વિરાટ કોહલીને લઈને આપેલા નિવેદન પર એબી ડિવિલિયર્સે ચાહકોની માફી માગી
વિરાટ કોહલી
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની એબી ડિવિલિયર્સે ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની ગેરહાજરીને લઈને આપેલા નિવેદન પર ચાહકોની જાહેરમાં માફી માગી લીધી છે. ડિવિલિયર્સ અને વિરાટ કોહલી મેદાનની અંદર અને બહાર સારા મિત્રો છે.
એબી ડિવિલિયર્સે કોહલી પર આપેલા જૂના નિવેદનમાં કહ્યું હતું કે વિરાટ કોહલીની અંગત જિંદગીને લઈને મેં ખોટી જાણકારી આપી હતી. વિરાટ કોહલી વ્યક્તિગત કારણ આપીને હાલમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝની પહેલી બે મૅચમાંથી બહાર થઈ ગયો હતો. હાલમાં મળી રહેલા સમાચાર પ્રમાણે તે આ સિરીઝની બાકીની મૅચમાંથી પણ બહાર થઈ શકે છે.
ADVERTISEMENT
એબી ડિવિલિયર્સે શું કહ્યું હતું?
એબી ડિવિલિયર્સે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ખરેખર પરિવાર પહેલાં આવે છે. એ પ્રાથમિકતા છે. આવું મેં મારા યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું. મેં એ સમયે ખોટા સમાચાર આપી દીધા હતા, જે ખરેખર સાચા નથી. કોઈ નથી જાણતું કે શું થયું છે. હું માત્ર તેને શુભેચ્છા આપી શકું છું.’
ડિવિલિયર્સે ચાહકોની માફી માગી
એબી ડિવિલિયર્સે પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું કે વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા બીજા સંતાનના સ્વાગત માટે રાહ જોઈ રહ્યાં છે. આજે તેણે જાહેરમાં તેના ચાહકોની માફી માગી હતી અને કહ્યું હતું કે મેં કોહલીના પરિવારને લઈને કહેલી વાત સંપૂર્ણ ખોટી હતી અને તેની સાથે મારે હજી સુધી કોઈ વાતચીત નથી થઈ, પરંતુ હું તેને અને પરિવારને અહીંથી શુભેચ્છા પાઠવું છું. વિરાટ કોહલી પોતાના પારિવારિક કામથી ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પહેલી બે ટેસ્ટ મૅચમાંથી બહાર રહ્યો હતો.
વિરાટ પર સસ્પેન્સ હજી અકબંધ
એબી ડિવિલિયર્સે ભલે વિરાટ કોહલી પર ખોટી જાણકારી ફેલાવવા બદલ માફી માગી લીધી હોય, પરંતુ મીડિયામાં ચર્ચા છે કે કોહલી આ સમયે અનુષ્કા શર્માની સાથે છે. સમાચાર એવા પણ મળી રહ્યા છે કે વિરાટ કોહલી ઇંગ્લૅન્ડ સામે બાકીની ટેસ્ટ મૅચમાં પણ નહીં રમે.