૯૫ વર્ષનાં મીનલ ગાવસકરનું લાંબી બીમારી બાદ નિધન : ક્રિકેટજગતમાંથી અનેકની અંજલિ
દાદરમાં ગઈ કાલે સુનીલ ગાવસકરનાં માતાના અગ્નિસંસ્કાર વખતે (ડાબે) સની સાથે ભૂતપૂર્વ ક્રિકેટરો કિરણ અધિકારી, વિલાસ ગોડબોલે અને સૂર્યકાંત ગોડબોલે. (જમણે) ભૂતપૂર્વ કૅપ્ટન દિલીપ વેન્ગસરકર, ભૂતપૂર્વ બૅટર અવિનાશ કર્ણિક અને ભૂતપૂર્વ ઑલરાઉન્ડર કરસન ઘાવરી પણ આવ્યા હતા. તસવીર આશિષ રાજે
સુનીલ ગાવસકરનાં મમ્મી મીનલ ગાવસકરનું રવિવારે સવારે મોટી ઉંમરને લગતી બીમારીઓને કારણે અવસાન થયું હતું. તેઓ ૯૫ વર્ષનાં હતાં.
ક્રિકેટ-લેજન્ડ ગાવસકરની કરીઅરમાં તેમનાં માતાનું બહુ મોટું યોગદાન છે. ક્રિકેટર બનવા માટે સનીએ નાનપણથી જ તનતોડ મહેનત કરી હતી. તેમણે ભરપૂર બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી અને એમાં મીનલ ગાવસકરે તેમને ઘણી મદદ કરી હતી. ૧૯૭૧માં વેસ્ટ ઇન્ડીઝ ખાતેના પ્રવાસથી કારકિર્દી શરૂ કરનાર સનીએ પછીથી જે અસંખ્ય વિક્રમો બનાવ્યા અને ભારતનું નામ રોશન
કરવા સહિત કરોડો ક્રિકેટપ્રેમીઓના લાડકવાયા બન્યા એનો ઇતિહાસ આપણી નજર સમક્ષ જ છે. સની પોતાના યુગમાં અમુક વર્ષો સુધી વિશ્વના સર્વશ્રેષ્ઠ બૅટર તરીકે ઓળખાતા હતા. તેમણે હેલ્મેટ વગર વેસ્ટ ઇન્ડીઝના ખૂંખાર ફાસ્ટ બોલર્સ તેમ જ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાના ડેન્જરસ બોલર્સનો સફળતાથી સામનો કર્યો હતો. તેમણે ટેસ્ટમાં ૧૦,૧૨૨ અને વન-ડેમાં ૩૦૯૨ રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
સુનીલ ગાવસકરને ગઈ કાલે તેમનાં મમ્મીના અવસાન બદલ અનેક મિત્રોના, ક્રિકેટપ્રેમીઓના અને દેશ-વિદેશના ક્રિકેટરો તરફથી અંજલિ દર્શાવતા સંદેશ મળ્યા હતા.
ગાવસકરનાં બે બહેનોનાં નામ નૂતન અને કવિતા છે. કવિતાએ ૧૯૭૮માં ભારતીય ટીમના ખ્યાતનામ બૅટર ગુંડપ્પા વિશ્વનાથ સાથે લગ્ન કર્યાં હતાં.
સુનીલ ગાવસકરની કરીઅરની શરૂઆત સમયની પિતા મનોહર અને માતા મીનલ સાથેની તસવીર.
માતાના નિધન વખતે સની ઢાકામાં કૉમેન્ટરી આપી રહ્યા હતાસુનીલ ગાવસકરનાં મમ્મી મીનલ ગાવસકરનું રવિવારે સવારે નિધન થયું હતું. એ સમયે સની ઢાકામાં ભારત અને બંગલાદેશ વચ્ચેની અંતિમ ટેસ્ટના ચોથા દિવસે કૉમેન્ટરી આપી રહ્યા હતા અને તેમણે પોતાની ડ્યુટી ચાલુ રાખી હતી.
ગાવસકરની જન્મ વખતે માછીમાર બાળક સાથે અદલાબદલી થયેલી
મીનલ ગાવસકરે જુલાઈ ૧૯૪૯માં સુનીલને જન્મ આપ્યો ત્યાર બાદ એક દિવસ સુનીલની એક માછીમારના બાળક સાથે કોઈકની ભૂલથી અદલાબદલી થઈ ગઈ હતી. એક અહેવાલ મુજબ સનીના અંકલ એ બાળકને ઓળખી ગયા હતા અને સંબંધિત વ્યક્તિઓને કહ્યું હતું કે સનીને જન્મથી જ કાન પાસે એક નિશાની છે એટલે એ બાળક ગાવસકર પરિવારનું નથી. પછીથી સની તેમનાં મમ્મીને સોંપવામાં આવ્યા હતા. સનીએ એક પુસ્તકમાં આ ઘટના વિશે લખ્યું હતું કે ‘જો મારા અંકલ પેલા બાળકને ન ઓળખી શક્યા હોત તો આજે હું કદાચ પશ્ચિમી દરિયાકિનારાના કોઈ વિસ્તારમાં રહેતો હોત.’

