સીઝનની ચૅમ્પિયન રંગોલી વાઇકિંગ્સની સીઝનની છઠ્ઠી મૅચમાં આ ત્રીજી જીત હતી અને આ સાથે એ પૉઇન્ટ-ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)ના લીગ રાઉન્ડના દસમા દિવસે નાનકડા બ્રેક બાદ રમાયેલા મુકાબલાઓમાં રંગોલી વાઇકિંગ્સ અને એમ્પાયર વૉરિયર્સે જીત મેળવી હતી. ગઈ સીઝનની ચૅમ્પિયન રંગોલી વાઇકિંગ્સની સીઝનની છઠ્ઠી મૅચમાં આ ત્રીજી જીત હતી અને આ સાથે એ પૉઇન્ટ-ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ હતી. જ્યારે અમ્પાયર વૉરિયર્સની પાંચમી મૅચમાં ત્રીજી જીત હતી અને એ હવે પૉઇન્ટ-ટેબલમાં બીજા નંબરે બિરાજમાન થઈ ગઈ છે. RSS વૉરિયર્સે સતત બીજા પરાજય છતાં તેમનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. સ્કૉર્ચર્સ ટીમે પાંચમી મૅચમાં ત્રીજો પરાજય જોવો પડ્યો હતો.
મૅચ ૧૯ : એમ્પાયર વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૬ રન – જેનિત છાડવા ૩૦ બૉલમાં ૪૭, પવન રીટા ૨૯ બૉલમાં ૪૦ અને હૅરી ગડા ૧૩ બૉલમાં ૧૨ રન. રાહુલ ગાલા ૧૭ રનમાં અને મેહુલ ગાલા ૨૩ રનમાં બે-બે તથા સંજય ચરલા અને કૌશલ નિશર ૨૬-૨૬ રનમાં એક-એક વિકેટ)નો સ્કૉર્ચર્સ (૧૯.૧ ઓવરમાં ૯૮ રનમાં ઑલઆઉટ – ધવલ ગડા ૩૧ બૉલમાં ૩૪, કુશ ગડા ૧૨ બૉલમાં ૧૧ અને તીર્થ શાહ ૧૯ બૉલમાં ૧૦ રન. રસિક સત્રા ૯ રનમાં, હાર્દિક ગડા ૧૮ રનમાં અને કાર્તિક ગડા ૨૬ રનમાં ૩-૩ વિકેટ) સામે ૩૮ રનથી વિજય. મૅન ઓફ ધ મૅચ : એમ્પાયર વૉરિયર્સનો હાર્દિક ગડા (૧૮ રનમાં ૩ વિકેટ, એક કૅચ અને એક રન-આઉટ).
ADVERTISEMENT
મૅચ ૨૦ : RSS વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૬ રન – ભવ્ય છેડા બાવન બૉલમાં ૭૨ અને ભાવિન ગડા ૩૨ બૉલમાં ૨૯ રન. કુણાલ નિશર ૧૯ રનમાં અને મયૂર ગાલા ૨૭ રનમાં બે-બે તથા પાર્થ છાડવા ૧૮ રનમાં એક વિકેટ) સામે રંગોલી વાઇકિંગ્સ (૧૮.૪ ઓવરમાં ૬ વિકેટે ૧૩૭ રન – યશ મોતા ૩૩ બૉલમાં અણનમ બાવન, રજત સત્રા ૨૮ બૉલમાં ૨૬ અને મયૂર ગાલા ૧૨ બૉલમાં ૧૫ રન. કલ્પ ગડા ૨૫ રનમાં બે તથા રોમિલ શાહ અને વિવેક ગાલા ૨૦-૨૦ રનમાં એક-એક વિકેટ)નો ૪ વિકેટે વિજય. મૅન ઓફ ધ મૅચ : રંગોલી વાઇકિંગ્સનો યશ મોતા (૩૩ બૉલમાં અણનમ બાવન રન).
હવે આજે સવારે ટૉપ ટેન લાયન્સ v/s જૉલી જૅગ્વાર્સ તથા બપોરે કલ્પલબ્ધિ બુલ્સ v/s વિમલ વિક્ટર્સ વચ્ચે ટક્કર જામશે.

