પહેલી ટેસ્ટમાં ૨૦૧ રનથી બંગલાદેશની હાર, બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં યજમાન ટીમની લીડ
૧૧૫ રનની શાનદાર ઇનિંગ્સ અને બે વિકેટ લેનાર ઑલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
બાવીસમી નવેમ્બરથી સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં યજમાન વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૨૦૧ રને જીત મેળવી છે. ગઈ કાલે પાંચમા દિવસની રમતની શરૂઆતમાં જીત માટે વેસ્ટ ઇન્ડીઝને ત્રણ વિકેટ અને બંગલાદેશને ૨૨૫ રનની જરૂર હતી. ગઈ કાલે રમતની શરૂઆતમાં બંગલાદેશનો સ્કોર ૧૦૯/૭ હતો.
પહેલી ઇનિંગ્સમાં ૪૫૦ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૧૫૨ રનની મદદથી બંગલાદેશને ૩૩૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો પણ પહેલી ઇનિંગ્સમાં ૯ વિકેટે ૨૬૯ રન ફટકારનાર બંગલાદેશની ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૩૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. મૅચમાં ૧૧૫ રનની શાનદાર ઇનિંગ્સ રમી બે વિકેટ લેનાર ઑલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે.
ADVERTISEMENT
ઘરઆંગણે ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝે બંગલાદેશને સતત સાતમી વાર હરાવ્યું છે. બંગલાદેશ વેસ્ટ ઇન્ડીઝમાં પાંચ વાર ટેસ્ટ-સિરીઝ રમ્યું છે જેમાં માત્ર એક વાર ૨૦૦૯માં ટેસ્ટ-સિરીઝ જીતવામાં સફળ રહ્યું છે. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝને તેમની ધરતી પર ક્યારેય ટેસ્ટમાં હરાવી નથી શક્યું. ૨૦૦૯ બાદ વેસ્ટ ઇન્ડીઝમાં બંગલાદેશ સામે રમાયેલી છ ટેસ્ટમાં યજમાન ટીમે જ જીત મેળવી છે. બંગલાદેશ પોતાની ધરતી પર ૨૦૧૮-’૧૯માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૦થી એક માત્ર ટેસ્ટ-સિરીઝ જીતી શક્યું છે.
WTC પૉઇન્ટ્સ-ટેબલમાં વેસ્ટ ઇન્ડીઝને એક સ્થાનનો ફાયદો થયો
આ બન્ને ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ્સ-ટેબલમાં સૌથી નીચે છે પણ આ મૅચના પરિણામ બાદ બન્ને ટીમના સ્થાનની અદલાબદલી થઈ છે. ૨૬.૬૭ પૉઇન્ટની ટકાવારી સાથે હવે વેસ્ટ ઇન્ડીઝ નવમાથી આઠમા ક્રમે પહોંચ્યું છે, જ્યારે બંગલાદેશની ટીમ પચીસ પૉઇન્ટની ટકાવારી સાથે આઠમા ક્રમથી અંતિમ એટલે કે નવમા ક્રમે પહોંચી ગઈ છે. આ ટેસ્ટ પહેલાં બંગલાદેશની પૉઇન્ટ ટકાવારી ૨૭.૫૦ અને વેસ્ટ ઇન્ડીઝની પૉઇન્ટ ટકાવારી ૧૮.૫૨ હતી.