RSSના સરસંઘચાલક મોહન ભાગવતે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોનો આભાર માન્યો
મોહન ભાગવતે આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો, નિર્માતાઓ અને સહયોગીઓને અભિનંદન આપ્યાં તથા આભાર વ્યક્ત કર્યો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષના અવસર પર બનેલી ‘શતક’ ફિલ્મને લઈને ઉત્સાહ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીસ્થિત કેશવ કુંજ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન RSSના સરસંઘચાલક મોહન ભાગવતે ફિલ્મ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે આ માત્ર ફિલ્મ નથી પરંતુ એક વિચારયાત્રાનું જીવંત પ્રસ્તુતીકરણ છે.
મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારના જીવન પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ડૉ. હેડગેવારે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રના સંગઠન અને સમાજની જાગૃતિ માટે સમર્પિત કર્યું હતું; તેમનું જીવન ત્યાગ, શિસ્ત અને અખંડ રાષ્ટ્રભાવનાનું પ્રતીક રહ્યું છે.
ADVERTISEMENT
મોહન ભાગવતે આગળ ઉમેર્યું કે ‘ફિલ્મ ‘શતક’ દ્વારા ડૉ. હેડગેવારના જીવનના અનેક પ્રેરણાદાયી પ્રસંગોને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મના એક ગીતમાં તેમના બાળપણની એવી હૃદયસ્પર્શી ઘટના દર્શાવવામાં આવી છે જેણે તેમના વ્યક્તિત્વને દૃઢતા અને સંકલ્પની દિશા આપી.’
આ પછી મોહન ભાગવતે આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો, નિર્માતાઓ અને સહયોગીઓને અભિનંદન આપ્યાં તથા આભાર વ્યક્ત કર્યો.
‘શતક’ સંઘની ૧૦૦ વર્ષની યાત્રાને સમર્પિત છે અને એને વ્યાપક સ્તરે ૨૦ ફેબ્રુઆરીએ દેશભરનાં સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. ફિલ્મ દ્વારા સંઘના ઇતિહાસ, વિચારધારા અને સંગઠનાત્મક સફરને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
