૨૮ બૉલમાં T20 સેન્ચુરી ફટકારી ચૂકેલો ગુજરાતનો ઉર્વિલ પટેલ IPLમાં મહેન્દ્ર સિંહ ધોની સાથેના સાંનિધ્યથી ધન્ય-ધન્ય
ઉર્વિલ પટેલની ફૅમિલીએ ધોની સાથેની મુલાકાતને કૅમેરામાં કેદ કરી હતી.
ગયા વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાં ૨૮ બૉલમાં T20 સેન્ચુરી ફટકારીને ધમાલ મચાવનાર મહેસાણાના વિકેટકીપર-બૅટર ઉર્વિલ પટેલે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર IPL ડેબ્યુ કર્યું હતું. મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેલો ઉર્વિલ રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સીઝનના અંતમાં ટીમ સાથે જોડાયો હતો. તેણે ત્રણ મૅચમાં ૨૧૨.૫૦ના સ્ટ્રાઇક-રેટથી ૬૮ રન ફટકાર્યા હતા. પાંચ ફોર અને છ સિક્સર ફટકારનાર આ પ્લેયરે બે શાનદાર કૅચ પણ પકડ્યા હતા.
૩૦ લાખ રૂપિયાની કિંમત મેળવીને રમનાર ઉર્વિલે સોશ્યલ મીડિયા પર ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો તેની ફૅમિલી સાથેનો ફોટો શૅર કરીને એક ઇમોશનલ પોસ્ટ લખી હતી. તેણે લખ્યું હતું કે ‘ધોનીના શાનદાર નેતૃત્વ હેઠળ રમવાની અદ્ભુત તક મળી એ બદલ હું ખૂબ આભારી છું. થાલા (નેતા) સાથેની દરેક ક્ષણ શાંતિ, નેતૃત્વ અને નમ્રતાનો એક માસ્ટરક્લાસ રહ્યો છે. મેં પહેલેથી જ ઘણું શીખ્યું છે અને હું તેમના માર્ગદર્શન હેઠળ આગળ વધવા માટે ઉત્સાહિત છું. ડ્રેસિંગ રૂમમાં તેમની સાથે ઊભા રહેવાથી લઈને મૅચ દરમ્યાન મેદાન પર સાથે ફીલ્ડિંગ કરવા સુધી, દરેક ક્ષણ સ્વપ્ન સાકાર થવા જેવી લાગતી હતી. એને વધુ ખાસ બનાવતી બાબત એ હતી કે મારો પરિવાર એનો અનુભવ કરવા માટે ત્યાં હતો, એ ક્ષણોને અમે ક્યારેય ભૂલીશું નહીં.’


