૨૫૧ રનના ટાર્ગેટ સામે ૧૪૨ રનમાં ૬ વિકેટ ગુમાવ્યા બાદ સાઉથ આફ્રિકાએ વળતી લડત આપી ભારતના હાથમાંથી બાજી છીનવી લીધી
રિચા ઘોષે ૯૪ રન કર્યા હતા
વિમેન્સ વર્લ્ડ કપની ગઈ કાલે વિશાખાપટનમમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની મૅચમાં ભારતીય ટીમે હાથમાં આવેલી બાજી ગુમાવી દીધી હતી. ટૉસ હાર્યા બાદ ફરી એક વાર ટૉપ ઑર્ડર બૅટર્સના ધબડકાને લીધે મુશ્કેલીમાં મુકાયા બાદ ભારતીય ટીમને રિચા ઘોષ ૯૪ રનની અફલાતૂન ઇનિંગ્સ રમીને ૨૫૧ રનના ચૅલેજિંગ સ્કોર સુધી લઈ ગઈ હતી.
૨૫૨ રનમાં ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા એક સમયે ૧૪૨ રનમાં ૬ વિકેટ ગુમાવી દેતાં ભારતીય ટીમ આસાનીથી મૅચ જીતી લેશે એવું લાગી રહ્યું હતું પણ છેલ્લી ઓવરમાં નબળી બોલિંગ અને ફીલ્ડિંગ સામે ક્લોએ ટ્રેયોન ૪૯ રન અને નૅડિન ડી ક્લાર્કના અણનમ ૮૪ રનની લડાયક ઇનિંગ્સને લીધે સાઉથ આફ્રિકાએ આખરે ૪૮.૫ ઓવરમાં મૅચ ૩ વિકેટે જીતી લીધી હતી.
ADVERTISEMENT
માન્ધના, ઘોષનાં કારનામાં
ગઈ કાલે ૨૩ રનની ઇનિંગ્સ સાથે સ્મૃતિ માન્ધનાના આ વર્ષે કુલ ૯૮૨ રન થયા હતા જે કોઈ પણ મહિલા ખેલાડીએ એક વર્ષમાં કરેલા હાઇએસ્ટ રન બન્યા હતા. આ પહેલાંનો રેકૉર્ડ ૯૭૦ રનનો ઑસ્ટ્રેલિયન ખેલાડી બેલિન્ડા ક્લાર્કના નામે હતો જે તેણે ૧૯૯૭માં બનાવ્યો હતો.
રિચા ઘોષના ૯૪ રન વર્લ્ડ કપમાં ભારતીય વિકેટકીપર-બૅટર્સનો શ્રેષ્ઠ સ્કોર બન્યો હતો. એ ઉપરાંત તે મહિલા વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં આઠમા કે એથી નીચેના ક્રમાંકે બૅટર તરીકે આવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની હતી. તેણે સાઉથ આફ્રિકન ખેલાડી ક્લોએ ટ્રેયોનનો ૭૪ રનનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.


