવિવારે કહ્યું હતું કે ‘૫૦ ઓવર સુધી ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં વિકેટકીપિંગ કરીને થાકી ગયો હતો એટલે ડ્રેસિંગરૂમમાં આવીને નાહવા જતો રહ્યો હતો. થાકી ગયો હતો એટલે મેં શાવર લીધા પછી અડધો કલાક આરામ કરવાનું વિચાર્યું હતું, પણ ઉપરાઉપરી વિકેટ પડતાં મારે તાબડતોબ ગ્રાઉન્ડ પર બૅટિંગ માટે આવી જવું પડ્યું હતું.’
મૅન ઑફ ધ મૅચ વિકેટકીપર રાહુલે ૧૧૫ બૉલમાં અણનમ ૯૭ રન બનાવ્યા હતા. એ પહેલાં તેણે લબુશેનનો કૅચ પણ પકડ્યો હતો.


