Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ડિયા-Aએ ૨૬૫ રને મૅચ ટાઇ કરાવી, શ્રીલંકા-Aએ સુપર ઓવરમાં બાજી મારી

ઇન્ડિયા-Aએ ૨૬૫ રને મૅચ ટાઇ કરાવી, શ્રીલંકા-Aએ સુપર ઓવરમાં બાજી મારી

Published : 16 June, 2026 11:26 AM | Modified : 16 June, 2026 11:28 AM | IST | Dambulla
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીચલા ક્રમમાં બૅટર્સની ફિફ્ટીના આધારે ભારતે ૨૬૫ રન કર્યા, અંતિમ બૉલે રનઆઉટ થવાને કારણે શ્રીલંકાનો સ્કોર ૯ વિકેટે ૨૬૫ રન રહ્યો : સુપર ઓવરમાં શ્રીલંકાના ૧૮ રનના જવાબમાં માત્ર ૯ રન કરીને હાર્યું ભારત

શ્રીલંકન પ્લેયર્સની ઉગ્ર ઉજવણીને કારણે હારથી નિરાશ થયેલા વૈભવ અને સૂર્યાંશે શ્રીલંકન પ્લેયર્સ સાથે ઝપાઝપી કરી હતી.

શ્રીલંકન પ્લેયર્સની ઉગ્ર ઉજવણીને કારણે હારથી નિરાશ થયેલા વૈભવ અને સૂર્યાંશે શ્રીલંકન પ્લેયર્સ સાથે ઝપાઝપી કરી હતી.


શ્રીલંકામાં આયોજિત ત્રિકોણીય વન-ડે સિરીઝમાં યજમાન ટીમ સામે ઇન્ડિયા-A ટીમ ટાઇ મૅચ બાદ સુપર ઓવરમાં હારી ગઈ હતી. ભારતે સૂર્યાંશ શેડગે અને વિપ્રજ નિગમની ફિફ્ટીના આધારે ૪૯.૨ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૬૫ રન કર્યા હતા. જવાબમાં શ્રીલંકાનો સ્કોર ૯ વિકેટે ૨૬૫ રન થતાં મૅચ ટાઇ થઈ હતી. સુપર ઓવરમાં શ્રીલંકાએ ૧૮ રન કર્યા હતા, પણ ભારત ૯ રન કરીને હારી ગયું હતું.

શ્રીલંકા સામે ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ભારતે જીત સાથે શરૂઆત કરી હતી. જોકે બીજી મૅચમાં વરસાદના વિઘ્નને કારણે ભારતને અફઘાનિસ્તાન સામે DLS મેથડના આધારે હાર મળી હતી. ત્રિકોણીય સિરીઝમાં ભારતને ગઈ કાલે સતત બીજી હાર મળી છે.



ભારત માટે સાતમા ક્રમે રમવા આવેલા સૂર્યાંશ શેડગેએ ૬૬ બૉલમાં ૩ ફોર અને બે સિક્સના આધારે ૭૨ રન કર્યા હતા. નવમા ક્રમે રમીને વિપ્રજ નિગમે ૪૯ બૉલમાં ૬ ફોરના આધારે ૫૧ રન કર્યા હતા. યજમાન ટીમના સાત બોલિંગ-વિકલ્પોમાંથી બે બોલર્સે ૩-૩ વિકેટ લીધી હતી.


શ્રીલંકા માટે ચોથા ક્રમે રમનાર સદીરા સમરવિક્રમાએ ૧૧૩ બૉલમાં ૭ ફોરના આધારે ૯૩ રન કરીને અંતિમ ઓવર સુધી બૅટિંગ કરી હતી. ભારત તરફથી સ્પિનર આયુષ બદોનીને બે વિકેટ મળી હતી. ફાસ્ટ બોલર અર્શદ ખાન સહિત પાંચ બોલર્સને એક-એક વિકેટ મળી હતી.

સુપર ઓવરમાં વૈભવ-સૂર્યાંશે કરી શ્રીલંકાના પ્લેયર્સ સાથે ઝપાઝપી


મૅચ ટાઇ થયા બાદ કૅપ્ટન તિલક વર્મા અને વાઇસ-કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે સુપર ઓવર માટે અમ્પાયર્સ સામે ભારે વિનંતી કરવી પડી હતી. શ્રીલંકાનો કૅપ્ટન રાજી થતાં સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં અર્શદ ખાને અંતિમ બૉલ પર હરીફ બૅટરને કૅચઆઉટ કરાવ્યો હતો.

જોકે ભારતીય ખેલાડીઓ પૅવિલિયન પહોંચી ગયા ત્યારે અમ્પાયરે ટીવી-અમ્પાયર સાથે ચર્ચા કરીને અર્શદ ખાનના સુપર ઓવરના છેલ્લા બૉલને નો-બૉલ જાહેર કરીને ફ્રી હિટ આપીને ભારતીય ખેલાડીઓને મેદાન પર પાછા બોલાવ્યા હતા. એ સમયે પણ તિલક વર્મા અને અમ્પાયર્સ વચ્ચે તીવ્ર ચર્ચા થઈ હતી. બૅટિંગ-પૅડ પહેરીને તૈયાર વૈભવ સૂર્યવંશીએ પૅડ કાઢીને ફરી મેદાન પર આવવું પડ્યું હતું.

શ્રીલંકાના ૧૮ રનના સ્કોર સામે પહેલા ત્રણ બૉલ પર સૂર્યાંશ શેડગેએ અનુક્રમે બે રન, ઝીરો અને એક રન લીધો હોવાથી પ્રેશર વૈભવ સૂર્યવંશી પર આવ્યું હતું. બાકીના ત્રણ બૉલ પર વૈભવ સૂર્યવંશી બે રન, ફોર અને ઝીરો રન કરી શક્યો હતો. એ પછી જીતની ઉગ્ર ઉજવણી કરતા શ્રીલંકન ખેલાડીઓ સાથે સૂર્યાંશ શેડગે અને વૈભવ સૂર્યવંશીએ ઝપાઝપી કરી હતી.

ફરી ફિફ્ટી સુધી ન પહોંચી શક્યો વૈભવ સૂર્યવંશી

ત્રિકોણીય સિરીઝની સતત ત્રીજી મૅચમાં ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી સારી શરૂઆત બાદ ફિફ્ટી સુધી પહોંચી શક્યો નહોતો. ગઈ કાલે ત્રણ ફોર અને એક સિક્સની મદદથી ૧૪ બૉલમાં ૨૧ રન કર્યા હતા. તેણે પહેલી મૅચમાં ૧૨ બૉલમાં ૧૪ રન અને બીજી મૅચમાં ૨૨ બૉલમાં ૪૪  રન કર્યા હતા.

બન્ને ટીમના પ્લેયર્સની ભૂલને કારણે પેનલ્ટી રન મળ્યા

ભારતની બૅટિંગ દરમ્યાન શ્રીલંકન વિકેટકીપરની ભૂલને કારણે પાંચ રનની પેનલ્ટી લાગી હતી. મેદાન પર પડેલી તેની હેલ્મેટને બૉલ અડતાં ભારતના સ્કોરમાં પાંચ રન ઉમેરાઈ ગયા હતા. જોકે વિપ્રજ નિગમની ભૂલને કારણે શ્રીલંકાની ઇનિંગ્સ ૧૦ રનના સ્કોર સાથે શરૂ થઈ હતી. અમ્પાયરની વૉર્નિંગ છતાં બે વખત પિચના સંવેદનશીલ ભાગમાંથી રન દોડવા બદલ બે વખત પાંચ-પાંચ રનની પેનલ્ટી લાગી હતી.

અર્શદ ખાનની છેલ્લી ઓવરમાં પાંચ રનની જરૂર હતી ત્યારે શું થયું?

૪૯.૧ : ઝીરો
૪૯.૨ : વિકેટ
૪૯.૩  : એક રન
૪૯.૪  : એક રન
૪૯.૫  : એક રન
૪૯.૬  : એક રન અને રનઆઉટ 

ત્રિકોણીય સિરીઝના પૉઇન્ટ-ટેબલના હાલ શું છે?  

શ્રીલંકા ૩ મૅચમાં બે જીતને કારણે ચાર પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે. ભારત ત્રણ મૅચમાં એક જીત અને +૦.૩૨૦ના નેટ રનરેટને કારણે બીજા ક્રમે છે, જ્યારે અફઘાનિસ્તાન બે મૅચમાં એક જીત અને -૧.૯૧૭ના નેટ રનરેટ સાથે ત્રીજા ક્રમે છે. 

ત્રિકોણીય સિરીઝની બાકીની મૅચોનું શેડ્યુલ

૧૭ જૂન : અફઘાનિસ્તાન VS ભારત
૧૯ જૂન : અફઘાનિસ્તાન VS શ્રીલંકા
૨૧ જૂન : ટૉપ-ટૂ ટીમ વચ્ચે ફાઇનલ મૅચ 

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 11:28 AM IST | Dambulla | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK