બારેશી દરજી જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા તાજેતરમાં દહિસરમાં આવેલા દહિસર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ગ્રાઉન્ડમાં આયોજિત આ ટેનિસ બૉલ ટુર્નામેન્ટના આ ૨૮મા વર્ષમાં કુલ ૧૦ ગામની ટીમે ભાગ લીધો હતો
વાંકાનેર ગામની ચૅમ્પિયન ટીમ
બારેશી દરજી જ્ઞાતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ ફ્રેન્ડશિપ કપમાં વાંકાનેર ગામની ટીમ ચૅમ્પિયન બની હતી. ફાઇનલમાં એણે ગઈ સીઝનની ચૅમ્પિયન બામણા ગામની ટીમને ૧૦ વિકેટે પરાજિત કરી હતી.
બારેશી દરજી જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા તાજેતરમાં દહિસરમાં આવેલા દહિસર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ગ્રાઉન્ડમાં આયોજિત આ ટેનિસ બૉલ ટુર્નામેન્ટના આ ૨૮મા વર્ષમાં બામણા, પુનાસણ, ધોલવાણી, ભિલોડા, મઉ, માંધરી, ખેડ, હુંજ, વાંકાનેર અને ચાંદરણી મળી કુલ ૧૦ ગામની ટીમે ભાગ લીધો હતો. રોમાંચક લીગ રાઉન્ડ અને નૉકઆઉટના મુકાબલાઓ બાદ વાંકાનરે અને ગયા વખતની ચૅમ્પિયન બામણા ગામની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં પહેલા બૅટિંગ કરતાં બામણા ટીમે ૭ ઓવરમાં ૧૦૮ રન બનાવ્યા હતા. જોકે વાંકાનેર ટીમે ૫.૪ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ હાંસલ કરીને ચૅમ્પિયન ટ્રોફી પર તેમનું નામ લખાવી દીધું હતું. વાંકાનેર ટીમનો કૅપ્ટન દર્શન દરજી ફાઇનલમાં ૨૫ બૉલમાં અણનમ ૮૩ રન ફટકારીને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. ટુર્નામેન્ટના કુલ ૧૬૫ રન ફટકારીને દર્શન દરજીએ પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી પણ જીતી લીધી હતી. વાંકાનેરના જ કાવ્ય સોલંકીને સૌથી વધુ ૬ વિકેટ લેવા બદલ બેસ્ટ બોલર જાહેર કરવામાં આવ્યો હતો.


