ભારતને ફાઇનલમાં હરાવી ન શકી પણ એક ભારતીય ખેલાડીને પછાડીને સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરાએ મેળવી લીધું ટૉપનું સ્થાન
સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ
વિમેન્સ વર્લ્ડ કપ 2025માં રેકૉર્ડબ્રેક પર્ફોર્મન્સના જોરે સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ ગઈ કાલે જાહેર થયેલા ICC વુમન્સ વન-ડે રૅન્કિંગ્સમાં નંબર વન પર પહોંચી ગઈ છે. ફાઇનલમાં ભારત સામે બાવન રનથી હારીને ટીમને ચૅમ્પિયન બનાવવાનું ચૂકી ગઈ હતી પણ બે દિવસ બાદ ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાનો પછાડવામાં તે સફળ થઈ છે. માન્ધનાને હટાવીને વૉલ્વાર્ટ નંબર વન બની ગઈ છે.
સેમી ફાઇનલ અને ફાઇનલમાં સેન્ચુરી તેમ જ ગ્રુપ-મૅચોમાં ૩ હાફ સેન્ચુરી સાથે ૫૭૧ રન ફટકારી વૉલ્વાર્ટે એક જ એડિશનમાં હાઇએસ્ટ રનનો નવો રેકૉર્ડ બનાવી લીધો છે જેને લીધે તે કરીઅર-બેસ્ટ ૮૧૪નું રેટિંગ મેળવીને ત્રીજા નંબરથી પહેલા નંબરે પહોંચી ગઈ છે. માન્ધના ૮૧૧ રેટિંગ સાથે પહેલાથી બીજા અને ઑસ્ટ્રેલિયાની ઍશ્લી ગાર્ડનર ૭૩૮ રેટિંગ બીજાથી ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ છે.
ADVERTISEMENT
બોલિંગમાં ઇંગ્લૅન્ડની સૉફી ઍકલ્સ્ટને પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. બોલિંગમાં ટૉપ ટેનમાં એકમાત્ર ભારતીય દીપ્તિ શર્મા પાંચમા નંબરે છે. વન-ડે ઑલરાઉન્ડરોમાં પણ ઑસ્ટ્રેલિયાની ઍશ્લી ગાર્ડનર નંબર વન પર જળવાઈ રહી છે. એમાં દીપ્તિ એક સ્થાનના પ્રમોશન સાથે ચોથા નંબરે પહોંચી છે.
૯ સ્થાનનો જમ્પ મારીને જેમિમા રૉડ્રિગ્સ ટૉપ ટેનમાં પહોંચી
સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેની શાનદાર સેન્ચુરીને લીધે જેમિમા રૉડ્રિગ્સ રૅન્કિંગ્સમાં ૯ સ્થાનનો જમ્પ મારીને ટૉપ ટેનમાં પહોંચી ગઈ છે. ૬૫૮ રેટિંગ સાથે જેમિમાએ દસમું સ્થાન મેળવ્યું છે. ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર પણ ચાર સ્થાનના સુધારા સાથે ૧૪મા નંબરે પહોંચી ગઈ છે.


