ભારતીય ડ્રેસિંગ રૂમમાં ચાલી રહેલા તનાવ વચ્ચે સુનીલ ગાવસકરે કર્યું સૂચન...
ગૌતમ ગંભીર, શુભમન ગિલ
ભારતીય ડ્રેસિંગ રૂમમાં ટીમ સિલેક્શનને લઈને કોચ અને કૅપ્ટન વચ્ચે તનાવનો માહોલ છે એવા અહેવાલ સામે આવી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકર પણ માને છે કે વર્તમાન ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલને કદાચ પ્લેઇંગ ઇલેવન નક્કી કરવાનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર નહોતો. ગાવસકરે પોતાના એક નિવેદનથી સૂચન કર્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે કૅપ્ટનનો હોવો જોઈએ અને મુખ્ય કોચ સહિત અન્ય કોઈનો એના પર કોઈ પ્રભાવ ન હોવો જોઈએ.
લિટલ માસ્ટર કહે છે, ‘આખરે એ કૅપ્ટનની ટીમ છે. કદાચ શુભમન ગિલ મૅન્ચેસ્ટરમાં શાર્દૂલ ઠાકુરના સ્થાને કુલદીપ યાદવને રમાડવા ઇચ્છતો હતો. તેને ટીમમાં એ મળવું જોઈતું હતું. તે કૅપ્ટન છે. લોકો તેના અને તેની કૅપ્ટન્સી વિશે વાત કરશે. એથી નિર્ણય ખરેખર તેનો હોવો જોઈએ. ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર છે એ બતાવવા માટે આંતરિક મતભેદો અથવા સિલેક્શનના મુદ્દાઓ જાણીજોઈને છુપાવવામાં આવતા હોય છે.’
ADVERTISEMENT
સુનીલ ગાવસકર આગળ કહે છે, ‘અમારી પાસે કોચ નહોતો. અમારી પાસે ફક્ત ભૂતપૂર્વ પ્લેયર્સ ટીમ-મૅનેજર અથવા સહાયક-મૅનેજર તરીકે હતા. તેઓ એવા લોકો હતા જેમની સાથે તમે જઈને વાત કરી શકતા હતા. તેઓ તમને લંચ સમયે, દિવસના રમતના અંતે અથવા મૅચની પૂર્વસંધ્યાએ સલાહ આપતા હતા. એથી મારા માટે કૅપ્ટન અને કોચના સંયોજનને સમજવું મુશ્કેલ છે.’


