ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમે અલીઝા હીલીના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડ સામે ૧૬-૦થી મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ વિમેન્સ ઍશિઝ 2025 જીતી છે
વિમેન્સ ઍશિઝની ટ્રોફી સાથે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અલીઝા હીલી.
ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમે અલીઝા હીલીના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડ સામે ૧૬-૦થી મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ વિમેન્સ ઍશિઝ 2025 જીતી છે. પહેલી વાર કોઈ ટીમે આ પ્રતિષ્ઠિત સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. ઇંગ્લૅન્ડની ટીમ ત્રણ-ત્રણ મૅચની T20 અને વન-ડે સિરીઝની સાથે એકમાત્ર ટેસ્ટ-મૅચ હારી ગઈ હતી. આ યાદગાર સિરીઝ બાદ અલીઝાએ જોકે એક નિવેદન આપીને ભારતીય ફૅન્સને નિરાશ કર્યા છે.
અલીઝાએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી છે કે જમણા પગમાં ઇન્જરીને કારણે તે આગામી મહિનામાં શરૂ થનાર વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025માં યુપી વૉરિયર્સ માટે અને ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝમાં નહીં રમી શકશે. સપ્ટેમ્બરમાં ભારત સામેની વન-ડે સિરીઝ પહેલાં તે કોઈ ઇન્ટરનૅશનલ મૅચ રમશે નહીં અને સીધી ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ માટે ફિટ થઈને મેદાન પર ઊતરશે. ઇન્જરીને કારણે તે ઍશિઝની T20 સિરીઝનો ભાગ નહોતી બની શકી. અન્ય ફૉર્મેટની મૅચ રમવા તેણે ફિટનેસ-ટેસ્ટ પાસ કરી, પણ વિકેટકીપિંગ કરી શકી નહોતી અને છેક આઠમા ક્રમે બૅટિંગ કરતી જોવા મળી હતી. યુપી વૉરિયર્સે અલીઝાને ઝડપથી ફિટ થવાની શુભેચ્છા આપીને ટૂંક સમયમાં નવા કૅપ્ટનની જાહેરાત કરવાના સંકેત આપ્યા છે.

