શ્વેતા ગુજરાત સામેની પહેલી મૅચમાં ૬ બૉલમાં પાંચ અને બીજી મૅચમાં દિલ્હી સામે ૬ બૉલમાં માત્ર એક જ રન બનાવી શકી હતી

બુમરાહની પત્ની સંજના
રવિવારે બ્રેબર્ન સ્ટેડિયમમાં યુપી વૉરિયર્ઝની બેસ્ટ લેફ્ટ-આર્મ સ્પિનર સૉફી એકલ્સ્ટનની એક ઓવરમાં એલબીડબ્લ્યુની અપીલ થતાં અમ્પાયરે મુંબઈ ઇન્ડિયન્સની ઓપનર હૅલી મૅથ્યુઝને પૅડ-બૅટના કારણસર આઉટ જાહેર કરી હતી. બૉલ પહેલાં મૅથ્યુઝના બૂટને અને પછી તેના બૅટને વાગ્યો હોવાનું માનવામાં આવ્યું હતું. જોકે મૅથ્યુઝને આઉટ અપાતાં જ આઘાતગ્રસ્ત પ્રેક્ષકોએ ‘ચીટર... ચીટર...’ની બૂમાબૂમ કરી મૂકી હતી. મૅથ્યુઝને પણ વિશ્વાસ નહોતો કે તેને કેમ આઉટ આપવામાં આવી. મૅથ્યુઝે અમ્પાયર અને બોલર એકલ્સ્ટન સાથે વાતચીત કરી હતી. આખરે ફરી રિપ્લે ચેક કરવામાં આવ્યો અને અમ્પાયરો એવા નિષ્કર્ષ પર આવ્યા કે મૅથ્યુઝને ખોટા રિપ્લેના આધારે આઉટ અપાઈ હતી. કરેક્ટ રિપ્લે મુજબ બૉલ મૅથ્યુઝના બૂટને વાગતાં પહેલાં બૅટને વાગ્યો હતો. આખરે તેને નૉટ-આઉટ જાહેર કરવામાં આવી હતી.
ડબ્લ્યુપીએલમાં બુમ બુમ બુમરાહ!
જસપ્રીત બુમરાહ આજકાલ ઇન્જરીને લીધે મેદાનની બહાર છે અને હજી લગભગ છએક મહિના સુધી પાછો ફરવાનો નથી તો પછી હાલમાં ચાલી રહેલી મહિલાઓની આઇપીએલમાં કેમ પ્રેક્ષકો તેના નામની બૂમ પાડી રહ્યા છે. એનો જવાબ છે તેની પત્ની સંજના. ડબ્લ્યુપીએલમાં સંજના ઍન્કરિંગ કરી રહી છે અને બ્રેક દરમ્યાન જ્યારે પણ સંજના મેદાનમાં ઊતરે એટલે પ્રેક્ષકો તેને જોઈને ‘બુમ બુમ બુમરાહ’ની બૂમ પાડવા માંડે છે.
ઓપનર સેહરાવત આઠમા ક્રમાંકે
અન્ડર-19 વર્લ્ડ કપમાં દમદાર પફોર્મન્સના આધારે ભારતને ટ્રોફી અપાવનાર શ્વેતા સેહરાવતે યુપી વૉરિયર્ઝ ટીમમાં જગ્યા મેળવી લીધી હતી. જોકે તેણે પ્રથમ બે મૅચના ફ્લૉપ શોને લીધે જબરદસ્ત પડતી જોવી પડી છે. શ્વેતા ગુજરાત સામેની પહેલી મૅચમાં ૬ બૉલમાં પાંચ અને બીજી મૅચમાં દિલ્હી સામે ૬ બૉલમાં માત્ર એક જ રન બનાવી શકી હતી. આને લીધે છેલ્લે બૅન્ગલોર સામે તેને બદલે દેવિકા વૈદ્યને ઓપનિંગમાં મોકો આપવામાં આવ્યો હતો. રવિવારે મુંબઈ સામે તો શ્વેતાને છેક આઠમા નંબરે મોકલવામાં આવી હતી. આમ ચોથી જ મૅચમાં તે ઓપનિંગમાંથી આઠમા ક્રમાંકે પછડાઈ હતી.
બેલ્સ ન પડતાં પ્રેક્ષકો બોલ્યા ‘જય જય અંબાણી’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધીઓ જેમ છાશવારે ઉદ્યોગપતિઓ અંબાણી અને અદાણીનાં નામ લઈને લોકોમાં બૂમાબૂમ કરી મૂકતા હોય છે એવું જ કંઈક રવિવારે બ્રૅબર્નમાં જોવા મળ્યું હતું. ૧૧મી ઓવર કરી રહેલી અંજલિ સરવાનીનો ચોથો બૉલ સ્ટમ્પને લાગતાં લાઇટ થઈ હતી, પણ બેલ્સ ન પડતાં હરમનપ્રીત કૌર બચી ગઈ હતી. મોટી વિકેટ મળી ગઈ છે એમ માનીને સેલિબ્રેટ કરવા માંડેલી યુપીની કૅપ્ટન અને વિકેકીપર અલીઝા હીલી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પ્રેક્ષકોએ તો બહુ રમૂજ રીતે ‘જય જય અંબાણી’ના નારા સાથે નવાઈ વ્યક્ત કરી હતી. મુંબઈની ટીમ પાવરફુલ અંબાણી ફૅમિલીની માલિકીની હોવાથી બૉલ સ્ટમ્પને લાગ્યા છતાં બેલ્સ નહોતી પડી કદાચ એવો સંકેત બૂમ પાડતા પ્રેક્ષકોનો હતો.