Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ ટીમના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે હોસ્પિટલમાંથી એક ફોટો શૅર કર્યો છે; તાજેતરમાં જ જર્મનીમાં સર્જરી થઈ હોવાનું જણાવ્યું ક્રિકેટરે
સૂર્યુકુમાર યાદવે સર્જરી પછી ઇન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરી છે
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) હાલમાં બ્રેક પર છે. સૂર્યાએ તાજેતરમાં ઇન્ડિયન પ્રિમિયર લીગ – ૨૦૨૫ (IPL 2025)માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યકુમાર હાલમાં જર્મની (Germany)માં છે. આ દરમિયાન, તેણે સોશિયલ મીડિયા (Social Media) પર તેના ચાહકો માટે એક મોટી અપડેટ શેર કરી છે. સૂર્યકુમાર યાદવે જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયા માટે સફળ સર્જરી કરાવી હોવાનું જણાવ્યું છે.
૩૪ વર્ષીય સૂર્યકુમાર યાદવે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાનો ફોટો શૅર કર્યો અને પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી. ૨૫ જૂનની રાત્રે, સૂર્યકુમાર યાદવે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હોસ્પિટલનો ફોટો શેર કરીને બધાને આ વિશે માહિતી (Suryakumar Yadav undergoes Sports Hernia Surgery) આપી. આ પોસ્ટ દરમિયાન તેણે એમ પણ જણાવ્યું છે કે, તે સ્વસ્થ થવાના માર્ગ પર છે અને તે ટૂંક સમયમાં મેદાનમાં પાછો ફરશે.
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવે ઇન્સ્ટાગ્રામમાં લખ્યું છે કે, ‘લાઇફ અપડેટ, પેટના નીચેના જમણા ભાગમાં સ્પોર્ટ્સ હર્નિયા માટે સર્જરી કરાવી. મને જણાવતા આનંદ થાય છે કે સફળ સર્જરી પછી, હું સ્વસ્થ થવાના માર્ગ પર છું. ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે આતુર છું.’
View this post on Instagram
સૂર્યકુમારની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, તે ટૂંક સમયમાં ક્રિકેટના મેદાનમાં પાછો ફરશે. તમને જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી જ્યારે સૂર્યકુમાર યાદવે સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી કરાવી રહ્યા છે. આ પહેલા તેણે ૨૦૨૪માં પણ આ સર્જરી કરાવી હતી. તે જ સમયે, ૨૦૨૩માં તેણે પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી.
નોંધનીય છે કે, રોહિત શર્મા (Rohit Sharma)ના રિટાયરમેન્ટ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ - બીસીસીઆઈ (Board of Control for Cricket in India - BCCI)એ તેને ટી૨૦ ટીમની કમાન સોંપી છે. સર્જરીને કારણે, તે બાંગ્લાદેશ (Bangladesh) પ્રવાસ પર જાય તેવી શક્યતા ઓછી છે. તેને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં ૬ થી ૧૨ અઠવાડિયા લાગશે. ભારતીય ટીમ ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની છે, જ્યાં તેને T20I શ્રેણી રમવાની છે. આ શ્રેણી ૨૬ ઓગસ્ટથી શરૂ થવાની છે, જેની છેલ્લી મેચ ૩૧ ઓગસ્ટે રમાશે. આ શ્રેણીમાં હજી ૨ મહિના બાકી છે, તેથી જો સૂર્યકુમાર યાદવ સંપૂર્ણપણે ફિટ નહીં થાય, તો તે શ્રેણી ગુમાવી શકે છે. તેની ગેરહાજરીમાં, ઉપ-કેપ્ટન અક્ષર પટેલ (Axar Patel) કેપ્ટનશીપ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવ આગામી વર્ષે ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka)માં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ (T20 World Cup 2026)માં ટીમ ઈન્ડિયા (Indian Cricket Team)નું નેતૃત્વ કરશે.


